Business

પ્રચારક ફિલ્મો સિનેમેટિક સ્વતંત્રતાને બદલે પૂર્વગ્રહો ઘડવા માટે લેવાતી છૂટ સમાજ માટે જોખમી

સૌથી પહેલી વાત તો એ કે કાશ્મીરી પંડિતોએ જે પણ વેઠ્યું, જે હિંસાનો તે ભોગ બન્યા, જે રીતે તેમણે પોતાનાં મૂળિયાંથી દૂર થવું પડ્યું તેની પીડાને વર્ણવવી આસાન નથી. વિસ્થાપન ક્યારેય પણ આરામદાયક નથી હોતું. કાશ્મીરી પંડિતોની વેદનાને અવગણવાનો કોઇ પ્રયાસ નથી થઇ રહ્યો. આ ડિસ્ક્લેમર – ચોખવટ એટલા ખાતર કારણ કે આજકાલ લોકોને ધુંધવાઇ જતા વાર નથી લગતી. અહીં વાત થઇ રહી છે માત્ર ને માત્ર સિનેમાની, ફિલ્મના પડદે જોવા મળતી વાર્તાઓની, તેમાં લેવાતી સિનેમેટિક સ્વતંત્રતા – સર્જનાત્મક સ્વતંત્રતાની, પૂર્વગ્રહો નહીંવત્ હોય તેવી ફિલ્મો પણ તેમાં ય રાજકીય વિચારધારાની છાંટ હોય તેવી ફિલ્મોની. ભારત કુમારના નામથી જાણીતા એક્ટર મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’નું બીજ તેમને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથેની વાતચીતમાંથી મળ્યું હતું. ‘જય જવાન, જય કિસાન’ના નારાને કેન્દ્રમાં રાખી કંઇક થવું જોઇએની વાતચીત મનોજ કુમાર અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે થઇ અને ‘ઉપકાર’ ફિલ્મ બની.  ૬ ફિલ્મફેર અને ૩ નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ ઉપકાર પછી મનોજકુમારે દેશભક્તિ, દેશની સંસ્કૃતિ, સમસ્યાઓ વગેરેને આવરી લેતી ફિલ્મો બનાવી.

 ‘રોટી કપડાં ઔર મકાન’ ફિલ્મની પ્રેરણા હતી ઇંદિરા ગાંધીનું ગરીબી હટાઓ સૂત્ર.  કમનસીબે તે ફિલ્મમાં દર્શાવાયેલો બેરોજગારીનો પ્રશ્ન આજે પણ એટલો જ પ્રસ્તુત છે વળી તે ફિલ્મમાં ગવાયેલું ગીત ‘મહેંગાઇ માર ગઇ’ આજે પણ ગાઇએ તો કોઇને જરાક પણ માઠું નહીં લાગે. આ ફિલ્મોમાં રાજકીય-સામાજિક પરિસ્થિતિનો ચિતાર ચોક્કસ હતો પણ તેમાં પૂર્વગ્રહો નહોતા, કોઇ પણ વિચારધારા એ હદે ઘૂંટવામાં નહોતી આવી કે ફિલ્મ જોઇને દર્શકોનું લોહી ઉકળી ઊઠે અથવા તો ઇતિહાસના અધકચરા જ્ઞાનને સાચું માની લે. ફિલ્મો જો વૈમનસ્ય ફેલાવે, ઝનૂની બનાવે, ધ્રુવીકરણના વિચારને તીવ્ર કરે તો તે સિનેમાના માધ્યમને જે કામ કરવાનું હોય છે તેના સિવાયનું કામ કરી બેસે છે. 

