Dakshin Gujarat

જંબુસરમાં પણ રૂપાલા સામે વિરોધ, ક્ષત્રિય સમાજે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

ભરૂચ(Bharuch): સમસ્ત ક્ષત્રિય-રાજપુત (Rajput) સમાજ જંબુસર (Jambusar) દ્વારા પરસોત્તમ રૂપાલાએ (Parsottam Rupala) કરેલી ટીપ્પણીના મુદ્દે ટિકિટ રદ્દ કરવા માંગ સાથે જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

  • સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવા પ્રાંત અધિકારીને આપેલું આવેદનપત્ર
  • મોટી સંખ્યામાં આગેવાનો સ્વરાજ ભવનથી પગપાળા નીકળીને ગગનભેદી સુત્રોચ્ચાર કરીને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા

રાજકોટ લોકસભા બેઠક (Rajkot Loksabha Seat) પર ભાજપે (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં ટીપ્પણી કરી હતી. જેને લઈને આખો ક્ષત્રિય સમાજ તેમના વિરોધમાં છંછેડાયો છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગઈ તા. 22મી માર્ચના રોજ એક કાર્યક્રમમાં સમસ્ત રાજા રજવાડા વિષે કરેલી ટીપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે.

તેમણે આપેલી ટીપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ એવી ભાષાનો ઉપયોગ કરીને રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જેને લઈને ક્ષત્રિય સમાજ આખા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી તરીકે રદ્દ કરવા માટે પ્રચંડ માંગણી કરી છે. મંગળવારે સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને એક જ માંગ કરી છે કે રાજકોટના ઉમેદવાર રૂપાલાને રદ્દ કરવા માંગણી છે. મોટી સંખ્યામાં રાજપુત સમાજના આવેગાનોએ જંબુસર સ્વરાજ ભવનથી પગપાળા નીકળીને “મોદી તુજસે બૈર નહિ, રૂપાલા તેરી ખૈર નહિ”ના સૂત્રોચ્ચાર કરીને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.

Most Popular

To Top