ગાંધીનગર: લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે. અમદાવાદ અને વડોદરાના નવા મેયર તરીકે મહિલા કોર્પોરેટરોની પસંદગી કરાઈ છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન અને વડોદરાના મહિલા મેયર તરીકે પિન્કી સોનીની વરણી કરાઈ છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂંક કરાઈ છે. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીનું નામ નક્કી કરાયું છે. આજે સુરતના મેયર સહિતના પદાધિકારીઓના નામ પણ જાહેર થાય તેવી સંભાવના છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના કોર્પોરેટર છે. ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની પસંદગી કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની નિમણૂંક કરાઈ છે.
વડોદરામાં પણ પદાધિકારીઓ બદલાયા
વડોદરા મહાનગર સેવા સદનના મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની અઢી વર્ષની ટર્મ 9 સપ્ટેમ્બરે પુરી થઈ હતી. આજે નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ હતી. મેયર તરીકે પિન્કી સોની, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે ડો. શીતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામ જાહેર કરાયા છે.
ભાજપે નો રિપીટ ફોર્મ્યુલા અમલમાં મુકી
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે નો રિપીટ સિદ્ધાંતનો અમલ કરીને ગુજરાત રાજ્યની પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતની આખી નવી ટીમ તૈનાત કરી છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં સત્તા પર રહેલી ભાજપે અઢી વર્ષના રોટેશનમાં એકપણ વૃદ્ધને તક આપી નથી.
ભાજપે સેન્સ લીધો હતો
ભાજપે મહાનગરપાલિકાઓના બાકીના અઢી વર્ષના કાર્યકાળ માટે પહેલીવાર સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સંગઠનો અને કાર્યકરો પાસેથી દાવેદારોના નામ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભાજપે અમદાવાદ અને વડોદરા માટે મેયરની ટીમની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવી ટીમમાં નો રિપીટ થિયરી લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. અગાઉ પાર્ટીએ રાજ્ય સરકારમાં નો રિપીટ થિયરી લાગુ કરીને આખી સરકાર બદલી નાખી હતી. હવે પાર્ટીએ શહેરની નાની સરકારોમાં પણ આવું જ કંઈક કર્યું છે. રાજ્યમાં કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આ તમામ પર ભાજપનું નિયંત્રણ છે.