કેમ છો?
બાળકોની એકઝામ પતી જતાં હવે હળવાશ વર્તાતી હશે. સાથે જ વેકેશનનું પ્લાનિંગ પણ ચાલુ થઇ ગયું હશે. આ કાળઝાળ ગરમીમાં આ વેકેશન તમારા તન-મનને ઠંડક આપે એવી અમારી શુભેચ્છાઓ….
સન્નારીઓ, એક સમયે એવું કહેવાતું હતું કે ગૃહિણીઓને વેકેશન નથી હોતું…. પણ છેલ્લા દાયકામાં સ્થિતિ બદલાઇ છે. ખાણી-પીણી અને હરવાફરવા માટેનાં આપણાં સપનાંઓએ એકધારા રૂટિન પર બ્રેક મારી છે. કંટાળો આવે તો બહાર જમવાનું કે મેગી બનાવીને ચલાવવાનું સ્વાતંત્ર્ય ઘણી સ્ત્રીઓ ભોગવે છે.
મુવી, આઉટીંગ અને બહાર ડીનર એ વેકેશન વિના પણ માણી શકાય છે છતાં વેકેશનનું એકસાઇટમેન્ટ અલગ જ રહેવાનું. સ્કૂલ – ટયુશન – હોમવર્કમાંથી છુટ્ટી… નિરાંતે ઊંઘો. ટી.વી. જુઓ. મોબાઇલ મચડો… નો ટેન્શન પરંતુ આ બધું પહેલા અઠવાડિયામાં સારું લાગે. આખો દિવસ બચ્ચાં-પાર્ટીનો કોલાહલ અને લડાઇઝઘડા માથું દુખવી દે. વળી, વેકેશનમાં બાળકો પણ ફુલ આરામના મૂડમાં હોય એટલે ખાવાપીવા કે ઊઠવા – ઊંઘવાના કોઇ ઠેકાણાં નહીં તેથી બૂમો પાડીને મગજ બગાડવાનું. જાયે તો કહાં જાયે? ઔર કરે તો કયા કરે? જેવી દુવિધા સર્જાય છે.
સન્નારીઓ… આ દુવિધામાંથી બચવાનો એક રસ્તો છે યોગ્ય પ્લાનિંગ અને તે પણ બેક-અપ પ્લાન યાને સેકન્ડ પ્લાન સાથેનું. આખું ફેમિલી સાથે મળીને પહેલાં તો બજેટ બનાવો અને ચકાસો… બહારગામ જવાના દિવસો બાદ કરતાં શું કરવું? મમ્મી અને બચ્ચાં બંને માટે વેકેશન પોતાની પર્સનાલિટીમાં વેલ્યુ એડ કરવા માટેનો એક સારો ચાન્સ છે. બાળકોને ગમતી એક્ટિવિટીઝમાં મૂકી શકાય. માત્ર એક કે બે…. એમને આખો દિવસ એક કલાસથી બીજા કલાસમાં દોડાવવાનાં નથી. ભર ઉનાળે બપોરે મીઠી નીંદર માણવાનો એમને પણ હક છે. આજે બાળકોને રીડીંગ માટે પ્રોત્સાહિત કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું કઠીન કામ છે. છતાં વેકેશનમાં એકાદ બુક રીડ કરવાનો ટાર્ગેટ ચોકકસ આપી શકાય. મોબાઇલ એ બાળકોનું પ્રિય રમકડું છે. તેઓ ફાલતુ વસ્તુ દ્વારા ટાઇમપાસ કરે એના કરતાં મોબાઇલ ફોટોગ્રાફી તરફ વાળી શકાય. નેચર, ફૂડ કે પોટ્રેટ ફોટોગ્રાફી દ્વારા તેઓ એમની સ્કીલ ડેવલપ કરી શકશે. મોબાઇલમાં જ ફોટો એડિટીંગની અનેક ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ક્રિએટીવીટીને ટચ આપી શકે.
