Kids

રેગિસ્તાનમાં પ્રાંગરેલી ગર્લ્સ સ્કૂલ

બાળમિત્રો, હવેનો યુગ એવો છે કે ભણવા સિવાય ઉધ્ધાર નથી. અત્યાર સુધી ઓછા ભણતરથી પણ જેમતેમ નોકરી મળી જતી હતી પણ કૂદકે અને ભૂસકે ટેકનોલોજી સાથે વિકાસ કરતા વિશ્વ સાથે તાલ મિલાવવા ખૂબ ભણવું જરૂરી છે. રાજસ્થાનનું સરેરાશ ભણતર 66 % છે, તેમાં પણ છોકરીઓનું 47 %ની અંદર છે. એ સંદર્ભે દીકરીઓનું ભણતર વધે એ આશયથી રાજસ્થાન અંતરિયાળ રણવિસ્તારમાં તાજેતરમાં એક સ્કૂલ બની છે. જેનું સ્ટ્રકચર એવું છે કે 50 ડીગ્રી સુધી પહોંચી જતા તાપમાનમાં પણ આ સ્કૂલમાં AC વગર ઠંડક રહે છે.

ન્યૂયોર્કના આર્કિટેકચર ડાયરલા કેલાગની ડિઝાઇન અને રાજસ્થાનના કારીગરોની મહેનતે આ અદ્દભુત સંકુલ આકાર પામ્યું છે. જેસલમેરના રાજવી પરિવારના ચૈતન્યરાજસિંહ અને બાલિકા શિક્ષણ પ્રોત્સાહિત કરનાર માનવેન્દ્રસિંહ ઉપરાંત માઇકલ ડયુબ દ્વારા સ્થપાયેલી સ્વયંસેવી CITTએ સંસ્થાના આર્થિક સહયોગે સ્કૂલ નિર્માણ શકય બન્યું છે. જુદા જુદા પ્રકારનાં રેતી, પથ્થર અને ચુનો એમ 3 લેયરોની બનેલી દીવાલ અને છત પર જડાવેલી ટાઇલ્સ સ્કૂલમાં ગરમી પ્રવેશવા નથી દેતી. લંબગોળાકાર સ્કૂલમાં 400 વિદ્યાર્થિનીઓ ભણી શકે તેવી વ્યવસ્થા છે.

ધો.10 સુધી કમ્પ્યુટર અને અંગ્રેજીનું વિશેષ પ્રકારે શિક્ષણ આપવા સાથે આજુબાજુના 5 – 6 ગામડાંઓની બાળાઓને અહીં શિક્ષણ સાથે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. આ સ્કૂલનું નામ રાજકુમારી ‘રત્નાવતી ગર્લ્સ સ્કૂલ’ એટલા માટે રખાયું છે કે અલાઉદ્દીન ખિલજીના સમયે ત્યાંના મહારાજા રત્નસિંહજી તેમની શૂરવીર પુત્રી રત્નાવતીને ભરોસે રાજ્ય છોડી યુધ્ધમાં ગયેલા. પાછળ ખિલજીની સેનાએ રાજ્ય પર હુમલો કરી દેતા સાહસ અને હિમ્મતથી રત્નાવતીએ મહેલની અને રાજ્યની રક્ષા કરી મુગલ સેનાપતિ કાફૂર સહિત 100 જેટલા સૈનિકોને બંધક બનાવી દીધા હતા. તેના શૌર્યની યાદમાં આ અદભુત સ્થાપત્યસમી સ્કૂલનું નામ ‘રત્નાવતી ગર્લ્સ સ્કૂલ’ રખાયું છે.

Most Popular

To Top