Comments

કોંગ્રેસમા દૂધપાકમાં પ્રશાંત કિશોરનું લીંબુ!

ભૂતપૂર્વ ચૂંટણી વ્યૂહકારમાં બની બેઠેલા રાજકીય સલાહકાર વર્ણવે છે તેવી ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ એટલે કે કોંગ્રેસ તેના ચાવીરૂપ મુદ્દાઓને હાથ ધરવાની કોશિષ કરી રહ્યો છે ત્યારે પક્ષ કેવા કળણમાં છે તે દર્શાવતા બે વિરોધી મુદ્દાઓ તા. ૧૬મી ઓકટોબરની કારોબારી પહેલા બહાર આવ્યા છે. આ શૂળ કોંગ્રેસે જાતે જ પેટ ચોળીને ઊભું કર્યું છે અને જેમ જેમ તેનો ઉકેલવાનો પ્રયત્ન કરેછે તેમ તે વધુ ઊંડો ખૂંપતો જાય છે. કોંગ્રેસ (અેટલે કે ગાંધી પરિવારના) વિરોધીઓ અને મિત્રો લાગ જોઇને તીર છોડી રહ્યા છે.

ત્યારે નબળાં પડેલા કોંગ્રેસનું મોવડી મંડળને અનિર્ણાયકતાને કારણે હાથના કર્યાં હૈયે વાગે છે અને હવે શું કરવું તે બાબતમાં તે ફાંફા મારે છે. આ ઘટના પ્રવાહમાં બે નોંધપાત્ર ઘટનાઓ બની: અેક હેવાલ એવા છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાનાં ચક્રો ગતિમાન કરી રહ્યા છે. બીજી બળવાખોર -૨૩ ના નેતા ગુલામ નબી આઝાદ વિશે છે. એક તરફ ગાંધી પરિવારના રાહુલ અને પ્રિયંકા ગાંધી આઝાદ સાથે કારોબારીની બેઠક પહેલાં સમાધાન કરવા હિલચાલ કરી રહ્યા હતા ત્યાં ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’  સમસ્યાઓના ઢગલા પર બેઠી છે એવું નિવેદન પ્રશાંત કિશોરે કરી વિવાદનાં વમળ સર્જયા છે.

હજી હમણાં સુધી એવા હેવાલ હતા કે તેઓ કોંગ્રેસમાં જોડાવા ઇચ્છુક છે, ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂતોની હત્યા બાબતમાં કોંગ્રેસનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્ર પ્રમુખ રામનાથ કોવિંદને મળ્યા તેની તસ્વીરો પક્ષ માટે સૂચક મહત્વ ધરાવતા હતા. આઝાદ જેવા જૂના જોગીઓ સામે શમશેર તાણવા માટે સમાચારમાં ચમકેલા પ્રિયંકા અને રાહુલ આ ફોટામાં આઝાદ સાથે ખુશ દેખાતા હતા. ૧૯૭૧ માં પાકિસ્તાનની સામે ભારતના વિજય અને બાંગ્લાદેશના સર્જન વિષય પરના કોંગ્રેસ વડામથકની લોન પર  યોજાયેલાં તસવીર પ્રદર્શનમાં પણ આ ભાઇ બહેન અને આઝાદ આનંદપૂર્વક ફરતા જણાયા હતા. કોંગ્રેસ કારોબારીની સભામાં તડાફડી થશે એવી દહેશત વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ સર્જાતું હોવાના હેવાલ વહેતા થયા હતા.

સામાન્ય રીતે આઝાદ પ્રત્યે ઠંડુંગાર વલણ રાખતા જણાયેલા રાહુલ ગાંધી પણ રાષ્ટ્રપતિ ભવન બહાર પત્રકારો સાથેના મિલનમાં આઝાદ સાથે ઉત્સાહપૂર્વક વાતચીત કરતા જણાયા હતા. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પક્ષના પ્રમુખની ચૂંટણી સહિત સંગઠ્ઠનીય ચૂંટણીની કાર્યસૂચિનો દૂધપાક તૈયાર થઇ રહ્યો હતો તેમાં પ્રશાંત કિશોરે લીંબુ નીચોવ્યું! ઉત્તર પ્રદેશના વિધાન સભાની ચૂંટણીની દિશામાં જઇ રહેલા રાજયમાં લખીમપુર ઘટનાએ મંચ પુરો પાડતાં રાહુલ અને પ્રિયંકા સગવડદાયી ગોઠવાઇ રહ્યા હતા ત્યાં પ્રશાંત કિશોરે ભાઇ-બહેન ઉત્તર પ્રદેશમાં જે કંઇ કરી રહ્યા છે તેના પ્રત્યે નાખુશી વ્યકત કરી કોંગ્રેસના દૂધપાકમાં લીંબુ નીચોવ્યું.

