Charchapatra

પ્રહારો

આપણે ત્યાં રાજકીય નેતાઓ બારે માસ કોઇક ને કોઇક કારણોસર એમના હરીફ નેતાઓ ઉપર વાણી પ્રહારો કરતા જ રહેતા હોય છે. પણ જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે આવા નેતાઓના વાણીપ્રહારોમાં ભારે ભરતી આવે છે. અત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો માહોલ એની પરાકાષ્ઠાએ પહોંચેલો છે. પક્ષીય નેતાઓ, એક બીજા ઉપર ઉગ્ર શાબ્દિક પ્રહારો કરવામાં જરાયે દિલચોરી કરતા નથી. સારું છે કે આપણે ત્યાં લોકશાહી છે એટલે આવા નેતાઓના હાથમાં બંદૂક, તલવાર કે ધારિયા જેવાં હથિયારો ગ્રહણ થઇ શકતાં નથી અને જો એવું ન હોત તો આવી ચૂંટણીઓ દરમ્યાન આવાં હથિયારો વડે પ્રહારો કરી કરીને કેટલાં ઢીમ ઢળાઇ જતે એની કલ્પના કરવી અઘરી છે. આપણા સદ્નસીબે સારું છે કે આપણા નેતાઓ પોતાનાં ભાષણોમાં આવાં શસ્ત્રોના પ્રહારોને બદલે ઉગ્ર વાણી પ્રહારો જ કરતા રહે છે એટલે અહિંસા પરમો ધરમવાળી ભાવના જળવાઇ રહે છે. અહિંયા કમળ, ઝાડુ તથા પંજા, બધા જ અહિંસક છે.

તેઓ સૌ દૂર દૂરથી શાબ્દિક પ્રહારો કરતા રહે છે. કયારેક કોઇક બળિયા ચૂંટણીના ઉમેદવાર બંદૂકથી ઉડાવી દેવાની વાતો પણ કરતા હોય છે. પણ વ્યવહારમાં બંદૂક હાથમાં લેતા નથી અને લે છે તો બંદૂક ફોડતાં નથી. આમ હથિયારોને બદલે ઉગ્રમાં ઉગ્ર વાણી પ્રહારો કરતાં રહેવાનો ઉપક્રમ આપણા નેતાઓનો કાયમી સ્થાયી ભાવ બની ગયેલ છે. પણ વાણીપ્રહારો કરનારા નેતાઓને એ વાતની ખબર હોવી ઘટે કે એમના પ્રહારોમાં હકીકત અને સત્ય કેટલું ભરેલું છે. આવા નેતાઓના વાણીપ્રહારોને હવે પ્રજા બરાબર પહેચાનતી થઇ ગઇ છે. પ્રહારોમાં રહેલા સત્ત્વને પ્રજાજનો બરાબર સમજતા થઇ ગયા છે. એક બીજા ઉપર પ્રહારો કરવા કરતાં એ નેતાઓ ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પ્રજા કલ્યાણનાં કયાં શુભ કાર્યો કરશે એની વાતો એમણે લોકો સમક્ષ માંડવી જોઇએ. બાકી પ્રહારોવાળી વાતો લોકોને હરગીઝ ગમતી નથી.
સુરત              – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

અગરિયાની પીડા જાણી છે?
આખી દુનિયામાં શાકાહારી હોય કે માંસાહારી મીઠા વગરનું બેસ્વાદ ભોજન, દર્દી પણ ખાવાની ના પાડે છે પણ કદી ઉપરોકત અગરિયા નિષ્ક્રિય જીવનની કોઇએ ઝાંખી કરી છે. મારું બાળપણ (પ્રિ.પ્રાથમિક શિક્ષણ) ગુજરાતના ધરાસણામાં વીત્યું જયાં શુધ્ધ મીઠું દરિયાના પાણીમાંથી મેળવાય છે, પણ કદી તેઓની જીવનશૈલી જોઇ છે કે અનુભવી છે? માથે ધગધગતો તાપ, ક્રુશ શરીર, અપૌષ્ટિક ખોરાક માથે આભ અને નીચે ધરતી. કોન્ટ્રાકટરો ઉચ્ચક વળતરથી કામ ચલાવે છે. તેઓની માંદગી,  બાળ બચ્ચાનું ભણતર ઠેબે ચઢે છે. ઠેર ઠેર અગરિયાની રસ્તા પર ચાલતા વિચ્છુ આપણા કપડામાં ભરાઇ જઇ કરડે અને ચક્કા ભરે ત્યારે ખ્યાલ આવે. આવે વખતે અગરિયાઓ ચપટીમાં વિચ્છુનું ધારિયા દ્વારા ઝેર ઉતારી, ચપટીમાં વિચ્છુને ચોળી નાંખે.
સુરત              – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top