વેકેશનનો એક અન્ય મતલબ છે ફેમિલી ટાઇમ…. ટી.વી. અને મોબાઇલને બદલે સાથે રમી શકાય એવી ગેમ્સની મજા માણો. સીકવન્સ, મોનોપોલી, ઝેંગા વુડનબ્લોક, પઝલ્સ, કેરમ, ફોરશોટ્સ, ઓથેલો, કનેકટ મી, ઉનો, ચેઇનલેફટર, સ્પોટ ઇટ, ચેસ અને મીની બોલિંગ જેવી અનેક ગેમ્સ છે જેમાં ફન, આઇકયૂ ડેવલપીંગ અને સાથે સમય પસાર કરવાનો ત્રિપલ લાભ મળી શકે. પરિવારના સભ્યો એકબીજાના વિચાર જાણી શકે અને વગર પૈસે એન્જોય કરી શકાય. જો કે વેકેશનમાં બાળકો માટે બે કલાકની આઉટડોર એક્ટિવીટીઝ કમ્પલસરી હોવી જોઇએ. પછી ભલે એ કોઇ સ્પોર્ટસ હોય કે ભેગા થઇને રમાતી કોઇ સાદી દેશી રમત હોય.
અને હા, વેકેશનમાં કેટલીક લાઇફ સ્કીલ્સ પણ શીખવવી જોઇએ. છોકરો હોય કે છોકરી એને જમવાની બે – ત્રણ વસ્તુ બનાવતાં આવડવી જ જોઇએ. મેગી – પાસ્તા કે સેન્ડવીચ સિવાય ખીચડી – એકાદ શાક બનાવતા શીખે એવા પ્રયત્નો કરવા જોઇએ. આજની કોલેજ ગોઇંગ છોકરીને સોયદોરાથી એક બટન ટાંકતા કે એક ટાંકો લેતા પણ નથી આવડતું. ઇસ્ત્રી પણ ન આવડે, ફર્સ્ટ એડનું પણ ખાસ નોલેજ નથી હોતું તો આ બાબતોને પ્રાયોરીટી ચોકકસ આપવી જોઇએ.
વેકેશનમાં ટ્રેકીંગ એ મજાની પ્રવૃત્તિ છે. ઘણાં પેરન્ટ્સ બાળકને ટ્રેકીંગ કે સ્કૂલ ટૂરમાં મોકલતાં ડરે છે. એમને પડવાથી લઇને બગડવા સુધીની ચિંતા સતાવે છે પરંતુ બાળક જયારે ફ્રેન્ડઝ સાથે એડવેન્ચર્સ એક્ટિવિટીઝમાં જાય છે ત્યારે એની હિંમત અને શકિત બહાર આવે છે. પોતાની વસ્તુને સાચવતા શીખે છે. જાતે નિર્ણયો લે છે. ટાઇમ મેનેજ કરે છે. ટૂંકમાં એ પોતાની નજરે દુનિયા જોતાં શીખે છે. લોકોને ઓળખવાનું – સમજવાનું કૌશલ્ય એમનામાં વિકસે છે એટલે બાળકોને તમારો પાલવ છોડાવી બહારની દુનિયામાં અવશ્ય મોકલો. જે બાળકો બાળપણથી ટૂર અને ટ્રેકીંગમાં જાય છે એનો આત્મવિશ્વાસ, સ્ફુર્તિ અને નિર્ણયક્ષમતા બેવડાય છે. અગર તમે ફેમિલી ટુર પસંદ કરો છો તો એમાં નેચરની સાથે એડવેન્ચર્સ હોય એ ધ્યાન રાખજો. ઘણાં લોકો રિસોર્ટમાં ચાર દિવસ રહીને ફ્રેશ થવાનું પ્રીફર કરતાં થયા છે.
ગરમીમાં રખડવા કરતાં ખાઇ-પીને એક જ જગ્યાએ જલસા કરવા. મીડલ – એજનાં લોકો માટે આ વાત વાજબી હોય શકે પરંતુ બાળકો અને યુવાનો માટે તો નવી – નવી જગ્યાઓ એકસપ્લોર કરવાની ધનક જોઇએ. ઐતિહાસિક સ્થળો, જંગલો, નેશનલ પાર્ક, પર્વતો કે બીચ…. જયાં જાવ ત્યાં હોટલથી સાઇટ સીનની મર્યાદિત સફર ન ચાલે. લોકલ કલ્ચર, ખાણી-પીણી, આજુબાજુનાં ઓછાં જાણીતાં સ્થળો અને સ્પોર્ટસમાં રસ લેવો જોઇએ. ફરીને આવીએ ત્યારે કશુંક જોયા – જાણ્યાનો અહેસાસ થવો જોઇએ. તો સન્નારીઓ, કોરોના પછીના આ પહેલા વેકેશન માટે આપ સહુને બેસ્ટ લક. હા, બે વર્ષની કસર એક સાથે ન પૂરી કરતા નહીંતર બોડી અને બજેટ બંને મુશ્કેલી વધારશે…
– સંપાદક