Dakshin Gujarat

વલસાડમાં ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ, જિલ્લામાં કેસની સંખ્યા 5 પર પહોંચી

વલસાડ: વલસાડમાં બે ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજરોજ કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા 5 થઈ છે. આજરોજ નવો કેસ ગર્ભવતી મહિલાનો જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લામાં આજે નવા એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. સહયોગ નગર, મોગરાવાડી વિસ્તારમાં રહેતી 25 વર્ષની ગર્ભવતી યુવતિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર છે અને તેણી હળવા લક્ષણો અનુભવી રહી છે.

આ કેસ સાથે વલસાડ આરોગ્ય વિભાગ ચેતી ગયો છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ અગાઉ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટર કોરોનામાં સપડાયા હતા. પુરુષ ડોક્ટર (ઉં.વ.29) છે, જેમની તાજેતરમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે ગયા હતા. મહેસાણામાં તેમને ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. અત્યારે એવું અનુમાન છે કે, અન્ય બે મહિલા ડોક્ટરો (ઉ.વ. 32 અને ઉ.વ. 26 ) આ પહેલા દર્દીથી સંક્રમિત થયા છે.

આ કેસોની પૃષ્ઠભૂમિ સામે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણે દર્દીઓને રેસિડેનશિયલ ક્વાર્ટર્સમાં આઇસોલેશનમાં રાખી જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે સૌથી પહેલા વાપી વિસ્તારમાં એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હાલમાં વલસાડ જિલ્લામાં કુલ 5 સક્રિય કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કોરોના સંક્રમણ ન વધે તે માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને જનતાને પણ વિનંતીY કરવામાં આવી છે કે તેઓ સ્વસ્થ્ય રહેવા માટે સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરે.

Most Popular

To Top