નવી દિલ્હી: આજે દેશને નવા રાષ્ટ્રપતિ(President) મળશે. NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા(Yashwant Sinha) વચ્ચે ચુંટણી યોજાઈ હતી. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી(Election) માટે મતદાન(voting) યોજાયું હતું. અને આજે મત ગણતરી(votes Counting) થશે. ત્યારબાદ નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. 18 જુલાઈના રોજ થયેલા મતદાનમાં સંસદમાં બનેલા બૂથમાં 728 મત પડ્યા હતા. જેમાંથી 719 સાંસદો હતા, જ્યારે 9 ધારાસભ્યોને પણ સંસદ ભવનમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
બીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ, દ્રૌપદી મુર્મુ આગળ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજા રાઉન્ડની મતગણતરી પણ પૂર્ણ થઈ ગઈ છે. દ્રૌપદી મુર્મુને બીજા રાઉન્ડમાં 809 વોટ મળ્યા હતા. પહેલા રાઉન્ડમાં 540 વોટ લઈને દ્રૌપદી મુર્મુને અત્યાર સુધીમાં કુલ 1349 વોટ મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. જેમાં તેમને પહેલા રાઉન્ડમાં 208 વોટ અને બીજા રાઉન્ડમાં 329 વોટ મળ્યા હતા. હવે દ્રૌપદી મુર્મુને મળેલા કુલ મતોની કિંમત 4.83 લાખ થઈ ગઈ છે. તે જ સમયે, યશવંત સિંહાના કુલ મતોની કિંમત 1.89 લાખ છે.
1 લાખ 35 હજાર ગામોમાં દ્રૌપદી મુર્મુના વિજયની ઉજવણી
દ્રૌપદી મુર્મુની જીત લગભગ નિશ્ચિત છે. આ માટે ભાજપે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આવા 1 લાખ 35 હજાર ગામો છે જ્યાં ઉજવણી કરવામાં આવશે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી લોકો રહે છે. ભાજપ દિલ્હીમાં રોડ શો પણ કરશે. મોદી સરકારે આદિવાસી ચહેરાને સર્વોચ્ચ પદ પર પહોંચાડ્યા છે તે વાત તેમના વિસ્તારોમાં પહોંચાડવાનું કામ પણ સાંસદોને સોંપવામાં આવ્યું છે. દિલ્હીના મુર્મુના ઘરે એક મોટું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. તેમાં મુર્મુની તસવીર છે.
પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ, રેસમાં દ્રૌપદી મુર્મુ આગળ
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડનાં અંતથી જ દ્રૌપદી મુર્મુ રેસમાં લીડ કરી રહી છે. સાંસદોએ આપેલા કુલ 748 વોટમાંથી મુર્મુને 540 વોટ મળ્યા. જ્યારે યશવંત સિંહાને 208 વોટ મળ્યા હતા. 15 સાંસદોના મત અમાન્ય બન્યા છે. મુર્મુને મળેલા સાંસદોના મતોની કુલ કિંમત 3,78,000 છે. જ્યારે સિંહાને મળેલા વોટની કિંમત 1,45,600 છે.
દિલ્હીમાં બીજેપી ઓફિસથી રાજપથ સુધી રોડ શો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુની જીત લગભગ નિશ્ચિત છે. જેને લઈને ભાજપ દ્વારા ઉજવણીની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે. ઉજવણીનાં ભાગ રૂપે વિજય સરઘસ કાઢવામાં આવશે. જેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી ભાજપ કાર્યાલયથી પંત માર્ગ પર રાજપથ સુધી રોડ શો યોજવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે. એટલું જ નહીં દ્રૌપદી મુર્મુની જીત બાદ જેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 3 કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.
દ્રૌપદી મુર્મુના મૂળ ગામમાં ઉજવણીની તૈયારીઓ
એવી ચર્ચા છે કે મુર્મુની તરફેણમાં ઘણા વોટ પડ્યા છે. જો મતગણતરીમાં આ દાવો સાચો નીકળશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. બીજી તરફ, દ્રૌપદી મુર્મુના વતન ઓડિશાના રાયરંગપુરમાં પણ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરિણામ આવ્યા બાદ મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. રાયરંગપુરમાં લાડુ બનવાનું શરૂ થઈ ગયું છે. એટલું જ નહીં, વિજય બાદ વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે. સ્થાનિક બીજેપી નેતા તપન મહંતે જણાવ્યું કે 20,000 લાડુ બનાવવામાં આવી રહ્યા છે. 100 બેનર પણ બનાવવામાં આવ્યા છે.