લખનઉ: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ ભારત (India) આવી છે. પ્રિયંકા તેના ભારત પ્રવાસની તસવીરો અને વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર સતત શેર કરતી રહે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા તેની હેર પ્રોડક્ટ અનોમલીને પ્રમોટ કરવા માટે મુંબઈ આવી છે. પરંતુ મુંબઈ બાદ હવે પ્રિયંકા ચોપરા લખનઉમાં છે.
પ્રિયંકા ચોપરાનો વિરોધ
સોમવારે લખનઉમાં પ્રિયંકા ચોપરા અલગ-અલગ આંગણવાડી કેન્દ્રો પહોંચી અને બાળકોને મળતા જોવા મળી હતી. આ દરમિયાન તેમનો વિરોધ પણ શરૂ થઈ ગયો હતો. લખનઉના ગોમતીનગરમાં પ્રિયંકા ચોપરા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરમાં લખ્યું છે – નવાબના શહેરમાં તમારું સ્વાગત નથી.
પ્રિયંકા ચોપરા યુનિસેફના કાર્યક્રમના ભાગરૂપે બે દિવસીય પ્રવાસ પર લખનઉમાં આવી પહોંચી છે. ગોમતીનગરના સંતમૂલક ચારરસ્તા પાસે અભિનેત્રી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરો કોણે લગાવ્યા છે તે અંગે ગોમતીનગર પોલીસ હજુ તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈનું નામ બહાર આવ્યું નથી.
પ્રિયંકા ચોપરા 2 દિવસ માટે લખનઉમાં હાજર છે, આ દરમિયાન તે યુનિસેફ વતી ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે. સોમવારે તે પ્રાથમિક શાળામાં જઈને શાળાની પ્રવૃતિઓમાં જોડાઈ હતી અને મીના મંચ સાથે આંગણવાડી કેન્દ્રમાં ચાલતી પ્રવૃતિઓ નિહાળી હતી. હવે મંગળવારે અભિનેત્રી લોક બંધુ હોસ્પિટલ જશે અને વન સ્ટોપ સેન્ટર 181 મહિલા હેલ્પલાઈન પર જશે. આ ઉપરાંત તે ન્યૂ બોર્ન કેર યુનિટ અને મહિલા હોસ્પિટલ સાથે ગોમતીનગરમાં યુનિસેફની ઓફિસ પહોંચશે.
લિંગ અસમાનતા વિશે વાતો કરી
પ્રિયંકા ચોપરાએ લખનઉમાં આંગણવાડી કેન્દ્રો પર જતી વખતે ઘણા વીડિયો અને ફોટા શેર કર્યા હતા. તેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે લિંગ અસમાનતા વિશે વાત કરતી જોવા મળી હતી. વીડિયોમાં પ્રિયંકા કહી રહી હતી કે, ‘અત્યારે હું યુનિસેફ સાથે લખનઉમાં છું. છોકરીઓ સામે હિંસા અને ભેદભાવને સમાપ્ત કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે તે જોવા માટે અમે વિવિધ યુનિસેફ ભાગીદારોની મુલાકાત લઈએ છીએ. હું રોજિંદા જીવનમાં તેઓ જે પડકારોનો સામનો કરે છે તે વિશે સાંભળીશ અને ઉકેલો શોધીશ, કારણ કે ઉકેલોની મોટા પાયે જરૂર છે.