આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા ધરખમ ફિ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ફિ વધારો પરત ખેંચવા માંગણી કરી હતી. આણંદના એનએસયુઆઈએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે ધરખમ ફિ વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ માટે સહેજ પણ રીતે સ્વીકાર્ય નથી. ગત વર્ષ કરતાં આ વર્ષે યુનિવર્સિટી દ્વારા એવી કંઇ નવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે કે જેના કારણે આ ધરખમ ફિ વધારો યુનિવર્સિટીએ કર્યો છે.
તેનો ખુલાસો એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી પાસે માંગવામાં આવી રહ્યો છે. આ ફિ વધારા સાથે નોંધનીય છે કે, આપણી યુનિવર્સિટીમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ મધ્યમવર્ગ પરિવારમાંથી આવે છે અને તેઓ આ ધરખમ ફિ વધારો વેઠી શકે તેમ ન હોય અને તેના કારણે ઘણા વિદ્યાર્થીઓને પોતાનું ભણતર આગળ વધારવામાં તકલીફ પડે તેમ હોય તેથી યુનિવર્સિટી દ્વારા કરાયેલા આ ધરખમ ફિ વધારો પાછો ખેંચવામાં આવે તેવી અમારી માગણી છે. જો આમ નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે.
ઇન્ટીગ્રેટેડ કોર્ષના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ એક્ઝામ લેવા માગણી
એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલી માગણીમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી ગયા સેમેસ્ટરની લેવાયેલી તમામ કોલેજની એક્સટર્નલ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની એનસી કે કેટી આવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે હાલ યુનિવર્સિટી દ્વારા ઓન ડિમાન્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ઘણીવાર કોલેજમાં અને યુનિવર્સિટીમાં રજૂઆત કરવા છતા ઇન્ટીગ્રેટેડ કોર્ષના વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પરીક્ષા લેવાનું કોઇ પણ પગલું ભરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, યુનિવર્સિટી દ્વારા ઇન્ટીગ્રેટેડ કોર્ષના વિદ્યાર્થીઓ પાસેથી પણ સરખી જ માત્રામાં ફી ઉઘરાવવામાં આવે છે. જોકે, વિદ્યાર્થીઓ પાસે આટલો અન્યાય શું કામ ? અને જો ઇન્ટીગ્રેટેડ કોર્ષના વિદ્યાર્થીની ઓન ડિમાન્ડ પરીક્ષા લેવામાં ન આવે તો તેમને પણ આવતા સેમેસ્ટરના પાસ થવામાં ઘણી મુશ્કેલ થાય તેવી પરિસ્થિતિ હાલ નજરે પડી રહી છે.