Columns

એર ઇન્ડિયાના પતન માટે પ્રફુલ પટેલ અને એ.કે. એન્ટની જવાબદાર હતા

ટાટા સન્સ કંપની ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં સરકારની માલિકીની કંપની એર ઇન્ડિયા ખરીદી લેશે તે સાથે ૧૯૫૩માં એર ઇન્ડિયાના રાષ્ટ્રીયીકરણ સાથે શરૂ થયેલું ચક્ર પૂરું થાય છે. ૧૯૩૨માં ટાટા જૂથના ચેરમેન જે.આર.ડી. ટાટાએ એક ડાકોટા વિમાન સાથે મુંબઈથી કરાચી ઉડ્ડયન કરીને એર ઇન્ડિયાનો પાયો નાખ્યો હતો. ૧૯૪૩માં પંડિત જવાહરલાલ નેહરુએ તેમની સમાજવાદી આર્થિક નીતિના ભાગરૂપે એર ઇન્ડિયાનું સરકારીકરણ કર્યું હતું.

ત્યાર બાદ પણ જે.આર.ડી. ટાટાને એર ઇન્ડિયાના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. ૧૯૭૮માં મોરારજી દેસાઈ ભારતના વડા પ્રધાન હતા ત્યારે તેમણે જે.આર.ડી. ટાટાને ચેરમેનપદેથી દૂર કર્યા હતા. ૨૦૦૪માં કેન્દ્રમાં યુપીએ-૧ની સરકાર આવી ત્યારે મરાઠા નેતા શરદ પવારના વિશ્વાસુ પ્રફુલ પટેલ નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન બન્યા હતા. ત્યારે એર ઇન્ડિયા ૪૨ ટકા માર્કેટ શેર સાથે દેશની પ્રથમ નંબરની એર લાઇન્સ હતી. ૨૦૦૯માં એર ઇન્ડિયાની ખોટ વધીને ૭૨૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. ૨૦૧૭માં તો એર ઇન્ડિયાને માથે ૧૫,૨૪૧ કરોડ રૂપિયાનું જંગી દેવું ચડી ગયું હતું.

યુપીએના રાજમાં પ્રફુલ પટેલ અને એ.કે. એન્ટની જેવા નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાનો દ્વારા એર ઇન્ડિયાને પદ્ધતિસર રીતે ખાડામાં નાખવામાં આવી હતી. હકીકતમાં એર ઇન્ડિયાના પતનનો પ્રારંભ ૧૯૯૧માં નરસિંહ રાવની કોંગ્રેસ સરકારની ઓપન સ્કાય નીતિને કારણે થયો હતો. ૧૯૯૧-૯૨માં એર ઇન્ડિયાએ ૩૩૩ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. સરકાર દ્વારા ખાનગી વિમાન કંપનીઓને ભારતમાં ધંધો કરવાની છૂટ આપવામાં આવી તે સાથે એર ઇન્ડિયા કંપની નબળી પડવા લાગી હતી. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા તેને ઇરાદાપૂર્વક નબળી પાડવામાં આવી હતી. ૧૯૯૧ પછી કેન્દ્રમાં જેટલી સરકારો આવી તેણે એર ઇન્ડિયાને ભોગે ખાનગી વિમાન કંપનીઓને વિકાસ કરવાની તક આપી હતી. આ રમત યુપીએના રાજમાં પરાકાષ્ટાએ પહોંચી હતી.

યુપીએ-૧ના રાજમાં નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન બનેલા પ્રફુલ પટેલ કિંગફીશર એરલાઇન્સના અધ્યક્ષ વિજય માલ્યાના ખાસ મિત્ર કે સાગરીત હતા. તેમના શાસન કાળ દરમિયાન એર ઇન્ડિયા જેટલા પણ રૂટ પર નફો કરતી હતી તે બધા રૂટો કિંગફીશર કે બીજી પ્રાઇવેટ એરલાઇન્સોને (ફોર અ પ્રાઇસ) ફાળવી દેવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાના ભાગે ખોટ કરતા રૂટો રહ્યા હતા. પ્રફુલ પટેલે દુકાળમાં અધિક માસની જેમ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ૬૮ નવાં વિમાનનો ઓર્ડર આપ્યો. તેમાંના ૨૭ વિમાન તો બોઇંગ કંપની પાસેથી ખરીદવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનું આ મોટામાં મોટું કૌભાંડ હતું.

આ ૬૮ વિમાનો ક્યા રૂટ પર ઉડાડવામાં આવશે તેની પણ પ્રફુલ પટેલને ખબર નહોતી. તેની પાછળ ખર્ચવામાં આવેલા ૫૦,૦૦૦ કરોડ રૂપિયા કેવી રીતે અને કેટલા સમયમાં રિકવર કરવામાં આવશે? તેનો કોઈ બિઝનેસ પ્લાન તેમની પાસે નહોતો. એર ઇન્ડિયા દ્વારા ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનાં વિમાનો ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે તેનું ટર્નઓવર માત્ર ૭,૦૦૦ કરોડ રૂપિયા જ હતું. આ ખરીદી એર ઇન્ડિયાના લાભાર્થે નહીં પણ વિમાનો બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓના લાભાર્થે જ કરવામાં આવી હતી.

