સુખસર: હાલ ચોમાસુ વરસાદની સીઝન શરૂ થતાની સાથે જ ફતેપુરા એમજીવીસીએલના જવાબદારોની ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતાં વીજ પ્રવાહ પ્રત્યે બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે.વર્ષભર વીજ મેન્ટેન્સ કરવાના બહાના હેઠળ કેટલાક દિવસ વીજ પ્રવાહ બંધ રાખવામાં આવે છે. પરંતુ મેન્ટેન્સના નામે બંધ રખાતા પ્રવાહના સમયે કામગીરી કરવામાં આવે છે કે કેમ?તે પણ એક સવાલ છે.
જો વીજ મેન્ટેનન્સના નામે વીજ પ્રવાહ બંધ રાખવામાં આવે છે તેવા સમયે જે-તે કામગીરી સારી રીતે કરવામાં આવતી હોય તો હાલ ચોમાસાના સામાન્ય વરસાદમાં ફતેપુરા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે વીજપ્રવાહ ચાલી જાય છે અને લોકો બફારાથી શેકાઈ રહ્યા છે,અને તેવા સમયે વીજ પ્રવાહ બંધ રખાતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે રાત્રિના સમયે નિયમિત વીજપુરવઠો આપવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામેલ છે. ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં આવેલા કેટલાક ગામડાઓમાં સામાન્ય વરસાદ થયેલ છે જેના લીધે જમીન માંથી નીકળતા ગરમ બફારા તથા સૂર્યપ્રકાશની ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
લખણપુર સબ સ્ટેશન દ્વારા કાળીયા ગામને અપાતો વીજ પુરવઠો રાત્રિના સમયે બંધ કરી દેવાય છે
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં સામાન્ય કહી શકાય તેટલો વરસાદ થયેલ છે.તેમજ વરસાદી માહોલ પણ માત્ર કલાક કે બે કલાક રહે છે. ત્યારબાદ પવન પણ રહેતો નથી.તેમ છતાં હાલ છેલ્લા બે દિવસથી લખણપુર સબ સ્ટેશન દ્વારા કાળીયા ગામને અપાતો વીજપુરવઠો રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવે છે.જે બાબતે ફતેપુરા કચેરીમાં જાણ કરતા થોડીવારમાં વીજ પ્રવાહ ચાલુ થઇ જશેનું જણાવવામાં આવે છે પરંતુ વીજ પ્રવાહ ચાલુ નહિ થતા સ્થાનિક લાઈનમેનને જણાવવા છતાં કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવતો નથી.અને રાત્રીના સમયે જીવ જંતુઓના ભય સાથે બફારાના લીધે લોકો ઉંઘ પણ લઈ શકતા નથી.