સુરત: કચ્છના ખાવડાથી નવસારી ગ્રીડ સુધી બે કોર્પોરેટ કંપનીઓના લાભમાં ઓછા વળતર સાથે ખેતરમાંથી પસાર થતી પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ લાઈન સામે સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન તેજ થયું છે. વળતરની રશીદ આપ્યા બાદ એ વળતરથી વિપરીત ઓછું વળતર ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરાવવા સામે ખેડૂત સમાજમાં રોષનો માહોલ છે.
ખેડૂતોને કોઈપણ જાતની માહિતી આપ્યા વિના ખાતામાં ઓછા રૂપિયા જમા થતાં રાજ્યમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. ખેડૂત સમાજ ગુજરાતના નેતૃત્વમાં રવિવારે સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની ભાદોલના આનંદ આશ્રમ ખાતે સભા યોજાઇ હતી.
- પાવરગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારીઓને ગામમાં પ્રવેશવા દેવાશે નહીં: રમેશ ઓરમા
- કોર્પોરેટના લાભ માટેની ટ્રાન્સમિશન લાઇન મુદ્દે સરકારની નીતિ ખેડૂતવિરોધી, ખેડૂતો મહાસંમેલન અને ટ્રેક્ટર રેલીની તૈયારી શરૂ કરો: પરિમલ પટેલ
- પાવર ગ્રીડ કોર્પોરેશનની ટ્રાન્સમિશન લાઇન મામલે ઓલપાડ અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત આગેવાનોની બેઠક
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની મિટિંગમાં નક્કી થયા મુજબ જ્યારે પણ પાવરગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારીઓ ગામમાં પ્રવેશ કરે ત્યારે કોઈ પણ ખેડૂતોએ પોતાની જમીનમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડની લાઇન સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટનાં ગામડાંમાંથી પસાર થનાર છે, તે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા-વિચારણા માટે બેઠક યોજાઈ હતી.
આ મિટિંગમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશન લાઇન તેમજ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા આંદોલન વિશે માહિતી આપી હતી. એમણે જણાવ્યું હતું કે, આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે. સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે. એમણે ખેડૂતોને મહાસંમેલન માટે ગામેગામ તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા જણાવ્યું હતું.
સંગઠિત થઈને લડવું એ જ એકમાત્ર વિકલ્પ: જયેશભાઇ પટેલ
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલ દ્વારા ખેડૂતોને સંઘે શક્તિ કળિયુગે વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અદાણીને ફાયદો કરાવવા બેઠી હોય ત્યારે સંગઠિત થઈને લડવું એ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ખેડૂત સમાજ હંમેશાં દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશાં ઊભો રહેશે.
ખેડૂતો ઉપર આફત આવે છે ત્યારે સહકારી સંસ્થાના આગેવાનો મૌન બેઠા છે: દર્શન નાયક
સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો ઉપર જ્યારે આફત આવે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સાથ-સહકાર આપતા હતા. પરંતુ હાલમાં મેન્ડેટથી ચુંટાઈને આવતા સહકારી સંસ્થાના આગેવાનો ખેડૂતો ઉપર આફત આવે છે ત્યારે મૌન સેવીને બેઠા છે. ખેડૂતોએ આવા આગેવાનોને ઓળખી લેવાની જરૂર છે અને ખેડૂતોએ સંગઠિત થઈ એક અવાજમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે મક્કમતાથી લડવાની જરૂર છે.
કયાં ગામોને અસર થશે?
પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લાના કામરેજ, પલસાણા, માંગરોળ, ઓલપાડ, બારડોલી વગેરે તાલુકાના મોટા ભાગનાં ગામડાંમાંથી 765 કે.વી, 400 કે.વી., 440 કે.વી.ની મહાકાય લાઇન પસાર થનાર છે. હાલમાં ઓલપાડ તાલુકાના કોબા, પારડી, કોબા, ભાદોલ, કદરામા, એરથાણ, ટકારમા, કસાદ, મંદરોઈ, વડોલી, ઠોઠબ, સોંદામીઠા, ભટગામ, રાજનગર, મોરથાણ, અટોદરા, ઓલપાડ, અછારણ, સાંધીયેર, સરસાણા, કણભી, માસમા, જાફરાબાદ, કુવાદ, સરસ, ઓરમા, અસનાડ, ઈસનપોર, કરમલા, ગોલા, આંધી, કુંભારી, નઘોઈ, સોંદલાખારા, દેલાસા, જીણોદ, કમરોલી, મીંઢી, મિરજાપોર, હાથીસા, અસનાડ, કરંજ, પારડી ઝાંખરી, નેશ, વિહારા, પારડી ભાદોલી, ઉમરાછી, કંથરાજ, સિથાણ, અસ્નાબાદથી પસાર થવાની છે. એ પહેલાં ઓલપાડ અને હાંસોટ તાલુકાના ખેડૂતો સક્રિય થયા છે. આગળની આંદોલનની રણનીતિ નક્કી કરવા આ બેઠક યોજાઈ હતી.