પહેલા પ્રફુલ પટેલના અને પછી એ.કે. એન્ટનીના રાજમાં એર ઇન્ડિયાનો ઉપયોગ પ્રધાનોની અંગત જાગીર તરીકે કરવામાં આવતો હતો. પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલ ઇન્ડિયન પ્રિમિયર લિગ (આઇપીએલ) ની હોસ્પિટાલિટી મેનેજર હતી. એક વખત તેણે આઇપીએલની ટીમને ચંડીગઢથી ચેન્નાઈ લઈ જવા માટે દિલ્હી-કોઇમ્બતુરની ફ્લાઇટ કેન્સલ કરાવી હતી. એ.કે. એન્ટની જ્યારે નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન હતા ત્યારે ૨૦૧૧માં તેમની પત્ની એલિઝાબેથના બે ચિત્રો એર ઇન્ડિયાએ અઢી લાખ રૂપિયામાં ખરીદ્યાં હતાં. ત્યાં સુધી કોઈને જાણ નહોતી કે એલિઝાબેથ ચિત્રકાર છે. એર ઇન્ડિયાનો નફો ઘટી રહ્યો હતો, ખોટ વધી રહી હતી, કર્મચારીઓને પગાર ચૂકવવાના રૂપિયા નહોતા, ઇંધણનું બિલ ચૂકવવાના પણ ફાંફાં હતાં, પણ સરકારને કોઈ ફિકર નહોતી.

યુપીએ સરકારે એક વધું આત્મઘાતક પગલું લઇને ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયાનું મર્જર કરવાનો નિર્ણય કર્યો. તેને કારણે એર ઇન્ડિયા પર ૩૦,૦૦૦ કર્મચારીઓનો બોજો આવી ગયો. એર ઇન્ડિયામાં વિમાનદીઠ ૨૫૬ કર્મચારીઓ કામ કરતા હતા. દુનિયાની બધી વિમાન કંપનીઓ તેનાથી અડધા સ્ટાફમાં વિમાનો ઉડાવતી હતી. એર ઇન્ડિયા મહિને ૪૦૦ કરોડની ખોટ કરવા લાગી. તેનો માર્કેટ હિસ્સો ૪૨ ટકા પરથી ઘટીને ૩૦ ટકા પર આવી ગયો હતો.

એર ઇન્ડિયા કંપની એવી ખાડામાં ડૂબી ગઈ હતી કે તેનું ખાનગીકરણ કરવા સિવાય સરકાર સમક્ષ કોઈ વિકલ્પ જ રહ્યો નહોતો. ટાટા સન્સ દ્વારા ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં એર ઇન્ડિયા ખરીદવામાં આવી છે તેમાં ૧૫,૩૦૦ કરોડ રૂપિયા તો ટાટાએ દેવાં સામે ચૂકવવા પડશે. એર ઇન્ડિયા કંપનીને માથે આજની તારીખમાં ૬૧,૫૬૦ કરોડ રૂપિયાનું દેવું છે. હકીકતમાં સરકાર તો આ જંગી દેવાં સાથે મફતમાં કંપની વેચવા તૈયાર હતી, પણ તેને કોઈ ખરીદવા તૈયાર નહોતું. ટાટા સન્સે માત્ર ૧૫,૩૦૦ કરોડના દેવાંની જવાબદારી લીધી છે. બાકીનું દેવું સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવશે.

એર ઇન્ડિયાને આટલા જંગી દેવામાં ઊતારી દેનારા પ્રફુલ પટેલ કે એન્ટની સામે કોઈ તપાસ કરવામાં આવી નથી કદ સજા કરવામાં આવી નથી. પ્રફુલ પટેલ શરદ પવારના માનીતા છે અને એ.કે. એન્ટની સોનિયા ગાંધીના વફાદાર છે. ટાટા સન્સના ગળામાં સરકારે ૩૦,૦૦૦ કર્મચારીઓ રૂપી ઘંટીનું પડ નાખી દીધું છે. ટાટા સન્સ એક વર્ષ સુધી કોઈ કર્મચારીને નોકરીમાંથી કાઢી નહીં શકે. વળી એર ઇન્ડિયાની જે સ્થાવર મિલકતો છે, તેના પર ટાટા સન્સનો કોઈ અધિકાર નહીં હોય. તેના વહીવટ માટે અલગ હોલ્ડિંગ કંપનીની રચના કરવામાં આવશે. અત્યારે તો રોજના બે કરોડ રૂપિયાની ખોટ કરતી કંપનીને નફો કરતી કરવાનો મોટો પડકાર ટાટા સમક્ષ છે.

એર ઇન્ડિયા પાસે જે મિલકતો છે તેમાં તેની ત્રણ શાખા કંપનીની મિલકતોનો પણ સમાવેશ થાય છે. આ પૈકી એર ઇન્ડિયા એક્સપ્રેસ નામની કંપની આશરે ૮,૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો ધરાવે છે. બીજી એર ઇન્ડિયા એન્જિનિયરીંગ સર્વિસીસ નામની કંપની ૩,૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો ધરાવે છે. ત્રીજી એર ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ સર્વિસીસ કંપની ૨,૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો ધરાવે છે.  આ ઉપરાંત એલાયન્સ એરની માલિકી પણ એર ઇન્ડિયાની છે. આ બધી મિલકતો વેચી દેવામાં આવે તો પણ તેના વધુમાં વધુ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ઉપજે તેમ છે.

એર ઇન્ડિયા પાસે મુંબઇના નરીમાન પોઇન્ટ વિસ્તારમાં બહુમાળી મકાન ઉપરાંત બીજી સ્થાવર મિલકતો પણ છે, જેમાં વિવિધ શહેરોમાં આવેલી તેની ઓફિસોનો સમાવેશ થાય છે. મુંબઈમાં આવેલી બહુમાળી ઇમારતને વેચવાનો પ્લાન સરકારે બનાવ્યો હતો, પણ તેના માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરીની જરૂર છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિ સત્તા પર આવી હોવાથી આ યોજના પણ ખોરંભે પડી ગઇ હતી. મિલકતો વેચવામાં મોટું કૌભાંડ થાય તેમ હોવાથી સરકારે હાલ તુરંત તે યોજના અભરાઇ પર ચડાવી દીધી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top