પ્રશાંત કિશોરે ટવીટ દ્વારા ઉત્તર પ્રદેશમાં ભાઇબહેન જે પ્રયત્નો કરી રહ્યા છે તેના પ્રત્યે નાખુશી વ્યકત કરી કહ્યું કે, ‘ગ્રાન્ડઓલ્ડ પાર્ટી’માં ઊંડાં મૂળ ઘાલી ગયેલા પ્રશ્નો છે. મતલબ કે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા સાથે સ્થાન મેળવવાના પ્રશાંત કિશોરનાં નામે જે ધમ્મર વલોણું ચાલતું હતું તે બંધ થઇ ગયું. આમેય કોંગ્રેસના કેટલાક જૂના જોગીઓ સહિતના નેતાઓ પ્રશાંત કિશોરના કોંગ્રેસ સાથેના છાનગપતિયાં અને હાવભાવથી નારાજ હતા જ અને પ્રશાંત કિશોરનું આ નિવેદન આવી પડયું પણ મોવડી મંડળ (ગાંધીઓ) તરફથી કિશોર બાબતમાં  કોઇ પ્રત્યાઘાત નહીં આવતાં ગૂંચવાડો સર્જાયો છે.

પ્રશાંત કિશોરનું નિશાન નિ:શંકપણે રાહુલ અને પ્રિયંકા હતાં. પ્રશાંત કિશોરે શબ્દો ચોર્યા વગર કહ્યું કે, લખીમપુર ખેરી ઘટનાને આધારે લોકો ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ની આગેવાની હેઠળના વિરોધપક્ષની પ્રતીક્ષા કરી રહ્યા છે પણ તેમને નિરાશા જ સાંપડે છે. આ ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ના ઊંડા મૂળ ઘાલી ગયેલા પ્રશ્નો અને માળખાંકીય નબળાઇઓનો કોઇ ઝડપી કારગત ઉપાય નથી દેખાતો તે કમનસીબી છે.

ઉત્તર પ્રદેશમાં કંઇક સ્થાન મેળવવા માટેના ગાંધી ભાઇ-બહેનના પહેલની પ્રશાંત કિશોરે કરેલી ટીકાએ ભાઇ-બહેનની આંખ ખોલી નાંખવી જોઇએ પણ તેનાં મંતવ્યને ફગાવ્યા વગર તેમણે પ્રશાંત કિશોરના મંતવ્યનું વિશ્લેષણ કરવું જોઇએ. પ્રશાંત કિશોર અમૂક અંશે સાચા છે કે કોંગ્રેસને તેનાં ઊંડાંમૂળ ધરાવતા પ્રશ્નોનો નિવેડો લાવવા વધુ ઉચ્ચ અને સંકલિત પ્રયાસોની જરૂર છે. રાહુલે કિશોરની નૂકતેચીનીની ઘટના પર કેવી રીતે સંવાદ શરૂ કરી શકાય તે જોવું જોઇએ. અપરિપકવ પ્રસિધ્ધિ ભયંકર અને બિન ઉત્પાદક નીવડી શકે છે.

આ ઉપરાંત પ્રશંાત કિશોરની ટવીટથી દાયકાઓ સુધી સત્તાનાં ફળ ચાખ્યા પછી પણ યુવા પેઢીને સ્થાન આપવા તૈયાર નહીં હોય તેવા જૂના જોગીઓનો હાથ ઊંચો રહ્યો હતો. તેઓ પક્ષનું ધર્મસંકટ દૂર કરવા માટે બહારની મદદનો પણ પર હેજ રાખે છે. આ જૂના જોગીઓએ સ્પષ્ટ દરખાસ્તો રજૂ કરવી જોઇએ કારણકે પક્ષની સમસ્યાઓ માટે માત્ર જુદો જ સૂર કાઢવાથી કંઇ નહીં વળે, પ્રશાંત કિશોરની નૂકતેચીની નીચે જૂના જોગીઓને ગાંધી ભાઇ-બહેનોની પડખે ઊભા રહેવાની તક આપી છે. કિશોર કોંગ્રેસમાં મહત્વનું સ્થળ લેવા માટે વિચારતા હોય તો ય આઝાદ જેવા નેતાઓએ આ સ્થાન પૂરી દેવું જોઇએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top