સુરતના શ્રીમતી તન્વી નિલેશ પંડયા જેઓ કલા રસિક તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓનો ઇશ્વર અને ધર્મ પ્રત્યેની અતૂટ આસ્થા સાથે બ્રાહ્મણ પરિવારમાં ઉછેર થયો છે. અભ્યાસમાં એમ.કોમ. તથા ચિત્રકળા, સંગીતકળામાં રસ ધરાવે છે. વ્યવસાયે નવનીત ઔષધ કેન્દ્રમાં વહીવટી કામના અનુભવી છે. અધ્યાત્મ અને યોગમાં રૂચી રાખનાર તેઓના ઇશ્વર તથા પ્રાર્થના વિશેના તેમના વિચારો તેમના શબ્દોમાં…
તમે ઇશ્વરની કેવી રીતે પ્રાર્થના કરો છો?
પ્રાર્થના અસંભવને સંભવ કરે છે. આજનો યુગ ઊતાવળો છે તેની પાસે ધીરજ કે સમય નથી. કે તે લાંબી અટપટી સાધના, વિધિઓ કે મંત્રનો પ્રયોગ અપનાવી કલ્યાણ કરી શકે. ઇશ્વર એક અદ્રશ્ય શકિત છે કે જેનો અનુભવ જ કરી શકાય. નિયમિત પ્રાર્થના કરવાથી એવો વિશ્વાસ થાય છે કે સર્વ શકિતમાન ઇશ્વર મારી સાથે છે. ઇશ્વરે મને સફળતા અને સંતોષ આપ્યા છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. હું મનને શાંત કરી, બે હાથ જોડી, આંખ બંધ કરી સકારાત્મક વિચારો દ્વારા તન-મનની શકિત પ્રાપ્ત કરું છું. મારાથી દરેક આત્માને આનંદ મળે અને કલ્યાણ થાય એવી ભાવના સાથે પ્રભુને પ્રાર્થના.
ઇશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં માણસની જીંદગી ચિંતા અને અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. જેમા આપણે પ્રભુની શરણાગતિ સ્વીકારી એમના સાનિધ્યના અહેસાસ સાથે કાર્ય કરવાથી મુશ્કેલીઓનો ઉકેલ મળે છે. સર્વ શકિતમાન ઇશ્વર સૃષ્ટિના કણકણમાં છે. પ્રકૃતિના વૃક્ષના પાન – પાન પર તેનું સાતત્ય છે. આપણા શ્વાસ ચાલે છે. વૃક્ષની વૃધ્ધિ થાય છે. નદી-ઝરણા વહે છે. સૂર્ય ઊગે, આથમે. એજ તો છે ઇશ્વરની પ્રતિતી.
તમે પુન: જન્મમાં માનો છો? પુન:જન્મ શા માટે માંગો છો?
હું પુર્નજન્મમાં જરૂરથી માનુ છું. આપણા પુરાણો તથા ધર્મ શાસ્ત્રોમાં તેની ખૂબ સરસ રીતે સમજણ આપી છે. આત્મા અમર છે. જેથી તેને તેના કર્મો ભોગવવા શરીર ધારણ કરવું પડે છે. જયારે આત્મા પરમાત્મા એક થાય ત્યારે પ્રભુ આત્માને જન્મમરણથી મુકત કરી ગો-લોકમાં સ્થાન આપે છે. હું સારા કર્મો કરી પ્રભુ પ્રાપ્તિના માર્ગ પર ચાલવા ઇચ્છુ છું. જેથી મોક્ષની પ્રાપ્તિ થાય.
તમને તમારા જીવનના પ્રશ્નોનો ઉકેલ ઇશ્વર પાસેથી મળે છે?
મનુષ્ય જયારે ચારેય બાજુથી કષ્ટ ભોગવતો હોય, કોઇ દિશા સૂઝતી ન હોય ત્યારે તરણોપાય બને તે સ્વાભાવિક છે. ડૂબતો માણસ તરણુ પકડે તે તરી જાય. આપણે જેટલા દિલથી પ્રભુને નજીક રાખીએ તેટલા તેઓ આપણને ઇશારાથી ઉત્તર આપી મદદ કરે છે. પ્રાર્થના થકી આત્મીય સુખ-શાંતિ અને સાત્વિકતા અનુભવુ છું. પુરુષાર્થી પાસે દરિદ્રતા નથી ભટકતી. જપ કરવાવાળા પાસે પાપ નથી ફરકતું. મૌન રહેનારને કદી ઝગડો થતો નથી અને ઇશ્વર પર શ્રદ્ધા રાખનારને ભય નથી સતાવતો.