ગુજરાતમાં 62 વર્ષથી ચાલી આવતી દારૂબંધી સફળ થઈ શકી નથી. 62 વર્ષ પછી પણ દારૂના સંખ્યાબંધ કેસો થતા રહે છે. 13 અને ૧૪ માર્ચના ‘ગુજરાતમિત્ર’ના સમાચાર મુજબ સુરતમાં સુડાના એડિશનલ કલેકટર અને ડેપ્યુટી કલેકટરની સરકારી ગાડીઓમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓ પકડાયા હતા અને સરકારી ગાડી હોવાથી વધુ તપાસ માટે તેઓના પાંચ દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. દારૂબંધીના 62 વર્ષ પછી પણ દારૂ લાવનાર, વેચનાર અને પીનારાઓ માટે કાયદામાં સજાની જોગવાઈ હોવા છતાં નશાબંધી ખાતું દારૂ લાવનાર, વેચનાર અને પીનારાઓ ઉપર ધાક જમાવી શક્યું નથી. ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળે છે એવા આક્ષેપો વારંવાર થતા રહે છે તેમ છતાં સરકાર છાતી ઠોકીને આક્ષેપો ખોટા છે તેવું કહેતી નથી કે કહી શકતી નથી તે વાત નિરાશાજનક છે. ગુજરાતમાં દારૂબંધી સફળ થઈ હોય તો પછી ગેરકાયદે દારૂ મળે છે કેમ ? અને નિષ્ફળ ગઈ હોય તો દારૂબંધી હટાવતા કેમ નથી? આ સવાલનો જવાબ શું હોઈ શકે?
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ગાંઠ’ની ગાંઠડી
‘ગાંઠ’શબ્દ મનુષ્ય જીવનમાં અનેક પ્રકારે જોડાયેલો રહ્યો છે. મનુષ્યનાં જીવનમાં એક વર્ષનો ઉમેરો થાય એટલે કહે છે આજ મારી ‘વર્ષગાંઠ’છે. એજ રીતે માણસ લગ્ન કરે છે ત્યારે કહેવાય છે, કે તેઓ ‘લગ્ર-ગ્રંથી’એટલે લગ્ન ગાંઠથી જોડાયા રાજ-કારણીઓ તો સત્તા અર્થે અન્ય, પક્ષો સાથે ગઠ-બંધન કરતા રહે છે. તો વળી કેન્સર જેવી બિમારી માણસને થાય છે ત્યારે કેહવાય છે તેમને કેન્સરની ગાંઠ નીકળી. સૂરણ ન પણ સૂરણની ગાંઠ કહેવામાં આવે છે. તો વળી કોઈ જોડે કોઈ વાતે અણબનાવ થાય ત્યારે કહે છે તેમની વચ્ચે ‘મડાગાંઠ’પડી ગઈ તો કોઈ વળી કોઈની સાથે છુપાએલ સબંધ સાથે કામગીરી કરે તો તેમની વચ્ચે ‘સાંઠ-ગાંઠ’હોવાનુ કહેવાય છે આ અનેક પ્રકારે મનુષ્ય જીવનમાં ‘ગાંઠ’જોડાયેલ છે. પ્રત્યેક જીવનમાં એક ગાંઠથી દુર રેહવુ રહ્યુ કે એવી ગાંઠ ક્યારેય બાંધવી જોઈએ નહીં. કોઈકની સાથે કંઈક કારણસર વાંદો પડે તો મનમાં વેરની ગાંઠ બાંધવાથી દુર રહેવુ ઘટે વેરની ગાંઠ સામેનાનેજ નહીં પોતાને પણ કનડતી રહેતી હોય છે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જુની ટ્રેઇનનો ઉપયોગ વિચારો
નવી ટ્રેઇનો આવી રહી છે. દરેક રાજયમાં રેલવે યાર્ડમાં જુના ડબ્બાઓ કાટ ખાઇ રહ્યા છે અને તેમાના સામાનની બેધડક ચોરી થઇ રહી છે અને કબાડી ખાનામાન વેચાઇ રહી છે. સામાન્ય ઝુપડપટ્ટીઓને આ ડબ્બા વિના મુલ્યે ફાળવવામાન આવે તો કોઇને ખ્યાલ પણ ન આવે કે જુની ઝુપડપટ્ટી નવા જમાનાના લેબાસમાં ફેરવાઇ રહી છે. આપણે જાણીએ છીએ ભંગારમાન ગયેલી દરેક ચીજ ધીરે ધીરે નામશેષ થઇ રહી છે. જો સરકારના ધ્યાનમાં આવે તો આપણા બદસુરત ભારતની સુરત જરૂર બદલી શકાય.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.