World

શ્રીલંકા:રાષ્ટ્રપતિ ગોટાબાયાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા, વસૂલ કરાયેલા નાણાં સુરક્ષા એકમોને સોંપાયા

નવી દિલ્હી: આર્થિક સ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં (Sri Lanka) પ્રદર્શનકારીઓએ (Protester) શનિવારે રાષ્ટ્રપતિ (President) ગોટાબાયા રાજપક્ષેના (Gotabaya Rajapaksa) નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમના નિવાસસ્થાનેથી ભાગી ગયા છે. બીજી તરફ શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામું આપવાની અપીલ કરી હતી. પ્રદર્શનકારીઓના ઉગ્ર પ્રદર્શનને જોતા રાષ્ટ્રપતિ ગોટાબાયાએ 13 જુલાઈએ તેમના રાજીનામાની જાહેરાત કરી છે. આ સાથે જ પીએમ રાનિલ વિક્રમસિંઘેએ પણ સર્વપક્ષીય સરકાર બનાવવા માટે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રવિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો અને તેમની હવેલીની અંદરથી કરોડો રૂપિયા રિકવર કરવાનો દાવો કર્યો. સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં વિરોધીઓ રિકવર થયેલી નોટો ગણતા દેખાઈ રહ્યા છે. વસૂલ કરાયેલા નાણાં સુરક્ષા એકમોને સોંપવામાં આવ્યા છે તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે. મળતી માહિતી મુજબ ગોટાબાયા ગઈકાલે રાત્રે આર્મી હેડક્વાર્ટરમાં છુપાઈ ગયા હતા, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે ત્યાંથી પણ પોતાનું ઠેકાણું બદલી નાખ્યું છે. અત્યારે તેઓ ક્યાં છુપાયા છે તે જાણી શકાયું નથી. સંરક્ષણ સૂત્રોએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના ભાગી જવાનો દાવો કર્યો છે. પ્રદર્શનકારીઓએ નિવાસસ્થાને તોડફોડ કરી હતી. પ્રદર્શ દરમિયાન પોલીસ કર્મીઓ અને વરોધકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

શ્રીલંકા સરકારના બે મંત્રીઓએ રાજીનામું આપ્યું
હિંસક વિરોધ વચ્ચે શ્રીલંકાની સરકારના બે મંત્રીઓ હરિન ફર્નાન્ડો અને માનુષા નાનાયક્કારાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ શ્રીલંકાના આર્મી ચીફે લોકોને આ અપીલ કરી છે. શ્રીલંકાના સેના પ્રમુખ જનરલ શવેન્દ્ર સિલ્વાએ રવિવારે કહ્યું કે વર્તમાન રાજકીય સંકટનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. તેમણે લોકોને એકજૂથ થઈને આ સમસ્યાનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.

અમેરિકાએ શ્રીલંકાના નેતાઓને આ અપીલ કરી હતી
અમેરિકાએ શ્રીલંકાના નેતાઓને આર્થિક સ્થિરતા હાંસલ કરવા માટે ઝડપથી કોઈ મોટું પગલું ભરવાનું કહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈપણ નવી સરકારે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા હાંસલ કરી શકે અને શ્રીલંકાના લોકોના અસંતોષને સંબોધિત કરી શકે તેવા ઉકેલોને ઓળખવા અને અમલમાં મૂકવા માટે ઝડપથી કાર્ય કરવું જોઈએ.

પ્રદર્શનકારીઓએ કોલંબોમાં વડાપ્રધાનના ખાનગી નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી
હજારો વિરોધીઓએ શ્રીલંકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો અને શનિવારે કોલંબોમાં વડા પ્રધાનના ખાનગી નિવાસસ્થાને આગ લગાવી દીધી કારણ કે સાત દાયકામાં દેશના સૌથી ખરાબ આર્થિક સંકટ પર ગુસ્સો તીવ્ર બન્યો હતો.

IMFએ બેલઆઉટ પેકેજ અંગે વિશ્વાસ અપાવ્યો
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ કહ્યું કે તે શ્રીલંકાના રાજકીય ઉથલપાથલના ઉકેલની આશા રાખે છે જે વિરોધ હિંસક બન્યા પછી બેલઆઉટ પેકેજ માટેની વાટાઘાટોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપશે. IMF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે વર્તમાન પરિસ્થિતિના નિરાકરણની રાહ જોઈ રહ્યા છીએ જે IMF-સમર્થિત પ્રોગ્રામ પર અમારી વાટાઘાટોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપશે.”

Most Popular

To Top