Madhya Gujarat

કરમસદ પાલિકાના ટ્રાન્સફર ફીના દર સામે વિરોધ

આણંદ : કરમસદ પાલિકા દ્વારા ટ્રાન્સફર ફીના દરો નક્કી કર્યા છે, જે અંગે વાંધા સુચનો મંગાવવામાં આવ્યાં છે. આ બાબતે વિરોધ પક્ષના સભ્યો દ્વારા પાલિકા પાસે આવો કોઇ અધિકાર ન હોવાનું જણાવી ટ્રાન્સફર ફી પ્રજા પાસેથી વસુલ કરી શકે નહીં. તેવો વાંધો રજુ કરવામાં આવ્યો છે. કરમસદ પાલિકાના વિપક્ષના સભ્યોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, નગરજનો દ્વારા જ્યારે કોઇ મિલકત ખરીદવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવે છે. જેથી કરમસદ નગરપાલિકા દ્વારા ટ્રાન્સફર ફી વસુલ કરી શકાય નહીં. વેરો એ વહીવટ કરવા માટે આવક મેળવવાનું મુખ્ય સાધન છે, જ્યારે ફી માત્ર સર્વિસ ચાર્જ છે. ખર્ચ કરતા વધારે ફી લઇ શકાય નહીં. વારસાઇ નામફેર કરવાની પ્રાથમીક ફરજ પાલિકાની છે. એટલે નામફેર કરવાનો કોઇ ફી લઇ શકાય નહીં. કારણ કે ઘરવેરો વસુલ કરવા તેના માલીકને નક્કી કરવા પડે છે.

એટલે કાયદા મુજબ જ નામફેર કરવું પડે જ અને ઘરવેરો કરમસદ પાલિકાનો મુખ્ય વેરો છે. ફિના બહાના હેઠળ આવક મેળવી શકાય નહીં. મિલકત ખરીદી તે અંગેનો દસ્તાવેજ સહિતનો ઉતારો રજુ કરવામાં આવે છે, જેથી કરમસદ પાલિકાને કોઇ ખર્ચ કરવાનો થતો નથી. જેથી કરમસદ પાલિકા દ્વારા ટ્રાન્સફર ફીના નામે આવક ઉભી કરવા કરેલા ઠરાવો ગેરકાયદેસર છે. ગુજરાત પાલિકા અધિનિયમ -115માં સ્પષ્ટ જોગવાઇ છે કે મિલકતદાર પોતાની મિલકત તબદીલ કરવાનું ચુકે તો તેને ફક્ત રૂ.50 સુધીનો દંડ વસુલી શકાય છે. વધુમાં વિપક્ષોએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કાયદાની જોગવાઇ વિરૂદ્ધ કોઇ પણ ફી ઉઘરાવી શકે નહીં. જેથી ગુજરાત પાલિકા અધિનિયમમાં ટ્રાન્સફર ફી લેવા અંગે કોઇ જોગવાઇ નથી. જેથી નગરપાલિકા દ્વારા 18મી માર્ચ,21ના રોજની સામાન્ય સભામાં કરવામાં આવેલો ઠરાવ નં.10/3 કાયદા વિરૂદ્ધો હોવાથી વિપક્ષના તમામ સભ્યોનો લેખીતમાં વિરોધ છે. કરમસદ પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી તમામ કાર્યવાહી કાયદા વિરૂદ્ધની હોવાથી તાત્કાલીક અસરથી બંધ કરવી જોઈએ.

Most Popular

To Top