વડોદરા: શહેરના મુખ્ય માર્ગો સહિત સર્કલો ઉપર ખાનગી વાહનો દ્વારા ગેરકાયદે પેસેન્જરો ભરવાની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. વાહનોમાં પેસેન્જરોને ઘેટા-બકરાની જેમ ઘીચો-ઘીચ ભરી દેવામાં આવે છે. ત્યારે તેને લઈ મોટી કોઈ દુર્ઘટના બનવાની શક્યતા પણ રહેતી હોય છે. જોકે આ સંજોગોમાં કોઈ ઘટના બન્યા બાદ જ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવ છે. તેવામાં થોડા સમય અગાઉ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ખાનગી વાહનોના ચાલકો દ્વારા આ કામગીરી થોડા નબળી થતા ફરીથી વાહનોમાં પેસેન્જરો ભરી કમાણી કરવાનું કામ શરૂ કરી દિધુ છે.
બીજી બાજુ આ ખાનગી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ખુબ સર્જાતી હોય છે. જેનો આમ નાગરીકને તો સામનો કરવો જ પડે છે. તેની સાથે અકસ્માત થતા જાનહાની પણ થવાની શક્યતા રહેતી હોય છે. બીજી બાજુ આ ખાનગી વાહનોને અમિતનગર સર્કલ પાસે ઉભા રહેવા કેટલાક માથાભારે ઈસમો દ્વારા હપ્તા પણ લેવામાં આવે છે. અને જો કોઈ હપ્તા આપવાનું ના પાડી દે તો તેઓને મારમારવામાં આવ છે.
જોકે આવો એક બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યો છે. પરંતુ આ પ્રવૃત્તિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે તેમ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ વાહન ચાલકોએ ધંધો કરવાનો હોવાથી તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસને કરવામાં આવતી નથી જેને લઈ માથાભારે ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં કમાણી કરવામાં આવે છે. જોકે આ પુરે પુરો મુદ્દો તપાસનો છે. આજરોજ સોમાતળાવ જ્યાં ખાનગી વાહનો(ઈક્કો, વાન વગેરે) ભરાય છે અને તેની લાંબી કતારો લાગે છે સાથે તેનાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જેનો ફોટો પ્રકાશીત કરવામાં આવ્યો છે. પરંતુ આ ખાનગી વાહનોની કતારો દિવસે શહેરના અન્ય પણ કેટલાક મુખ્ય માર્ગો સહિત સર્કલો ઉપર યથાવતની યથાવત જ જોવામાં મળે છે.
ક્યાં ક્યાં ખાનગી વાહનોની કતારો લાગે છે?
શહેરમાં આમ તો ઘણા વિસ્તારોમાં અને જગ્યા-જગ્યાએ પેસેન્જરો ભરવા ખાનગી વાહનોની કતારો લાગેલી હોય છે. પરંતુ આ કતારો વધુ પ્રમાણમાં કપુરાઈ ચોકડી, બાપોદ જકાતનાકા, અમિતનગર સર્કલ, સોમા તળાવ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન ચોકડી, રાજમહેલ રોડ, કિર્તીસ્થંભ, વાઘોડીયા રોડ, દુમાડ, સમા તળાવ, ગોત્રી હરીનગર રોડ, મકરપુરા સુશેન રોડ, તરસાલી સહિતના સ્થળો પર લાગેલી હોય છે તેમ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.
શહેરમાં બેફામ ફરી રહેલા ખાનગી વાહન સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે
ગેરકાયદેસર રીતે ખાનગી વાહનોમાં પેસેન્જરો ભરવાની પ્રવૃત્તિ તથા તેઓને લઈ સર્જાતા ટ્રાફિકને ધ્યાને રાખી “આજરોજ શહેરના બંને ટ્રાફિક એસીપી સાથે મીટીંગ કરવામાં આવી હતી અને કાલથી કડકમાં કડક કાર્યવાહી કરાશે”-જે.સી.કોઠીયા(I/C ડીસીપી ટ્રાફિક)