સુરત : બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) પઠાણ (Pathan) મુવીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. મુવીની અંદર જે ભગવા રંગના અશ્લીલ કપડાં પહેરાવવામાં આવ્યા છે. તેને લઈને હિંદુ (Hindu) સંગઠનો વિરોધ નોંધાવતા આવ્યા છે. હવે આ ફિલ્મની રિલીઝ નજીકમાં છે ત્યારે તેની સામેનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. રવિવારે સુરતના (Surat) થિયેટરમાં (Theatre) પઠાણ મુવીના (Movie) બેનરો (Posters) ફાડીને ફરી એકવાર વિરોધ (Protest) કરવામાં આવ્યો છે. સુરતમાં હિન્દુ સંગઠનોએ પઠાણ મૂવીની રિલીઝ અટકાવવા માટે રવિવારે બેનરો ફાડી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. હિન્દુ સંગઠનોના આક્રમક વલણના પગલે થિયેટર માલિકોમાં ભય વ્યાપી ગયો છે.
વિસ્તૃત વિગતો મુજબ પઠાણ મુવીમાં દીપિકા પાદુકોણે (Deepika Padukone) જે બિકીની (Bikini) પહેરી છે તેના રંગને લઈને ભારે હોબાળો મચ્યો છે. ભગવા રંગમાં દેખાતા દીપિકા પાદુકોણના પહેરવેશને લઈને હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. ભગવા કલરને બેશરમ રંગ (Besharam Rang) તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો મુવીનો પણ વિરોધ કરી રહ્યા છે.
રાંદેર વિસ્તારના રૂપાલી થિયેટરમાં પઠાણ મુવીના બેનર લાગતાની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના (VHP) કેટલાક કાર્યકર્તાઓ રૂપાલી થિયેટર પર પહોંચીને પઠાણ મુવીના બેનરો ફાડી નાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને પગલે પાંચ યુવકોની ધરપકડ (Arrest) કરી છે. જે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે આ પ્રકારના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
તેમનું કહેવું એવું છે કે જેમણે વિરોધ કરવો હોય તે કરી શકે છે પરંતુ આ વિરોધ લોકશાહી (Democratic) ઢબે કરવો જોઇએ. અથવા તો ફિલ્મ અટકાવવા માટે સરકાર ઉપર દબાણ કરવું જોઇએ. જ્યારે હવે સરકારે ફિલ્મને મંજૂરી આપી દીધી છે ત્યારે થિયેટર ઉપર જઇને ત્યાં બેનર ફાડવાનો કોઇ મતલબ નથી કારણે કે તેમાં થિયેટર માલિકનો કોઇ વાંક નથી.
તમને જણાવી દઈએ કે કિંગખાન તેમજ દીપિકાની ફિલ્મ પઠાન (Pathan) રીલિઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી હતી. જો કે પઠાણ ફિલ્મને સેન્સર બોર્ડમાંથી મંજૂરી મળી ગઈ છે. આ ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મમાંથી દસ સીન કટ કરવામાં આવ્યાં છે અને ત્યારપછી જ આ ફિલ્મને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ મૂવી તા. 25 જાન્યુઆરી 2023ને બુધવારના રોજ રિલીઝ થઈ રહી છે.