Business

વધતી ઉંમરની ‘વન’ની સમસ્યાઓ

ગયે વખતે ફાધર્સ ડે પછી પુરુષોની સમસ્યાઓ વિશે આપણે વાત કરેલી. તે પછી એક વડીલ મળ્યા તે કહે કે આ બધા સોશ્યલ મીડિયાના તૂત છે અને વડીલોને કેટલી શારીરિક તકલીફ હોય છે તે જાણવાની કોઈ દરકાર કરતું નથી. એમની વાત પરથી મને થયું કે થોડે અંશે વાત સાચી છે અને આંકડા દર્શાવે છે કે દસમાંથી નવ વડીલોને ઓછામાં ઓછી એક ક્રોનિક – લાંબી ચાલતી બીમારી હોય છે અને દસમાંથી આઠને તો એક કરતાં વધુ હોય છે! આ તકલીફોને દરકાર કરીને યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં ન આવે તો પાછળનું જીવન અઘરું લાગવા લાગે છે. તો ક્યા રોગો છે કે જે પચાસ પછીના શરીરમાં ખૂબ જ જોવા મળે છે?

01. હાઇપરટેંશન : વધતી વયની સાથે લોહી લઇ જતી આર્ટરિની ઇલાસ્ટિક ક્ષમતા ઘટે છે અને તે કઠણ થાય છે. કોઈ જાતની તકલીફ આપ્યા વિના આપણું BP વધવા માંડે છે અને તે નિયમિત રીતે મપાવવાથી જ ખબર પડે છે.

02. ડાયાબિટીસ : આપણો દેશ દુનિયામાં ડાયાબિટીસમાં પહેલે નંબરે છે અને એમાં પણ શરૂઆતમાં કોઈ તકલીફ હોતી નથી 35 વર્ષ પછી નિયમિત તપાસ કરાવવાથી આ બેઉ રોગ જલ્દી પકડાય છે.

03. હૃદયરોગ : શુગર અને પ્રેશરની તકલીફ વહેલી ચાલુ થાય અને એમાં બેઠાડુ જીવન અને તમાકુ ઉમેરાય એટલે હૃદયરોગ તો પાછળ આવે જ એ નક્કી છે.

04. મોટાપો : મેદસ્વિતા વધતી વયની સાથે વધે જ છે. અને એ બીજા રોગોને વધવામાં મદદ કરે છે.

05. આંખ અને કાનની સમસ્યા : આંખમાં મોતિયો અને કાનમાં બહેરાશ એ વધતી ઉંમરની લાચાર બનાવતી તકલીફ ખરી જો એનો ઉપાય ન કરવામાં આવે તો. સદભાગ્યે ઉપાય અઘરો નથી.

06. હાડકાં અને સાંધાની તકલીફો : હોર્મોનની અછત, કેલ્શિયમ અને વિટામિન ડી ની ઊણપ, બેઠાડુ જીવન વગેરેને કારણે હાડકાં નબળાં પડે છે – ઓસ્ટીઓપોરોસીસ અને નાના અકસ્માતમાં પણ ફ્રેક્ચર થઇ શકે છે. આ ઉપરાંત વધતી ઉંમર સાથે મોટાપો અને ડાયાબિટીસ જોડાય એટલે સાંધાની ગાદી ઘસાય છે અને ઓસ્ટિઓઆરથ્રાઇટિસ ને કારણે ચાલવાની અને ઊઠવા-બેસવાની તકલીફ પડે છે. આનું પણ સમયસર નિદાન કરી એની આગેકૂચ ધીમી કરી શકાય છે.

07. COPD : કોવિડ મહામારીએ બધાંને ફેફસાં વિશે વિચારતા કરી દીધા છે. ઘણાએ કવોરન્ટાઇનનો લાભ લઇ સિગરેટ, તમાકુ છોડ્યા પણ છે! ફેફસાં પણ વય વધતાં ઇલાસ્ટિક ક્ષમતા ગુમાવે છે અને ધીમે ધીમે શ્વાસની તકલીફ વધે છે.

08. પિશાબ અને પ્રોસ્ટેટ : આ સમસ્યા વિષે આપણે આવતે વખતે વાત કરીશું.

09. કમરનો દુખાવો : મોટા ભાગનાં લોકોને આ તકલીફ કોઈ ને કોઈ સમયે પજવે છે.

10. કેન્સર : આ ગભરાવતો શબ્દ ગમે ત્યારે જીવનમાં પ્રગટ થઇ શકે પણ જેમ ઉંમર વધે એમ દરેક અવયવના કેન્સરનું જોખમ પણ વધે છે.

11. અલ્ઝાઈમર : યાદશક્તિ ધીમે ધીમે ઘટતી જાય અને માનવી પોતાનાને અને પછી પોતાને ઓળખવાનું ભૂલી જાય અને પોતાની દૈનિક જરૂરતો માટે પણ પરવશ થઇ જાય એ દરેક આત્મનિર્ભર વ્યક્તિ માટે દુ:સ્વપ્ન જેવું છે.

Most Popular

To Top