Vadodara

મહેમદાવાદ નગરપાલિકાએ એકાએક મિલકત વેરામાં વધારો ઝીંકતા વિરોધ

મહેમદાવાદ તા. 9
મહેમદાવાદ નગરપાલિકા દ્વારા 30મી જાન્યુઆરીના રોજ જાહેર ખબર આપીને વર્તમાન વિવિધ વેરાઓમાં વધારો કરવા માટેની તજવીજ હાથ ધરાઇ છે. અને તે માટે નગરપાલિકા દ્વારા 30 દિવસમાં પ્રજાજનોના વાંધા વિરોધ મંગાવવામાં આવ્યા છે. આ માટેની સમયમર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે ઘરદીઠ મિલ્કતવેરાના વિરોધમાં આવેદનપત્રો આપીને પ્રજાજનો દ્વારા પાલિકાના આ નિર્ણય સામે વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહેમદાવાદ નગર પાલિકાના સમાવિષ્ટ વિસ્તારના સમૃદ્ધ – મધ્યમ અને નબળાવર્ગ વગેરેમાં રાજ્યસરકારે વર્ગીકૃત કર્યો છે. મહેમદાવાદ નગર પાલિકા ક વર્ગમાં આવે છે. જેથી પાલિકાની કારોબારી સમિતિના ઠરાવ નં. 51(2) તા.24-02-2023થી પોપર્ટી ટેક્સ (મિલકત વેરો)નો ડેઝીગેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને વંચાણે લઇને મહેમદાવાદ પાલિકાના ઠરાવ નંબર 97 તા. 31-1-2024થી જરૂરી ફેરફારો કરી રહેણાંક વિસ્તાર અને બીન રહેણાંક વિસ્તારમાટે ના દરમાં વ્યાપક વધારો કરવાનું સુચવ્યું છે. આ માટે 30 દિવસમાં વાંધા સુચનો લેખીતમાં રજુ કરવા માટે પણ જણાવાયું છે. આ મિલ્કતવેરાના વિરોધમાં પ્રજાજનોમા ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ બાબતે મહેમદાવાદના જાગૃત્ત નાગરિક મહેશભાઇ મહેતા દ્વારા જિલ્લા કલેક્ટર, સચિવ, શહેરી વિકાસ મંત્રાલય, મંત્રી, શહેરી વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર અને લેખીતમાં રજુઆત કરીને આ વેરાને પાછા ખેંચવામાં નહી આવે તો જનઆંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વેરા વધારો પાછો ખેંચવામાં નહી આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top