નડિયાદ: નડિયાદમાં માઘી પૂર્ણિમાનુ વિશિષ્ટ મહત્વ છે. આ દિવસે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે મેળો યોજાતો હોય છે. આ દિવસે ભરાતા મેળાની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. મેળાના આયોજકોએ નડિયાદ ખાતે ધામા નાંખ્યા છે. આ દિવસે સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ અને પૂનમ નિમિત્તે સાકરવર્ષાની પરંપરાગત રીતે ઉજવણી કરાશે.
નડિયાદના સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192મા સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આગામી 5મી ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે.
જેમાં સુપ્રસિદ્ધ ભાગનું કથાકાર પૂ. જીગ્નેશદાદાની કથા 23થી 29 જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે થશે. આ ઉપરાંત ગુજરાતના જાણીતા સંગીતકારો, ગાયકો, અને ભજનીકો દ૨રોજ રાત્રે ભક્તિસંગીતમાં ચરોતરની પ્રજાને તલ્લીન કરશે. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક હેમંત ચૌહાણ ઉપરાંત મન મોર બની થનગનાટ કરેથી પ્રસિદ્ધ થયેલા ઓસમાન મીર, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, વડોદરાના યુનાઇટેડ ગરબાના પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિત, ધોધાવદરના સુપ્રસિદ્ધ ભજનીક નિરંજન રાજ્યગુરુ વગેરેનું ભક્તિ સંગીત તા.23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે સાડા સાત કલાકે સંતરામ મંદિરના મુખ્ય કથામંડપમાં યોજાશે.