પ્રજાસત્તાક ભારત દેશમાં આજે એંસીથી બ્યાંસી કરોડ દીન દલિતો રહેમ રાહે સરકાર તરફથી મળતા પાંચ પાંચ કિલો માસિક અનાજ પર માંડ જીવનનિર્વાહ કરે છે. આઝાદીનાં છોંત્તેર વર્ષો પછી પણ અમીર ગરીબનો ફેર વધતો જ જાય છે. ધર્મભાવના અને દયા દાનની સુફિયાણી વાતો હાંકતા કરોડપતિઓ, કોર્પોરેટ ગૃહ, સેલીબ્રીટીઝ, રમતવીરો, ફિલ્મ કલાકારો, રાજનેતાઓ, પ્રસંગોપાત જલસા મહેફિલોમાં એવા રજવાડી ઠાઠ દર્શાવે છે કે માનવતાવાદીઓના અંતરાત્મા દુ:ખી થઇ જાય છે.
વર્ષો અગાઉ કવિ કલાપીએ તેમના કાવ્યમાં અંતરવેદના ઠાલવતાં આવા રજવાડી ઠાઠને વખોડી કાઢી ખૂની ભપકા કહ્યા હતા. તેઓ પોતે સૌરાષ્ટ્રના લાઠી નામના નાનકડા રાજયના રાજા હતા,છતાં હૃદયધર્મી કવિયે હતા. આજે ફિલ્મજગતના કલાકારો બેવડું જીવન દર્શાવે છે. ફિલ્મના પરદે ગરીબનું પાત્ર આબેહૂબ દર્શાવે છે અને અંગત જીવનમાં સંગત રજવાડી ઠાઠની રહે છે, સંતાનોને કરોડો રૂપિયાના બંગલા, ગાડી ધરી દે છે, વૈભવ વિલાસી જીવન જીવે છે અને વિદેશોની સહેલ કરતા રહે છે.
ટોચના ક્રિકેટરોની જીવનશૈલી પણ એવી જ હોય છે, ભ્રષ્ટાચારી રાજનેતાઓ પરદા પાછળ કરોડો રૂપિયાના ખેલ ખેલે છે. ધર્મધામો ભકિત આસ્થાના નામે લખલૂંટ ધનસંચય કરે છે. પ્રજાલક્ષી કાયદા કાનૂન તેમના ગજવામાં રાખે છે. જો મુઠ્ઠીભર મૂડીવાદીઓ સાચી રાષ્ટ્રભાવનાનો અમલ કરે તો દેશનાં કરોડો નિર્ધનો સુખી થઇ જાય, એટલું જ નહીં, પણ ભારત અમેરિકા જેવા સમૃધ્ધ દેશનેય પછાડી વિશ્વમાં પ્રથમ ક્રમે આવી જાય. નિર્લજ્જ મૂડીવાદને કારણે તો દુનિયામાં સામ્યવાદ, સમાજવાદ જેવી વિચારધારાઓ પાંગરી, હિંસા પ્રગટી, આંદોલનો થયાં, ક્રાન્તિ સર્જાઇ.
અત્યારે પણ આપણા દેશમાં આવા રજવાડી ઠાઠનું પ્રદર્શન થતું રહે છે. લગ્ન પ્રસંગોની પહેલાં સગાઇ, પ્રિવેડીંગ જલસાઓ તો ગરીબોના જખ્મો પર મીઠું ભભરાવે છે. દેશ વિદેશથી મોંઘેરાં મહેમાનો મોંઘેરી હવાઇ યાત્રા કરી પધારે છે, લકઝરિયસ હોટલો, મહાલયોમાં જન્નતી મોજમઝા કરે છે, મહેફિલોમાં તો કરોડો રૂપિયા ખર્ચી ગીત સંગીત રેલાય છે તે ધન સંપત્તિ રેલાવાને કારણે બને છે અને ભાતભાતના પકવાન પીરસાય છે તેની બીજી તરફ કરોડો જનોનો જઠરાગ્નિ ભભૂકતો હોય છે.
રજવાડી ઠાઠ સાથે ભવ્ય ભવનો, મહેલો કયાંક કવિ આક્રોશ મુજબ જઠરાગ્નિ ત્રાટકશે ત્યારે ખંડેરની ભસ્મકણી પણ નહીં લાધે. ચંદ્ર અને મંગળ પર પહોંચવા થનગની રહેલા વિશ્વ માટે આ ગંભીર ચેતવણી ગણી શકાય. આઝાદી પૂર્વે મહેબૂબ ખાનની ફિલ્મ ‘રોટી’માં મુંબઇના ધનાઢયોની મહેફિલમાંથી ભોજનનો એંઠવાડ કચરાપેટીમાં ઠલવાય છે ત્યારે ફૂટપાથનાં દરિદ્રો તેની પર તૂટી પડતાં દર્શાવાય છે. આવી સ્થિતિ આજે પણ જોવાય તો દેશ માટે કલંકરૂપ ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.