પ્રોજેકટ્‌સના થયા ડબ્બા ગુલ સુરતીઓ બન્યા એપ્રિલ ફૂલ!

આજે 1લી એપ્રિલ-એપ્રિલ ફૂલ્સ ડે સામાન્ય રીતે મિત્ર-ભાઇબંધો કે સગાં-સંબંધીઓ એકબીજા સાથે પ્રેન્ક કરી તથા ઉલ્લુ બનાવી એપ્રિલ ફૂલ્સ ડેનો નિર્દોષ આનંદ માણી લેતા હોય છે. પ્રજા મજા કરે તો તંત્ર કેમ પાછળ રહી જાય. વખતો વખત આપણા નેતાઓ, મંત્રીઓ અને તંત્ર પણ અનેક પ્રોજેકટ્‌સ કે સ્કીમ્સને નામે લોકોને એપ્રિલ ફૂલ બનાવી જ દેતા હોય છે. સુરતના શહેરીજનોને પણ તંત્ર તરફથી આવા અનેક મોટા-મોટા વાયદાઓ જુદા-જુદા સમયે કરવામાં આવ્યા છે, જે આજ સુધી માત્ર વાયદા બનીને જ રહી ગયા છે. પ્રજાજનોને પણ એમ જ લાગતું હશે કે તંત્ર જાણે મનમાં ‘એપ્રિલ ફૂલ બનાયા બડા મઝા આયા’ કહી મૂછમાં મલકાતું હશે…

સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બિરબલની ખિચડીની જેમ બની રહી છે
2015
થી ત્રણ મુખ્યમંત્રી સત્તા પર આવ્યા પણ ટેક્સટાઇલ યુનિવર્સિટીની જાહેરાત કાગળોમાં રહી છે. ડાયમંડ બુર્સ બનાવવાની સાથે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેક્સટાઇલ યુનિવર્સીટી બનાવવાની જાહેરાત કરી હતી. આનંદીબેન પછી વિજય રૂપાણી આવ્યા એમણે એક કદમ આગળ વધી બજેટમાં યુનિવર્સિટી માટે 10 કરોડની ફાળવણી કરી હતી. છેલ્લે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ટેક્સટાઇલ યુનિવર્સિટીની પીપુડી વગાડવાનું ચાલુ રાખી રાજ્ય સરકારના બજેટમાં ફરી 10 કરોડની ફાળવણી કરી હતી. સાંસદ દર્શના જરદોશ કેન્દ્રમાં રાજ્ય કક્ષાના ટેક્સ્ટાઇલ મંત્રી બનતા ફરી આશાઓ જાગી હતી અને આ પ્રોજેક્ટ સુરસુરિયું સાબિત થતો લાગ્યો. બીજી તરફ ભારતની પહેલી ટેક્સટાઇલ યુનિવર્સિટી તામિલનાડુમાં બનવાની શરૂ થઈ ગઈ છે.

સી-પ્લેનનુ સપનું પણ ‘એપ્રિલફુલ’ બની રહ્યું?
નરેન્દ્ર
મોદીએ ગુજરાતના વોટરબોડીનો પરીવહન માટે મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મુકતા થોકબંધ પ્રોજેકટની જાહેરાત કરી હતી તેમાં સુરતના કોઝ વેથી સી. પ્લેન ઉડાવવાની વાત કરીને સુરતીલાલાઓને આનંદિત કરી દીધા હતા. બાદમાં તેના અનુગામી આનંદીબહેન અને વિજય રૂપાણી પણ આ સપનાને મમળાવતા જ રહ્યા કે તાપી નદીમાંથી એક દિવસ ચોક્કસ સી-પ્લેન ઉડશે તેવી આશાએ સુરતીલાલાઓ હજુ પણ ‘એપ્રિલફુલ’ બની રહ્યાં છે.

