સંગીતના ઓસ્કાર તરીકે જાણીતો ગ્રેમી એવોર્ડ કોઈ ગુજરાતીને મળે તેથી જેટલો આનંદ થાય તેથી વિશેષ આનંદ એ જાણીને થાય કે તે એવોર્ડ જીતનારી ગુજરાતણ ફાલ્ગુની શાહને જે મ્યુઝિક આલ્બમ માટે ગ્રેમી મળ્યો તેમાં ગુજરાતી હાલરડાંનો પણ સમાવેશ થાય છે. ફાલ્ગુની શાહનો જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો. તેનાં મમ્મી કિશોરી દલાલ પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કૌમુદી મુનશી પાસે સંગીતની તાલીમ લેતાં હતાં ત્યારે ફાલ્ગુનીને ગર્ભમાંથી જ સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફાલ્ગુની ત્રણ વર્ષની થઈ ત્યારે તેનાં મમ્મીએ તેને કૌમુદી મુનશી પાસે સંગીત શીખવા મોકલી દીધી હતી. ફાલ્ગુની શાહે જયપુર મ્યુઝિકલ ટ્રેડિશનમાં હિંદુસ્તાન ક્લાસિકલ મ્યૂઝિકમાં ટ્રેનિંગ લીધી હતી. આ સિવાય તેણે કૌમુદી મુનશી પાસે ઠુમરીની અને ઉદય મઝુમદાર પાસેથી સેમી ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી હતી. ફાલ્ગુનીએ ચર્ચગેટની એસએનડીટી કોલેજમાંથી સંગીત સાથે પહેલાં બી.એ. અને પછી એમ.એ. કર્યું હતું. તેમાં કિશોરી આમોનકર જેવાં કલાકારો વિઝિટિંગ ફેકલ્ટીમાં આવતાં હતાં. ફાલ્ગુનીનાં લગ્ન મૂળ દાહોદના વૈષ્ણવ પરિવારના ડો.ગૌરવ શાહ સાથે થયાં તે પછી તેને ૨૦૦૦ની સાલમાં અમેરિકા જવાનું થયું ત્યારે મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી ફાલ્ગુનીની દુનિયા જ બદલાઈ ગઈ હતી. અમેરિકામાં તે ‘ફાલુ’ ના નામે જાણીતી થઈ હતી.
ફાલ્ગુનીના પતિ ગૌરવ શાહ અમેરિકાના બોસ્ટનમાં ‘કરિશ્મા’ નામનું ઇન્ડિયન-અમેરિકન બેન્ડ ચલાવતા હતા. ફાલુ તેમાં મુખ્ય ગાયિકા તરીકે જોડાઈ. ૨૦૦૧માં તેની ઓળખાણ અમેરિકામાં રહેતા ભારતના વિખ્યાત સંગીતકાર કર્ષ કાળે સાથે થઈ. કર્ષ કાળે ભારતીય અને અમેરિકન સંગીતના સંયોજન માટે જાણીતા છે. કર્ષ કાળે સાથે કામ કરીને ફાલુ અમેરિકાની ક્લબો, યુનિવર્સિટીઓ અને ઉત્સવોમાં જાણીતી થઈ. ફાલુને બોસ્ટનની ટફ્ટ્સ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટીની જવાબદારી સોંપવામાં આવી. બે વર્ષ સુધી આ જવાબદારી નિભાવી તે ન્યુયોર્ક આવી. અહીં તેણે પોતાનું બેન્ડ શરૂ કર્યું. ૨૦૦૫માં તેને કાર્નેગી હોલમાં ન્યુ યોર્ક શહેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપવાની તક મળી. ૨૦૦૬માં ફાલુએ પહેલી વખત કાર્નેગી હોલમાં સોલો પર્ફોર્મન્સ આપ્યું. ત્યાર બાદ તે બોર્ન ઇન ટુ બ્રોથેલ્સ નામના ગ્રુપમાં જોડાઈ. ૨૦૦૭માં ફાલુ વાયક્લેફ જીન નામની કંપનીમાં જોડાઈ. અહીં તેણે એન્જેલિના જોલીના આલ્બમમાં કંઠ આપ્યો. તેણે પોતાનો પહેલવહેલો આલ્બમ ‘સીડી’ બહાર પાડ્યો.