છેલ્લાં દસ વર્ષોમાં પ્રોપેગેન્ડા ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે. વળી જે પક્ષની સરકાર હોય તેના તરફી વિચારધારાની ફિલ્મો સરળતાથી બને પરંતુ તેમાં તેનાથી વિરોધી વાત દર્શાવાઇ હોય તો ફિલ્મનો ગજ ન વાગે. રાહુલ ધોળકિયાની ‘પરઝાનિયા’ કે નંદિતા દાસની ફિલ્મ ‘‘ફિરાક’ને લઇને હોબાળા-વાહવાહી નથી થઇ. ફિલ્મોમાં બધું હોય છે સાચું જ હોય તે જરૂરી નથી કારણ કે ફિલ્મ મેકર્સ ડૉક્યુમેન્ટરી ફિલ્મ નથી બનાવી રહ્યા તેમણે સિનેમેટિક લિબર્ટી તો લેવી જ પડે કારણ કે આમ જનતાને મૂળે વાર્તા કહેવાની છે. ‘ઠાકરે’, ‘તાન્હાજી’, ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘ઉરીઃ ધી સર્જિકલ સ્ટ્રાઇક’, ‘મણિકર્ણિકા’, ‘પાણીપત’, ‘પૅડમેન’, ‘ગોલ્ડ’, ‘ટોઇલેટ એક પ્રેમ કથા’, ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મો છેલ્લા એક દાયકામાં આવી છે.  એટલું ઓછું હોય તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બની.  આ બધી જ ફિલ્મો કોઇ પ્રચાર માટે હતી એવું ‘બ્લેન્કેટ સ્ટેટમેન્ટ’ ન કરીએ છતાં ય રાજકારણ સાથેના તાણાવાણા જોડવા સહેલા તો થઇ જ જાય છે.

ઇતિહાસ કે વર્તમાનની ઘટનાઓથી-સમસ્યાઓથી બનેલી ફિલ્મો નવી નથી. આવી ફિલ્મો પહેલાં પણ બની છે. વળી પ્રોપેગેન્ડા ફિલ્મ્સ અન્ય દેશોમાં પણ બની છે. પહેલા વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશરોને ખ્યાલ આવ્યો કે જનતાનો અભિપ્રાય બદલવો હોય – તેમાં કોઇ ચોક્કસ વળાંક લાવવો હોય તો ફિલ્મો બહુ શક્તિશાળી માધ્યમ ગણાય.  વીસના દાયકામાં સોવિયેટ્સને સમજાયું કે ફિલ્મોનો પ્રભાવ ધાર્યા કરતાં ઘણો વધારે હોય છે. નાઝી જર્મનીની શક્તિ અને સત્તા દર્શાવતી ફિલ્મો પણ બનતી જેમાં હિટલરને મહાન દર્શાવાયો છે. અમુક ફિલ્મો એવી બની જેમાં નાઝીઓને મહાન ન બતાવાયા પણ યહૂદીઓ જેવી લઘુમતીને ગુનાઇત, ખેપાની, જોખમી બતાડવામાં આવ્યા.  જર્મનીમાં બનેલી એન્ટિસેમિટિક ફિલ્મ – ‘ધ ઇટર્નલ જ્યુ’ – ડૉક્યુમેન્ટરી જેવી ફિલ્મ હતી, તેમાં પારાવાર જુઠાણાં બતાડાયા હતા અને માટે જ જર્મનીની બહાર જ્યારે ફિલ્મ દર્શાવાઇ ત્યારે તેમાંથી અમુક હિસ્સાઓ એડિટ કરી લેવાયા.

