ભારતની સંસદમાં કાયદાઓ બને છે ત્યારે નાગરિકોને એક વાત કરવામાં આવે છે, પણ જ્યારે કાયદાનો અમલ કરવાની વાત આવે છે ત્યારે નિયમો બદલાઈ જતા હોય છે. ૨૦૧૬ માં ભારતની સંસદમાં આધાર કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે તેનો ઉપયોગ સરકારી સેવાનો લાભ મેળવવા પૂરતો મર્યાદિત હશે અને કોઈ નાગરિકને આધાર કાર્ડ લેવાની ફરજ પાડવામાં આવશે નહીં. આધાર કાર્ડની યોજના સામે સુપ્રિમ કોર્ટમાં કેસ થયો ત્યારે પણ કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું હતું કે આધાર કાર્ડ ફરજિયાત નથી અને કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય તેટલા માત્રથી તેને સરકારી સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. સરકારે સંસદમાં અને કોર્ટમાં જે વાતો કરી હતી તેથી વિરુદ્ધનું વર્તન અત્યારે જોવા મળી રહ્યું છે.
આધારનો કાયદો પસાર થયો તે પહેલાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ નાગરિકે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું હશે તો પણ પોતાનો આધાર નંબર આપવો પડશે. ઇન્કમ ટેક્સ વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. આધાર નંબર વગર બેન્કમાં ખાતું પણ ખોલાવી શકાતું નથી. સરકારે રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. હવે તો કોઈ નાગરિક કોરોનાની વેક્સિન લેવા જાય તો પણ તેની પાસે આધાર કાર્ડની વિગતો માગવામાં આવે છે.
ટ્રેનમાં ઓનલાઇન ટિકિટ બૂક કરાવવી હોય તો પણ આધાર નંબર માગવામાં આવે છે. હવે સરકાર આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરવાનો કાયદો લાવવા માગે છે. આ માટેનો ખરડો લોકસભામાં પસાર થઈ ગયો છે, પણ રાજ્ય સભામાં વિપક્ષોના વિરોધને કારણે અટકી પડ્યો છે. સરકાર કહે છે કે મતદાન યાદીમાં નામોનું પુનરાવર્તન થતું રોકવા માટે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા જરૂરી છે. વિપક્ષો કહે છે કે ચૂંટણી કાર્ડ માટે આધાર કાર્ડ માગવાથી નાગરિકોનો પોતાની પ્રાઇવસી જાળવવાનો અધિકાર જોખમમાં આવી પડશે.
આધાર કાર્ડની યોજના યુપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંસદમાં કોઈ કાયદો ઘડ્યા વિના લોકોની પ્રાઇવસી પર અતિક્રમણ કરતી આ યોજના લાગુ પાડી દેવામાં આવી હતી. ચૂંટણી પંચે પણ છેક ૨૦૧૫ માં જાહેર કર્યું હતું કે જો મત આપવો હોય તો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવું જરૂરી છે. લોકો પણ પોતાનો મતાધિકાર ગુમાવી બેસવાના ડરે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરાવવા દોડ્યા હતા. આશરે ૩૦ કરોડ જેટલા મતદારોનો ડેટા આધાર કાર્ડ સાથે લિન્ક કરાઇ ગયા પછી કેટલાક જાગ્રત નાગરિકો દ્વારા સુપ્રિમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો કે આ રીતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની ફરજ પાડવાથી નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. ૨૦૧૮ માં આધાર કેસમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો તેમાં પણ આધાર કાર્ડને મરજિયાત ગણાવવામાં આવ્યું હતું. આ કારણે ચૂંટણી પંચની યોજના હવામાં અદ્ધર લટકી ગઈ હતી.
તાજેતરમાં ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે તે ચૂંટણી કાર્ડના ડેટાનું આધાર કાર્ડના ડેટા સાથે સંયોજન કરવાની વિચારણા કરી રહ્યું છે. સુપ્રિમ કોર્ટના ૨૦૧૮ ના ચુકાદા મુજબ કોઈ પણ સંસ્થા આધાર કાર્ડનો ડેટા વાપરવા માગતી હોય તો સંસદમાં કાયદો કર્યા વિના વાપરી શકે નહીં. આ કારણે ચૂંટણી પંચે સરકારને વિનંતી કરી હતી કે તે સંસદમાં કાયદો કરીને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિન્ક કરવાનો માર્ગ મોકળો કરે. આ સૂચનના આધારે સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્રમાં ૧૯૫૦ ના પ્રજા પ્રતિનિધિત્વ ધારામાં સુધારો કરતો ખરડો લાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચની દલીલ એવી છે કે ઘણા મતદારોનું સરનામું બદલાય તેની જાણ તેઓ ચૂંટણી પંચને કરતા નથી. તેમનું નામ જૂના સરનામે ચાલુ રહે છે અને નવા સરનામે પણ તેમની નોંધણી થઈ જાય છે.
