પેરિસ : ફ્રાન્સના પ્રમુખ (franc president) ઇમેન્યુઅલ મેક્રોનને (Emanuel macron) આજે દક્ષિણ પૂર્વ ફ્રાન્સના એક નાના નગરની મુલાકાત (visit) વખતે એક માણસે (man) મોં પર તમાચો (slap) મારી દીધો હતો.
મેક્રોનને એક શખ્સ તમાચો મારે છે એવું દર્શાવતા ઓનલાઇન ફરી રહેલો વીડિયો સાચો હોવાની બાબતને મેક્રોનની કચેરીએ સમર્થન આપ્યું હતું. ટાઇન-ઇ- હેર્મિટેજ નામના નાના ટાઉનમાં એક હાઇસ્કુલની મુલાકાત પ્રમુખ મેક્રોને લીધી તે પછી તેઓ ટ્રાફિક બેરિયરોની પાછળ તેમની પ્રતિક્ષા કરી રહેલા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા તે સમયે એક શખ્સે આગળ આવીને મેક્રોનને તમાચો માર્યો હતો. વિડીયોમાં જોઇ શકાય છે કે મેક્રોનને એક માણસ ચહેરા પર તમાચો મારી રહ્યો છે અને તેમના બોડીગાર્ડો આ માણસને ધકેલી રહ્યા છે. ફ્રેન્ચ પ્રમુખ આ ઘટના પછી ત્યાંથી ઝડપભેર રવાના થઇ ગયા હતા.
ફ્રેન્ચ બ્રોડકાસ્ટર બીએફએમ ટીવીએ જણાવ્યું હતું કે બે જણાને આ હુમલા સંદર્ભમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. મેક્રોને આ બાબતે હજી સુધી કોઇ ટિપ્પણી કરી ન હતી અને પોતાની મુલાકાત ચાલુ રાખી હતી. જો કે નેશનલ એસેમ્બલીમાં બોલતા વડાપ્રધાન જીઆન કાસ્ટેક્સે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વડા પર હુમલા સાથે લોકશાહી પર હુમલો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં સરકારની આર્થિક નીતિઓ વિરુદ્ધ શરૂ થયેલા યલો વેસ્ટ આંદોલન પછી હિંસાનું વાતાવરણ વધી ગયું છે અને ઘણા ગામડાઓના વડાઓ અને કેટલાક સાંસદો પર પણ શારીરિક હુમલાઓ કરવામાં આવ્યા છે પણ જેમને ઘણુ રક્ષણ અપાય છે તેવા પ્રમુખ પર હજી સુધી આવો કોઇ હુમલો થયો ન હતો.