એક ગામમાં એક સાધુ આવ્યા અને દરેક ઘર પાસે જઈને ભિક્ષા માંગતા મોટેથી પોકારતા, ‘મને મુઠ્ઠી ભર મોતી આપો ઈશ્વર તમારું કલ્યાણ કરશે.મને પોટલી ભરી રત્નો આપો ભગવાન ભલું કરશે.’સાધુની આવી વિચિત્ર માંગ સાંભળી કોઈને નવાઈ લાગતી, કોઈ મોઢું મચકોડતું, કોઈ ગુસ્સો કરતું તો કોઈ સ્ત્રી તો કહે કહેતી પણ ખરી કે , ‘બાબા અહીં પેટ ભરવાની તકલીફ છે અને તમે મોટી માંગો છો તે પણ મુઠ્ઠી ભર…આગળ જાવ.’
એક માજીને દુઃખ થયું તેમણે પોતાની પાસે સાચવેલું એક નાનકડું મોતી આપતા કહ્યું, ‘બાબા, મારી પાસે તો આ એક જ મોતી છે લઇ જાવ…ખાલી હાથે ન જાવ.’ સાધુ હસ્યો અને બોલ્યો, ‘આટલું એક ઝીણું મોટી તેનું હું શું કરું તમે જ રાખો.’ આટલું બોલી સાધુ આગળ વધી ગયો.બીજે ગામ ગયો અને ત્યાં પણ દરેક ઘરપાસે જઈને આજ રીતે મોતી અને રત્નો ભિક્ષામાં માંગવા લાગ્યો.કોઈએ કઈ ન આપ્યું.
સાધુ આગળ વધ્યો એક ઝૂંપડી પાસે પહોંચ્યો, તેમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહેતો હતો.સાધુએ ત્યાં જઈને ભિક્ષા માંગી, ‘પ્યાલો ભરીને મોતી આપજો ભગવાન તમારું ભલું કરશે…મુઠ્ઠી ભરીને રત્નો આપજો ઈશ્વર કૃપા કરશે.’ ખેડૂત બહાર આવ્યો સાધુને પ્રણામ કરી આવકાર આપ્યો અને અને તેની પત્નીએ તેમને પ્રણામ કરી ,પગ ધોયા અને આસન આપ્યું.
ખેડૂતે પત્નીને કહ્યું , ‘જમના સાધુબાબા માટે અંજલિ ભરીને મોતી દળીને રોટલા બનાવ ત્યાં સુધી હું ગાગર ભરીને રત્નો લઈને આવું છું.’ થોડીવાર પછી ખેડૂત આવ્યો અને પત્નીએ ગરમ ગરમ રોટલા , શાક અને દૂધનું ભોજન કર્યું.અને પ્રસન્ન ચિત્તે કહ્યું, ‘ધનવાન શેઠ તમે તો કુબેર ભંડારી છો ઘણા દિવસે કુબેરભંડારીના ઘરનું ભોજન કર્યું હવે હું ઈચ્છું છું કે તમે મને કાન શણગારવા રત્નો આપો જેથી હું તમને રોજ યાદ કરી શકું.’ ખેડૂત બોલ્યો, ‘બાબા, હું તમારા કાનને શણગારી શકું તેવા રત્નો કયાંથી લાવું હું તો અભણ ખેડૂત છું તમે મને અને મારી પત્નીને કાન શણગારી શકાય તેટલા મોતી અને રત્નો આપો.’
સાધુ હસ્યા અને બોલ્યા, ‘ખેડૂત તું અભણ નથી ઘણો સમજુ છે એટલે જ તું મારી ભિક્ષાણી માંગ પૂરી કરી શક્યો.જયારે તારા જેવો કોઈ કુબેર ભંડારી મળે છે ત્યારે જ હું ભરપેટ જમું છું.જે અનાજના દાણાને મોતી અને પાણીને રત્નો સમ અણમોલ સમજે છે તે જ મારી દ્રષ્ટિએ સમજુ છે તેના ઘરે જ હું ભોજન કરું છું.બસ તું આમ જ સમજુ રહેજે અને બધાની સેવા કરજે યાદ રાખજે આ પૃથ્વી પર ત્રણ જ અણમોલ રત્નો છે તે છે જળ, અન્ન અને સમજણ….લોકો બધા જ મુર્ખ છે જે પથ્થર સમ હીરા ,મોતી , માણેક ને રત્નો કહે છે.’ સાધુ મહારાજ આશીર્વાદ આપી આગળ વધી ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.