ફાલ્ગુની શાહ અમેરિકામાં ભારતીય અને પાશ્ચાત્ય શૈલીના સંગીતના ફ્યુઝન માટે જાણીતી બની. ભારતમાં તેણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ તો કર્યો જ હતો. અમેરિકા જઈને તેણે પોપ સંગીતનો અભ્યાસ કર્યો અને પોતાનાં ગીતોમાં તેનું સંયોજન કર્યું. ૨૦૦૯માં ‘ટાઇમ’ મેગેઝિને ફાલ્ગુનીનો સમાવેશ વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં કર્યો. ત્યારે તેણે અમેરિકાના અનેક ખ્યાતનામ લોકોની હાજરીમાં એ.આર. રહેમાનના સાથમાં ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયેનોર’નું ગીત ‘જય હો’ ગાયું હતું. તે કાર્યક્રમમાં અમેરિકાનાં તત્કાલીન ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા ઉપરાંત ઓપ્રા વિનફ્રી, બાર્બરા વોલ્ટર્સ, સ્ટેલા મેકકાર્ટની વગેરે કલાકારો હાજર હતા.મુંબઈનો ફોરસ રોડ તેના વેશ્યા વ્યવસાય તેમ જ કોઠાઓ માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં ક્યારેક દેવદાસી જેવી નર્તકીઓ અને ગાનારીઓ વસવાટ કરતી હતી. ફાલ્ગુની શાહે મુંબઈમાં રહીને તેમની ગાયકીનો પણ અભ્યાસ કર્યો હતો. અમેરિકા ગયા પછી તેણે ફોરસ રોડની ગાયકી અને સંગીતકળા બાબતમાં તે જ નામથી મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યો. ફોરસ રોડ આલ્બમ ગ્રેમી વિજેતા નિર્માતા ડેની બ્લુમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ફાલુના વખાણ ન્યુ યોર્ક ટાઇમ્સે કર્યા હતા, જેમાં તેની અમેરિકા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિક ગેપ પૂરનાર કલાકાર તરીકે કરાવવામાં આવી હતી.
અમેરિકા ગયા પછી અને સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવ્યા પછી પણ ફાલુ તેનાં ભારતીય મૂળને ભૂલી નહોતી. આ મૂળનો દુનિયાને પરિચય કરાવવા તેણે ૨૦૧૮માં ‘ફાલુસ બાઝાર’ નામનો આલ્બમ બહાર પાડ્યો. આ આલ્બમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૧૨ ગીતો છે. તેનાં અમુક ગીતો ફાલુના પતિ ગૌરવ શાહે લખ્યાં છે. એક ગુજરાતી હાલરડું તો ફાલુનાં મમ્મી કિશોરી દલાલે ગાયું છે. આ હાલરડું ફાલુ પોતાના પુત્ર નિષાદને સૂવડાવવા માટે ગાતી હતી. આ આલ્બમને ૨૦૧૮ના ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ ચિલ્ડ્રન્સ મ્યુઝિક કેટેગરીમાં નોમિનેશન પણ પ્રાપ્ત થયું હતું.
ફાલુનો પુત્ર નિષાદ ચાર વર્ષનો થયો ત્યારથી પૂછતો હતો કે ‘‘મમ્મી, આપણી ચામડીનો રંગ કેમ સફેદ નથી? શા માટે આપણો રંગ બ્રાઉન છે?’’ ત્યારે ફાલ્ગુની જવાબ આપતી કે ‘‘જેમ ભગવાને મેઘધનુષમાં સાત રંગો બનાવ્યા છે, તેમ મનુષ્યો પણ જુદા જુદા રંગોના બનાવ્યા છે. તે સ્વાભાવિક છે.’’ કુદરતમાં જોવા મળતાં વિવિધ રંગોની રજૂઆત કરવા તેણે ૨૦૨૧માં ‘કલરફુલ વર્લ્ડ’ નામનો આલ્બમ બનાવ્યો. તેને ગ્રેમીમાં બેસ્ટ ચિલ્ડ્રન્સ મ્યુઝિક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. ફાલ્ગુની શાહ ગ્રેમી એવોર્ડના ૬૪ વર્ષના ઇતિહાસમાં આ એવોર્ડ જીતનારી પ્રથમ ગુજરાતણ છે. ફાલુ કહે છે કે તે અમેરિકાના સંગીત વિશ્વમાં ટકી છે તેનું શ્રેય તેણે ભારતમાં રહીને શાસ્ત્રીય સંગીત, ઠુમરી, કજરી અને ગઝલની જે તાલીમ લીધી તે છે. ફાલ્ગુની પોતાના ૧૦ વર્ષના પુત્ર નિષાદને પણ શાસ્ત્રીય સંગીતની તાલીમ આપી રહી છે. ફાલ્ગુની નિષાદ સાથે મળીને ‘ચીલ્લા’ કરે છે, જેમાં રોજના ૧૨ કલાક લેખે નીચેના ‘સા’થી ઉપરના ‘સા’ સુધી ૪૦ દિવસ સુધી રિયાઝ કરવાનો હોય છે.