વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભાને રૂબરૂ સંબોધન કરે તેવી અપેક્ષા છે એમ યુએન દ્વારા સંભવિત વકતાઓની બહાર પાડવામાં આવેલ એક પ્રોવિઝનલ યાદી પરથી જાણવા મળે છે.
આ યાદી અને કાર્યક્રમ બદલાઇ શકે છે અને યુનાઇટેડ નેશન્સના વડામથકે વિશ્વ નેતાઓની હાજરી હાઇ લેવલ વાર્ષિક સત્ર માટે નોંધપાત્ર રીતે કોવિડ-૧૯ની વૈશ્વિક સ્થિતિ પર આધાર રાખશે, ખાસ કરીને અમેરિકામાં અને યુએનના અન્ય સભ્ય દેશોમાં ફેલાઇ રહેલા ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટની સ્થિતિ પર આધાર રાખશે. યુએનની સામાન્ય સભાના ૭૬મા સત્ર ખાતે સામાન્ય ચર્ચાના વકતાઓની પ્રથમ પ્રોવિઝનલ યાદી મુજબ મોદી આ હાલ લેવલ સેસનમાં ૨૫મી સપ્ટેમ્બરની સવારે બોલશે. તે દિવસના માટેની યાદીમાં તેઓ પ્રથમ નેતા છે.
આ પહેલા ૨૦૧૯માં યુએનની સામાન્ય સભાના સત્ર માટે મોદીએ ન્યૂયોર્કનો પ્રવાસ કર્યો હતો. ગયા વર્ષે કોરોનાવાયરસના રોગચાળાને કારણે રાષ્ટ્રો અને સરકારોના વડાઓ આ વાર્ષિક બેઠકમાં રૂબરૂ હાજર રહી શક્યા ન હતા અને મોદી સહિતના નેતાઓએ તેમના અગાઉથી રેકર્ડ કરેલા વીડિયો નિવેદનો મોકલ્યા હતા.
સામાન્ય ચર્ચા ૨૧ સપ્ટેમ્બરે શરૂ થઇ રહી છે અને અમેરિકી પ્રમુખ જો બિડેન આ સત્રને વ્યક્તિગત રીતે સંબોધન કરવાનો કાર્યક્રમ ધરાવે છે અને અમેરિકી પ્રમુખ તરીકે આ વિશ્વ સંસ્થાને તેમનું પ્રથમ સંબોધન હશે. જાપાનના વડાપ્રધાન યોશીહીદે સુગા અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ યુએનની સામાન્ય સભાને ૨૪ સપ્ટેમ્બરે સંબોધન કરવા માટેની યાદી પર છે.