ફિલ્મોનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે પહેલેથી થતો આવ્યો છે, સ્ટોરી ટેલિંગથી જેટલો પ્રભાવ માનસ પર પાડી શકાય છે તેટલો બીજા કશાયથી નથી પડતો. વધતા જતા ક્રાઇમ રેટની પાછળ પણ ફિલ્મો અને ટેલિવિઝનના ક્રાઇમ શો કારણભૂત બને છે તે આપણે જાણીએ છીએ. ફિલ્મોનું રાજકારણ પેચીદું છે. ગુલઝારની ફિલ્મ ‘આંધી’ સામે ઇંદિરા ગાંધીની સરકારને વાંધો હતો પણ તે ફિલ્મ કાલ્પનિક હતી, તેનાં પાત્રો ક્યાંક કોઇને મળતા આવતાં હોય તે બને. ‘કિસ્સા કુર્સી કા’ ફિલ્મને પણ રાજકારણ નડ્યું હતું. ફિલ્મો કોઇ પણ દ્રશ્યને સંચાર આપે છે, જીવંત બનાવે છે, ઊંડાણ બક્ષે છે અને લોકોના વિચારો પર તેની અસર પડે છે. ફિલ્મ કેમરાની આંખે બની છે તે ભૂલી જઇને દર્શકો જે દેખાય છે એ જ સાચું છે માની લેતા હોય છે. નાઝીવાદીઓ માનતા કે હકીકતો અથવા કોઇ પણ નેરેટિવને રજૂ કરવામાં જો સફળતાપૂર્વક ખેલ કરાશે તો લોકોને આપણે એ મનાવી શકીશું જે મનાવવા માગીએ છીએ. વિયેટનામ વૉર પર બનેલી બે જાણીતી ફિલ્મો ‘ફુલ મેટર જેકેટ’ અને ‘પ્લેટૂન’માં અમેરિકન મિશનની ટીકા કરાઇ હતી. આ એન્ટી – પ્રોપેગેન્ડા ફિલ્મો બની જેમાં યુદ્ધ નહીં પણ તે પ્રત્યેનો પ્રતિભાવ દર્શાવાયો.

સત્ય દરેકનું જુદું હોય છે. વળી કોઇ પણ હકીકતને મૂલવવાના એક કરતાં વધારે રસ્તા હોય છે, દૃષ્ટિકોણ હોય છે. સંદર્ભને કારણે સમજ અને સત્ય એકબીજાથી જોડાય કાં તો છૂટા પડે. કાશ્મીર ફાઇલ્સ હોય કે તાશ્કંત ફાઇલ – ફિલ્મમાં જો કશું અધૂરું રહી જાય તો કાચું કપાય તે યોગ્ય નથી. જે દર્શાવાયું છે એ ખોટું છે એમ કોઇ નથી કહી રહ્યું પણ ૩૬૦ ડિગ્રીમાં સત્ય ફરતે આંટો મારવો પડે.  માત્ર કાશ્મીરી મુસલમાનો, સેક્યુલર રાજકારણીઓ અને ડાબેરી બૌદ્ધિકો વિશે કોઇ ડાયરેક્ટર શું મનાવવા માગે છે તેનો પ્રયાસ કાશ્મીરી પંડિતોના પ્રશ્નનો જવાબ નથી આપી શકવાનો. 

શીખ રમખાણો, ૨૦૦૨નાં રમખાણો, ગોધરા કાંડ, એંશીના દાયકામાં થયેલાં રમખાણો, બાબરી ધ્વંસ જેવી ઘણી બધી ઘટનાઓ છે જેની પર ફિલ્મો બની શકે છે. લોકો આ ફિલ્મને ‘શિન્ડલર્સ લિસ્ટ’ સાથે સરખાવે છે. આ સરખામણી સાવ ખોટી છે. શિન્ડલર્સ લિસ્ટ જોઇને કોઇ સામાન્ય માણસને એવો જ વિચાર આવે કે ભગવાન કરે કે આવું ફરી ક્યારેય ન થાય પણ આપણે ત્યાંની આ પ્રકારની ફિલ્મો જોઇને બીજા ધર્મના લોકો પર કે બિનસાંપ્રદાયિક લોકો પર કે ડાબેરી વિચારધારા ધરાવનારાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઇએની લાગણી દર્શકોમાં જન્મે છે. સિનેમાના માધ્યમનો બેફામ ઉપયોગ થશે તો આપણું આવી બનશે, આપણને શાંતિપ્રિય સમાજની જરૂર છે ઝનૂૂની અને ધ્રુવીકરણમાં રાચનારા સમાજની નહીં.

Most Popular

To Top