Editorial

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનની બાબતમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે ટોચ પર: ખરેખર ગૌરવની બાબત

નવા ઉદ્યોગ સાહસોને સ્ટાર્ટઅપ્સ તરીકે ખાસ સવલતો આપીને તેમના વિકાસને પ્રોત્સાહન આપવાનું ભારત સરકારનું પગલું સરાહનીય છે. આમ તો સ્ટાર્ટઅપ્સનો ખયાલ કંઇક જૂનો છે પરંતુ વર્તમાન સરકારે ખાસ કરીને યુવા ઉદ્યોગ  સાહસિકોને પ્રોસ્તાહન આપવા સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે વિશેષ યોજનાઓ અને પ્રોત્સાહનો રજૂ કર્યા છે. ભારત સરકારના ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગ દ્વારા આ સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પુરુ  પાડનારા રાજ્યોને રેન્કિંગ આપવાનું કેટલાક વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાત આ વર્ષે પણ શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્ય બન્યું છે

નવા સાહસિકોને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે યોગ્ય વાતાવરણ પુરુ પાડવામાં ગુજરાત અને  કર્ણાટકને સૌથી સારો દેખાવ કરનાર રાજ્યો તરીકેનું રેન્કિંગ મળ્યું છે. ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ(ડીપીઆઇઆઇટી) દ્વારા રાજ્યો અને સંઘ પ્રદેશોને આપવામાં આવેલા  રેન્કિંગમાં તેમને આ ટોચનું  રેન્કિંગ મળ્યું છે. આ રેન્કિંગ ઉદયમાન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાઓના આધારે આપવામાં આવ્યું છે. સતત ત્રીજી વખત આ રેન્કિંગમાં  ગુજરાતને શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્ય તરીકેનું સ્થાન મળ્યું છે. જે ખરેખર ગુજરાત માટે ગૌરવની બાબત છે.

રાજ્યોને આ રીતે આ રેન્કિંગ આપવાની કવાયત પાછળનો હેતુ તેમની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિકાસનો વિકાસ કરવા માટેનો  અને એકબીજાની શ્રેષ્ઠ પધ્ધતિઓમાંથી તેઓ શીખે તે છે. કુલ ૨૪ રાજ્યો અને ૭ સંઘપ્રદેશોએ આ  કવાયતમાં ભાગ લીધો હતો જેમને પાંચ કેટેગરી હેઠળ રેન્ક આપવામાં આવ્યા છે. આમાં બેસ્ટ પર્ફોમર, ટોપ પર્ફોમર, લીડર, એસ્પાઇરિંગ લીડર અને ઇમરજિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એવી કેટેગરીઓનો સમાવેશ થાય છે. જે રાજ્યો અને  સંઘ પ્રદેશોની એક કરોડ કરતા ઓછી વસ્તી હોય તેમને આ જ પાંચ કેટેગરી હેઠળ અલગથી રેન્કિંગ આપવામાં આવ્યું છે.

એક કરોડ કરતા ઓછી વસ્તી ધરાવતા નાના રાજ્યોમાં મેઘાલયને શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્ય તરીકેનું સ્થાન  મળ્યું છે. કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીરને ટોપ પર્ફોમર (ટોચના શ્રેષ્ઠ દેખાવ કરનાર) તરીકે રેન્ક આપવામાં આવ્યો છે. પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ, યુપી, આંદામાન અને નિકોબાર, અરૂણાચલ પ્રદેશ અને ગોવા  લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. ઇમર્જિંગની કેટેગરીમાં આંધ્ર, બિહાર, મિઝોરમ અને લડાખ આવ્યા છે. રાજ્યો અને સંઘપ્રદેશોને ૨૬ એકશન પોઇન્ટ્સના આધારે આ રેન્કિંગ આપવામાં આવ્યું હતું જેમાં ઉદયમાન ઉદ્યોગોને સંસ્થાકીય  ટેકો, શોધ સંશોધનોને પ્રોત્સાહન, ઉભરતા ઉદ્યોગોને બજારની ઉપલબ્ધતા, ભંડોળના ટેકા વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકા સહિતના અનેક દેશોમાં નવા અને ઉદયમાન ઉદ્યોગોના વિકાસને ટેકા થકી જ ઝળહળતો ઔદ્યોગિક વિકાસ  શક્ય બન્યો છે.

ગુજરાત આમ પણ તેના ઉદ્યોગ સાહસિકો માટે જાણીતું છે. દેશના ટોચના બે ઉદ્યોગપતિઓ ગુજરાતીઓ જ છે. ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહક વાતાવરણ લાંબા સમયથી રહ્યું છે અને અહીં ભારત સરકારની આ સ્ટાર્ટઅપ્સને  પ્રોત્સાહનને યોજના અમલમાં આવી તેના ઘણા સમય પહેલાથી કેટલાક નવા ઉદ્યોગ સાહસિકોએ જે ઉદ્યોગ સાહસો કર્યા હતા. ધંધા અને ઉદ્યોગની બાબતમાં ગુજરાત વિશ્વના ટોચના ઉભરતા હબ્સમાંનુ એક બની ચુક્યું છે અને છેલ્લા  કેટલાક વર્ષોમાં સેંકડો સ્ટાર્ટઅપ્સ કંપનીઓ ગુજરાતમાં સ્થપાઇ છે અને તેમાંની ઘણીએ અદભૂત સફળતા પ્રાપ્ત કરી છે.

ગુજરાતની આવી અદભૂત સફળત પ્રાપ્ત કરનાર કંપનીઓમાં લેન્ડીકાર્ટ, બ્લુસ્માર્ટ મોબિલીટી, બિલડેસ્ક, પેટપૂજા,  બિગસ્પૂન, ઇન્ટાસ ફાર્માસ્યુટિક્લ્સ, ડિજિટલ ક્લાસ ઇ-લર્નિંગ માર્કેટ પ્લેસ, લાઇટ માઇક્રોફાયનાન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ કંપનીઓ ફૂડ, દવા, શિક્ષણથી માંડીને ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ સુધીના ધંધાઓમાં કાર્યરત  છે. ગુજરાતમાં આ સ્ટાર્ટઅપ કંપનીઓની અદભૂત સફળતા માટે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ ઉપરાંત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહક માહોલને પણ શ્રેય જાય છે. સતત ત્રીજા વર્ષે ગુજરાત સ્ટાર્ટઅપ્સને અનુકૂળ માહોલની બાબતમાં  શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્ય બન્યું છે ખરેખર ગૌરવની બાબત છે.

Most Popular

To Top