Charchapatra

પ્રજાએ સ્વીકારેલી દારૂબંધી

યુ એ ઇ ના અબુધાબીમાં બીયર બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ઇસ્લામમાં દારૂ પીવા પર સખત પાબંધી  છે તેમ છતાં યુ એ ઇ માં  પર્યટકોને આકર્ષવા માત્ર પર્યટકો માટે જ  બીયરની ફેક્ટરી ચાલુ કરવાનું લાઇસન્સ અપાતાં અબુધાબીમાં બીયર બનાવવાની અને પીવાની  મંજૂરી આપી છે. અબુધાબીમાં આવતાં પર્યટકો શું ખાય છે અને  શું પીવે છે તેનું સરકાર બરાબર ધ્યાન રાખે છે અને તે બદલાયેલા જમાના પ્રમાણે ચાલે છે,  જ્યારે આપણા  ગુજરાતમાં છેલ્લાં 63 વર્ષથી દારૂબંધી અમલમાં  છે છતાં ગુજરાતમાં તમામ  શહેરો અને  અપવાદ સિવાય દરેક ગામના ખૂણે ખૂણે  દારૂ મળતો હોય ત્યારે દારૂબંધીની સફળતા વિશે  તો કંઈ બોલવા જેવું રહેતું નથી.

ગુજરાતમાં સમયાંતરે કયારેક દૂધના કન્ટેનરમાં તો કયારેક સીમેન્ટના કન્ટેનરમાં કે ગાડીમાં બનાવેલા ચોરખાનામાં ટ્રેન કે બસ મારફતે અમુક  મુસાફરો પણ ગેરકાયદે દારૂ લાવતા હોય છે અને ઞુજરાતમા તે દારૂ  પીવાતો રહે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો  કાયદો માત્ર કાગળ પર જ રહી  જાય છે.   અબુધાબી જેવા મુસ્લિમ દેશ પોતાને ત્યાં આવતાં પર્યટકો માટે બીયરની સગવડ કરી આપતા હોય  તે જોતાં ગુજરાત સરકારે પણ દારૂ પીનારાં  નાગરિકો માટે દારૂબંધી હટાવી લેવી જોઈએ.

દેશનાં અન્ય રાજ્યોમાં અને ગુજરાતના પડોશી તમામ રાજ્યોમાં દારૂ  છૂટથી પીવાતો હોય અને દેશની બહુમત પ્રજા છૂટથી દારૂ પીતી હોય અને ગુજરાતમાં જ દારૂબંધી હોય તો તે કાયદો ગુજરાતની પ્રજા માટે લાંછન સમાન છે અને તે પણ   લોકશાહી  હોવા છતાં આવી પાબંધી? ગુજરાત રાજ્યની દારૂબંધી  ગુજરાતની પ્રજાની સ્વતંત્રતા પર તરાપ મારવા બરાબર છે.

બળજબરીથી ઠોકી બેસાડવામાં આવેલી દારૂબંધીના કારણે  દારૂ પીનારા ગુજરાતીઓ વીસ ત્રીસ રૂપિયામાં પ્લાસ્ટિકની કોથળીમાં વેચાતો દારૂ તે દારૂ નહીં મોત ખરીદીને તે દેશી કે ઇગ્લીશ ખૂણે ખાંચરે જેવો મળે તેવો ઝેર જેવો દારૂ પીવે છે પરંતુ ખોંખારો ખાઈને પોતાના હકને માટે દારૂબંધી હટાવવા બહુમતીથી લડવાની  ત્રેવડ બતાવતા નથી તે જોતાં એવું લાગે છે કે ગુજરાતની દારૂ પીનારી  પ્રજાએ નત મસ્તકે  દારૂબંધી સ્વીકારેલી છે તે આવનારા સમયમાં   હટવાની નથી તેવું સ્પષ્ટ દેખાય છે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top