સુરત-નવસારી ટ્વીન-સીટીનો જન્મ જ થતો નથી
સુરત
પર વસતીનું ભારણ ઘટે અને સુરતમાં કામ-ધંધો કરતા લોકોને વસવાટ માટે અન્ય વિકલ્પ ઉપલબ્ધ બને તેના માટે સુરત-નવસારી ટવીન-સીટીનું સપનું રાજય સરકારે એક દાયકા પહેલા બતાવ્યું હતું પરંતુ આ ટવીન-સીટી પ્રોજેકટનો જાણે વાયદાઓના ઉદરમાંથી પ્રસૃતિ થતી જ ના હોય તેવો ઘાટ છે. ટવીન-સીટીના વાયદાને કારણે સુરત-નવસારી રોડ પર જમીનોના મોટા મોટા સોદાઓ કરનારા આજે પણ ‘એપ્રિલફુલ’ બન્યાની લાગણી અનુભવી રહ્યાં છે.

મલ્ટી-મોડેલ ટ્રાન્સપોર્ટ હબ
વિશ્વકક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવી સુરતને નવી ઓળખ આપવાનો વાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સતા પર આવ્યા કે તુરંત કર્યો હતો આજે આ વાતને નવ વર્ષ થયા પણ સુરતના રેલ્વે સ્ટેશનના નવિનીકરણની ઇંટ પણ મુકાઇ નથી, મનપા, ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વચ્ચે MOU સાઈન થયાં હતા. માસ્ટર પ્લાન પણ બન્યો હતો અને 17 વાર પ્રોજેક્ટમાં અલગ-અલગ ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ આખરે આ પ્રોજેકટ પર ઠંડુ પાણી રેડી દઇ હવે 5000 કરોડની જગ્યાએ 900 કરોડના નવા પ્રોજેકટનુ સપનું બતાવવામાં આવી રહયું છે.

ગોપીતળાવમાં સ્કાય હવામાં ઉડી જ નહી
સુરત મનપાની
ઐતિહાસિક ધરોહર સમાન ગોપીતળાવનું કરોડો રૂપીયાના ખર્ચે નવનિર્માણ કરાયું, પરંતુ ત્યાર બાદ તેની આજૂબાજુનો માર્ગ વિકસાવ્યો ન હોવાને કારણે ત્યાં જોઈએ એવી અવર-જવર નથી. આ ગોપીતળાવમાં એમ્યુઝમેન્ટને વિકસાવવા માટે સ્કાય બસનું સપનું શાસકોએ બતાવ્યું હતું પરંતુ ગોપીતળાવનો પ્રોજેકટ પુરો થયાના આઠ વર્ષ બાદ પણ હજુ સુધી સ્કાય બસ અને શાસકોનો વાયદો હવામાં જ રહી ગયો છે.

સુવાલી બીચના વિકાસ પ્રોજેક્ટ પર રેતી ઉડી
સુરત
નજીકના સુવાલી ખાતેના બીચના ડેવલપમેન્ટ માટે પણ અગાઉ સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. સુવાલી બીચના ડેવલપમેન્ટ માટેની જવાબદારી જે તે સમયે સુરત જિલ્લા પંચાયતને સોંપવામાં આવી હતી. આ માટે કરોડો રૂપિયાના ખર્ચની જોગવાઈ પણ કરાઈ હતી પરંતુ આજે 10-10 વર્ષ થઈ જવા છતાં પણ સુવાલી બીચનો વિકાસ થયો નથી. એટલું જ નહીં, ડેવલપમેન્ટના નામે સુવાલી બીચ પર ઝીરો કામગીરી કરવામાં આવી છે. આ રીતે રાજ્ય સરકાર અને સુરત જિલ્લા પંચાયતને સુરતની પ્રજાને ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા હોવાની પ્રતિતી થઈ રહી છે.

2100 કરોડની, સદભાવના ગ્રાન્ટ
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચુંટણી પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં સદભાવના ઉપવાસ કર્યા હતા. તેમાં મોદીએ સુરત મનપાને 2100 કરોડની સદભાવના ગ્રાન્ટ આપવાનો વાયદો કરીને સુરતીલાલાઓના બત્રીસકોઠે દિવા કરી દીધા હતા, જો કે આ વાયદો થયાના એક દાયકા બાદ પણ 2100 કરોડનું સપનુ બતાવી તંત્ર સુરતીલાલાઓને ‘એપ્રિલફુલ’ બનાવી ગયા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.

Most Popular

To Top