આ રીતે એક જ મતદાર બે ઠેકાણે મતદાન કરે તેવું પણ બને છે. વળી કેટલાક કારીગરોની નોંધણી તેમના વતનમાં થઈ હોય છે, પણ તેઓ બીજાં રાજ્યમાં કામ કરતા હોય છે. તેઓ મતદાન કરી શકતા નથી. જો ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે તો આ મુશ્કેલીનો ઉપાય આવી શકે છે. વિપક્ષો કહે છે કે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે. તેની પાસે પોતાનો ડેટાબેઝ છે. જો કોઈ મતદારનું સરનામું બદલાઈ જાય કે તેનું મરણ થાય તો મતદારયાદીમાં ફેરફાર કરવાની યંત્રણા ચૂંટણી પંચ પાસે છે. તે યંત્રણાનો ઉપયોગ કરીને તે સમયાંતરે મતદાર યાદીમાં સુધારણા કરતું જ હોય છે. તેને આધાર કાર્ડનો ડેટા સુપરત કરવાની કોઈ જરૂર નથી. આધાર કાર્ડ કેટલાક બિનભારતીયો પાસે પણ છે. તેઓ પણ ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાર બની જાય તેવું બની શકે છે.
સરકાર દ્વારા સંસદમાં દલીલ કરવામાં આવી છે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું ફરજિયાત નહીં હોય, પણ મરજિયાત હશે. જો મતદાર પોતાના આધાર કાર્ડને લિન્ક ન કરવા માગતો હોય તો તેને ફરજ પાડવામાં આવશે નહીં. આ માત્ર શબ્દોની રમત છે. ખરડામાં લખ્યું છે કે ‘‘જો કોઈ ઉચિત કારણ હશે તો મતદાર આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો ઇનકાર કરી શકશે.’’ આ ઉચિત કારણ કોણ નક્કી કરશે? ચૂંટણી પંચનો અધિકારી કે બીજો કોઈ? જો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવાનું ફરજિયાત ન હોય તો તેના વિકલ્પોની યાદી પણ કાયદામાં આપવી જોઈએ. તેવી કોઈ યાદી ખરડામાં આપવામાં આવી નથી. જો ચૂંટણી પંચના અધિકારી દ્વારા આધાર કાર્ડ માગવામાં આવશે તો મતદાર તેનો ઇનકાર કરી શકશે નહીં.
તેને તો ખબર પણ નહીં હોય કે તેને ના પાડવાનો અધિકાર છે. આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરવાનો કાયદો ઘડવા પાછળ સરકારની શું દાનત છે, તેનો પણ ખ્યાલ આવતો નથી. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને વેક્સિન કાર્ડ સાથે પણ લિન્ક કરવામાં આવ્યું છે. હવે તેને ચૂંટણી કાર્ડ સાથે પણ લિન્ક કરવામાં આવશે. પછી જાહેરાત કરવામાં આવશે કે જેમણે વેક્સિનના બે ડોઝ ન લીધા હોય તેમને મત આપવા દેવામાં નહીં આવે. તેવી રીતે ચૂંટણી કાર્ડનો ડેટા સરકારને આપવાથી પણ નાગરિકોના મૂળભૂત અધિકારો જોખમમાં આવી શકે છે. કોઈ પણ નાગરિક દ્વારા પોતાનો ડેટા ચૂંટણી પંચને આપવામાં આવે ત્યારે એવી સમજણપૂર્વક આપવામાં આવતો હોય છે કે ચૂંટણી પંચ તેનો ઉપયોગ નાગરિકની પરવાનગી વગર બીજાં કોઈ કાર્ય માટે કરશે નહીં.
આ નિયમનો પણ ચૂંટણી પંચ દ્વારા ભંગ કરવામાં આવે છે. ૨૦૨૦ માં દિલ્હીમાં કોમી રમખાણો થયાં તેનાં દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યાં હતાં. તેમાં રમખાણ કરનારાના ચહેરાઓ પણ જોઈ શકાતા હતા. દિલ્હી પોલીસે ચૂંટણી પંચ પાસે ચૂંટણી કાર્ડનો ડેટા માગ્યો હતો, જેમાં મતદારોના ફોટો પણ હતા. ચૂંટણી પંચે પોતાની નીતિથી પણ વિરુદ્ધ જઈને મતદારોની પરવાનગી વગર આ ડેટા પોલીસને આપી દીધો હતો. પોલીસે તે ડેટાના આધારે તોફાનીઓને ઓળખી કાઢ્યા હતા અને તેમના ઘરે પહોંચી ગયા હતા. નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડ માટે ફોટો પડાવવામાં આવ્યો ત્યારે તેમને તેવી કલ્પના પણ નહોતી કે આ ફોટાનો ઉપયોગ તેમની સામે ફોજદારી કેસ કરવા માટે થશે. તેલંગણાની સરકાર દ્વારા મતદારોની ઓળખ તપાસવા માટે ચૂંટણી બૂથમાં ફેસિયલ રેકગ્નિશન ટેકનિકનો ઉપયોગ ગેરકાયદે કરવામાં આવ્યો હતો. આ રીતે આધાર કાર્ડનો ડેટા ચૂંટણી પંચના હાથમાં સોંપવાથી તેનો ઘણો દુરુપયોગ થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.