નવી દિલ્હી: એલપીજીની (LPG) વધેલી કિંમતોથી પરેશાન લોકોને સોમવારે સરકારે મોટી રાહત આપી છે. તેલ કંપનીઓએ એલપીજીના ભાવમાં (Price) ઘટાડો કર્યો છે. હવે કોમર્શિયલ સિલિન્ડર (Commercial cylinder) 36 રૂપિયા સસ્તું થશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અનુસાર, દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો છે. કપાત બાદ હવે તેની કિંમત પ્રતિ સિલિન્ડર 1976.50 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ રાબેતા મુજબ જાહેર કર્યા છે.
નવા દર મુજબ 1 ઓગસ્ટથી એટલે કે આજથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1976.50 રૂપિયામાં મળશે, જ્યારે પહેલા તેની કિંમત 2012.50 રૂપિયા હતી. આ સિવાય કોલકાતામાં 2095.50 રૂપિયા, મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ઘરેલુ સિલિન્ડર પર કોઈ રાહત નથી
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો હોય પરંતુ ઘરેલું સિલિન્ડરની કિંમતો યથાવત છે. 14.2 કિલોનું ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર એ જ જૂની કિંમતે ઉપલબ્ધ છે. 6 જુલાઈના રોજ તેની કિંમતમાં ભારે વધારો થયો હતો. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ત્યારથી તેની કિંમત 1000 રૂપિયાથી વધુ રહી છે. હાલમાં, 14.2 કિગ્રાનો LPG સિલિન્ડર દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ભારતીય ઓઈલ કંપનીઓના લેટેસ્ટ અપડેટ્સ અનુસાર, દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધીના દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ બંને વાહનોના ઈંધણના ભાવ સ્થિર છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પર સ્થિર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરવામાં આવે છે.