Business

વલસાડ જિલ્લામાં સગીરોની ગર્ભાવસ્થા અને મોત સમાજ માટે ગંભીર ચેતવણી

વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના આંકડાઓ સમાજને ચોંકાવી દે એવા છે. છેલ્લાં બે વર્ષમાં જિલ્લામાં 12 થી 17 વર્ષની વયનાં કુલ 2,027 સગીરોનાં મોત નોંધાયાં. આ આંકડાઓ માત્ર આરોગ્ય વિભાગની ચિંતા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચેતવણી છે. આ જ સમયગાળામાં વલસાડ જિલ્લામાં કુલ 58,957 ગર્ભાવસ્થા નોંધાઈ હતી, જેમાંથી 919 સગીર ગર્ભાવસ્થા હતી. જે વયે છોકરીઓના હાથમાં પુસ્તકો, પેન અને રમકડાં હોવાં જોઈએ, તે વયે તેઓ માતૃત્વની જવાબદારી વહન કરી રહી છે.

આ હકીકત સમાજની નિષ્ફળતા અને જાગૃતિના અભાવને ઉજાગર કરે છે. કપરાડા તાલુકામાં છેલ્લાં બે વર્ષમાં કુલ 12,908 સગર્ભા સ્ત્રીઓ નોંધાઈ હતી, જેમાંથી 1,049 સગીર ગર્ભાવસ્થા હતી અને 1 સગીરનું મૃત્યુ નોંધાયું હતું. ધરમપુર તાલુકામાં કુલ 7,633 સગર્ભા સ્ત્રીઓ નોંધાઈ હતી, જેમાંથી 534 સગીર ગર્ભાવસ્થા હતી અને ત્યાં પણ 1 સગીરનું મૃત્યુ નોંધાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે કિશોરાવસ્થાની ગર્ભાવસ્થા માત્ર આરોગ્ય સમસ્યા નહીં, પરંતુ સામાજિક સંકટ બની રહી છે, માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી.

આ સમસ્યાનો મૂળ ઉકેલ સમાજની જાગૃતિમાં છે. માતા-પિતા, શિક્ષકો, સમાજનાં આગેવાનો અને સ્થાનિક સંસ્થાઓએ સાથે મળીને પગલાં લેવાં પડશે. કિશોરો-કિશોરીઓમાં આરોગ્ય અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવી, તેમજ સુરક્ષિત અને સ્વસ્થ બાળપણ સુનિશ્ચિત કરવું આપણી સામુહિક જવાબદારી છે. જો આજે આપણે નિષ્ક્રિય રહીશું, તો આવતી કાલે તેની કિંમત આપણાં બાળકો ચૂકવશે.
પરવત ગામ, સુરત- આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top