National

PM પદના શપથ સાથેજ મોદી સરકાર 3.0નો શુભારંભ, 30 કેબિનેટ મંત્રીઓ સહિત 71 મંત્રીઓએ લીધા શપથ

નરેન્દ્ર મોદીએ આજે રવિવાર 9 જૂનના રોજ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથેજ મોદી સરકાર 3.0નો શુભારંભ થયો છે. પીએમ મોદીના શપથ બાદ કેબિનેટ મંત્રી તરીકે રાજનાથ સિંહ, અમિત શાહ, નિતીન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમન, ડો.સુબ્રમણ્યમ જયશંકરે શપથ લીધા હતા. પ્રધાનમંત્રીની ટીમમાં 30 કેબિનેટ મિનિસ્ટર, 36 રાજ્યમંત્રી અને 5 એમઓએસએ સ્વતંત્ર ચાર્જ લીધો હતો. 10 દલિત અને 5 આદિવાસી મંત્રીઓએ શપથ લીધા હતા. મોદી મંત્રીમંડળમાં કુલ 71 મંત્રીઓએ શપથ લીધા હતા.

પીએમ મોદીના શપથગ્રહણ બાદ સરકારના કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. સરકારના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 8000 મહેમાનોની હાજરી રહી હતી. પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. આ પહેલા બે વખત ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા હતા. લોકસભાની ચૂંટણીમાં એનડીએ 293 સિટ પર વિજય મેળવ્યા પછી તેઓએ કેન્દ્રમાં નવી ગઠબંધન સરકારની રચના કરી છે.

આ નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
કેબિનેટ મંત્રીઓનાં શપથગ્રહણ સમારોહમાં મનોહરલાલ ખટ્ટર, એચડી કુમાર સ્વામી, પિયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જીતનરામ માંઝી, લલન સિંહ (રાજીવ રંજન સિંહ), સર્વાનંદ સોનોવાલ, ડો.વિરેન્દ્ર કુમાર, કિંજરાપુ રામમોહન નાયડુ (સૌથી યુવા મંત્રી), પ્રહલાદ જોશી, જુએલ ઉરાંવ, ગિરિરાજ સિંહ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવે શપથ લીધા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રી તરીકે ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીમતી અન્નપૂર્ણા દેવી યાદવ, કિરન રિજિજુ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, જી.કિશન રેડ્ડી, ચિરાગ પાસવાન, સીઆર પાટિલે શપથ લીધા હતા.

આ નેતાઓએ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા
આ ઉપરાંત રાવ ઇંદ્રજીત સિંહ, ડો. જીતેન્દ્ર સિંહ, અર્જુનરામ મેઘવાલ, પ્રતાપરાવ જાદવ, જયંત ચૌધરીએ રાજ્યમંત્રી તરીકેના સ્વતંત્ર પ્રભારના શપથ લીધા હતા. ઉપરાંત જીતીન પ્રસાદ, શ્રીપદ નાઈક, પંકજ ચૌધરી, કૃષ્ણપાલ ગુર્જર, રામદાસ અઠાવલે, રામનાથ ઠાકુર, નિત્યાનંદ રાય, શ્રીમતી અનુપ્રિયા પટેલ, વી સોમન્નાા, ડો ચંદ્રશેખર પેમ્માસાની, એસ.પી.સિંહ બઘેલ, શોભા કરંદલાજે, કિર્તિવર્ધન સિંહ, બીએલ વર્મા, શાંતનુ ઠાકુરે રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ ઉપરાંત સુરેશ ગોપી, ડો એલ મુરુગન, અજય ટમ્ટા, બંડી સંજય કુમાર, કમલેશ પાસવાન, ભગીરથ ચૌધરી, સતીષચંદ્ર દૂબે, સંજય સેઠ, રવનિત સિંહ, દુર્ગાદાસ ઉળકે, રક્ષા ખડસે, સુકાંતા મજૂમદાર, સાવિત્રી ઠાકુર, તોખન સાહૂ, રાજભૂષણ ચૌધરી, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, હર્ષ મલ્હોત્રા, નીમુબેન બાંભણીયા, મુરલીધર મોહોલ, જ્યોર્જ કુરિયન, પવિત્ર માગરિટાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

ઉદ્યોગપતિઓ અને ફિલ્મ હસ્તીઓની હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં દેશ વિદેશના અનેક મહેમાન હાજર રહ્યા હતા. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન સહિત 7 દેશોના વડાઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 6 વાગ્યાથી જ મહેમાનોના આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, અનંત અંબાણી ઉપરાંત શાહરૂખ ખાન, અક્ષય કુમાર હાજર રહ્યા હતા.

ભાજપે ચારેય મહત્વના મંત્રાલય પોતાની પાસે રાખ્યા
એનડીએના બંને સાથી પક્ષો કેન્દ્રમાં મોટી ભૂમિકા ઈચ્છતા હતા. પરંતુ ભાજપે પોતાનું વલણ મજબૂત રીતે આગળ ધપાવ્યું અને કહ્યું કે તે ગઠબંધન ધર્મનું પાલન કરશે પરંતુ માથું નમાવીને સરકાર ચલાવશે નહીં. ભાજપે કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિ (CCS) સાથે જોડાયેલા ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ મંત્રાલયને પોતાની પાસે જ રાખવાનો નિર્ણય કર્યો છે. કોઈપણ સરકાર ચલાવવા માટે આ મંત્રાલયો પર નિયંત્રણ હોવું જરૂરી છે. આ મંત્રાલયો સાથે મળીને CCS (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી) ની રચના કરે છે અને મુખ્ય બાબતો પર નિર્ણય લે છે.

સુરક્ષા મુદ્દાઓ પર સીસીએસનો અંતિમ નિર્ણય
આ કમિટી દેશની સુરક્ષા મામલાઓ પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. વડાપ્રધાન તેના અધ્યક્ષ રહેશે. જ્યારે ગૃહ પ્રધાન, નાણાં પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન તેના સભ્યો છે. સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર અંતિમ નિર્ણય CCS પર રહેલો છે. આ ઉપરાંત સીસીએસ કાયદો અને વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર અંતિમ નિર્ણય પણ લે છે.

જેપી નડ્ડાના નિવાસસ્થાને NDAના સાંસદોની ડિનર પાર્ટી
નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. તેમની સાથે એનડીએના ઘટક દળના ઘણા સાંસદો પણ શપથ લઈ રહ્યા છે. આ પહેલા શનિવારે રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એનડીએના ઘટક દળોની બેઠક થઈ હતી. દરમિયાન આજે શપથ ગ્રહણ સમારોહ બાદ એનડીએના ઘટક દળના નેતાઓ ફરી એકવાર જેપી નડ્ડાના ઘરે પહોંચશે. જેપી નડ્ડાના ઘરે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં NDAના તમામ સાંસદો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહ બાદ જેપી નડ્ડાના નિવાસસ્થાને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top