Charchapatra

ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ

દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે એ પુરવાર થયેલી હકીકત છે અને એટલે દારૂબંધી હોવી જરૂરી છે. આ અંગે તા.૨૮ જુલાઈ નો ગુજરાતમિત્રનો તંત્રીલેખ ખૂબ જ સુંદર પ્રકાશ પાડે છે. જો ન વાંચ્યો હોય તો એકવાર વાંચી જવા ભલામણ છે.હાલમાં આખા દેશમાં માત્ર ચાર રાજ્યોમાં દારૂબંધી અમલમાં છે. બિહાર, ગુજરાત, મિઝોરમ અને નાગાલેન્ડ. અત્યારે આપણે વાત કરવી છે ગુજરાત રાજ્યની દારૂબંધીની. ગુજરાતમાં દારૂબંધી કહેવા પૂરતી જ છે, બાકી આખા રાજ્યમાં તમને જયારે જોઈએ ત્યારે જોઈએ તેટલો દારૂ મળી રહે છે. આ હું નથી કહેતો, વર્તમાનપત્રોમાં પ્રકાશીત થતાં સમાચારો કહે છે.

સરકારની ઈચ્છા હોય તો પણ ગાંધીજીના નામે તેમનું નામ વટાવીને ગુજરાત રાજ્યમાંથી દારૂબંધીનો કાયદો દૂર નથી કરી શકાતો. એટલું જ નહી સૌથી મોટું અને મહત્વનું કારણ એ છે કે જો ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવે તો પોલીસ ખાતાને મળતી બે નંબરી આવક બંધ થઈ જાય. પોલીસ ખાતામાં પગાર ધોરણ મામૂલી હોય છે એટલે સરકાર તેમને બીજી રીતે કમાવાની તક પૂરી પાડે તે એ રીતે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં ચાલુ રહે અને બીજી બાજુ દારૂના અડ્ડાઓ ધમધમતા રહે તેથી કાયદાના ઓથા હેઠળ બુટલેગરોને પકડવાના અને પૈસા ખાઈને છોડી દેવાના. જે રીતે બરવાળા લઠ્ઠાકાંડ સર્જાયો ત્યાર પછી એ વાત તો સાબિત થઈ જ ગઈ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ છે.

આ સંજોગોમા અને અત્યાર સુધીના અનુભવો પછી ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો રદ કરી દેવો જોઈએ એવું લાગ્યા વગર રહેતું નથી. તા.૨૮ જુલાઈનું શ્રી હિતેન્દ્ર ભટ્ટનું આ જ વિષય ઉપરનું ચર્ચાપત્ર પણ વાંચવાં જેવું છે. છેલ્લા સમાચાર પ્રમાણે બરવાળા લઠ્ઠાકાંડમાં અમુક જવાબદાર પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલા લેવામાં આવ્યા છે. ઠીક છે. પણ મુખ્ય વાત ગુજરાત રાજ્યમાંથી દારૂબંધીનો કાયદો રદ કરવાની છે તે છે એ વાત નોંધવી ઘટે. થાગડ થીંગડ પગલાંથી કંઈ ન વળે તે નિર્વિવાદ હકીકત ગણાવી જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top