Vadodara

SSGHના 750 હંગામી કર્મચારીઓને 2 માસનો પગાર ન આપતા વિરોધ

વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષોથી એજન્સી ચલાવતા ડીજી નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 750 જેટલા વર્ગ- 3 અને વર્ગ-૪ના કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર નહીં ચૂકવાતાં કોન્ટ્રાકના કર્મચારીઓ રોષે ભરાયા હતા. વહીવટી અધિકારીની કચેરી ખાતે હલ્લાબોલ કરી વહેલી તકે પગારનું ચૂકવણું કરવામાં નહીં આવે તો હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. મધ્ય ગુજરાતની વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં વર્ષોથી માત્રને માત્ર નાકરાણી એજન્સી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.અને વારંવાર આ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓ સાથે મનસ્વી વલણ તેમજ શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો અગાઉ પણ થયા હતા.

શુક્રવારે પણ સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા રોષે ભરાયેલા કર્મચારીઓએ વહીવટી અધિકારીની કચેરીએ ધસી જઇ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટર ડી.જી.નાકરાણી અને એમ.જે.સોલંકીનો કોન્ટ્રાક્ટ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે.આ કોન્ટ્રાક્ટર દ્વારા વર્ગ 3 અને 4ના કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં નહીં આવતા તેમજ કર્મચારીઓનું આર્થિક શોષણ કરતા હોવાની અનેક ફરિયાદો અગાઉ થઈ હતી.

જેના કારણે કેટલીય વખત કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના વહિવટી અધિકારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનવા પામ્યા હતા.તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટરના વહીવટમાં કોઈપણ પ્રકારનો સુધારો ન આવતા આ વખતે પણ કોન્ટ્રાક્ટના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ તેમજ સિક્યુરિટી સ્ટાફનો બે મહિનાનો પગાર કરવામાં નહીં આવતા કર્મચારીઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. શુક્રવારે કર્મચારીઓએ પોતાની કામગીરીથી અલિપ્ત રહી સામૂહિક રીતે હલ્લાબોલ કાર્યક્રમ સાથે સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

જ્યાં તેઓએ છેલ્લાં બે મહિના સુધી કોન્ટ્રાકટર દ્વારા પગાર ચુકવવામાં નહીં આવ્યો હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી.કર્મચારી ધર્મેશ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી અમારો પગાર થયો નથી.અમારું એસ્ક્રો એકાઉન્ટ હતું. જે એજન્સીએ બંધ કરી દીધું છે. હવે વહીવટી પૈસા ખાય છે કે ઉપરના સાહેબ પૈસા ખાય છે.એ અમને કંઈ જ ખબર નથી.પરંતુ જ્યારે એકસો એકાઉન્ટ બંધ થયું. ત્યારે વહીવટી દ્વારા કોઇ દબાણ કરવામાં આવ્યું નથી.જેને લઇને આ પહેલા અમે સોમવારે રજૂઆત કરી હતી.ત્યારે તેમના દ્વારા જણાવાયું હતું કે મંગળવારે તમારો પગાર થઈ જશે.પરંતુ આજે ત્રણ દિવસ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં પણ અમારો પગાર થયો નથી.

Most Popular

To Top