Comments

બિહારની ગરીબી હાર માનતી નથી?

ભારતમાં બિમારુ રાજયોનો કાલ્પનિક સમૂહ ત્રણેક દશકથી અસ્તિત્વમાં છે. મતલબ કે બિમારુ શબ્દપ્રયોગ વ્યવહારમાં આવ્યો છે. બિમારુ એટલે બિહાર, મધ્ય પ્રદેશ, આન્ધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. આ શબ્દ કોઇન થયો તે સમયમાં છત્તીસગઢ મધ્ય પ્રદેશમાં, ઝારખંડ બિહારમાં, ઉત્તરાખંડ યુપીમાં અને તેલંગાણા આન્ધ્ર પ્રદેશમાં હતાં. આ રાજયો સતત આર્થિક બિમારી ભોગવતાં હતાં તેથી બિમારુ કહેવાયાં. ત્યાર બાદ રાજયોમાં અને કેન્દ્રમાં અનેક સરકારો આવી, પરંતુ બિમારી ઠેરની ઠેર જ છે. અમુક રાજયોમાં પ્રગતિ દેખાય છે, પણ એવી પ્રગતિ નથી થઇ કે ઊડીને આંખે વળગે. આપણે સીધી આંખોથી જોઇ ન શકીએ એવા પ્રકારની, વિનાશકારી પ્રગતિઓ ઘણી થઇ છે. જેમ કે દૂધનું ઉત્પાદન વધ્યું છે, પણ દૂધ, શાકભાજી, ફળો ખાવાલાયક રહ્યાં છે ખરાં? દવાખાનાંઓ વધ્યાં છે, પણ પરવડે તેવાં છે ખરાં?

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા હમણાં મલ્ટીડાયમેન્શનલ પોપર્ટી ઇન્ડેકસ – એમપીઆઇ – પ્રસિધ્ધ કરવામાં આવ્યો. તેમાં જણાવ્યા અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજય બિહાર છે. જો કે આજકાલ ઘણા રિપોર્ટ રાજકીય રંગ ધરાવતાં હોય છે એટલે ચપટીક શંકા સાથે તેને જોવા પડે. પણ બિહાર તો કેન્દ્ર સરકારના રાજકીય પક્ષનું મિત્ર રાજય. ડબલ એન્જીનની ગાડી ધરાવે છે. છેલ્લા અમુક દશકમાં લોકો કંગાળ ગરીબી અને ભૂખમરામાંથી ક્રમશ: બહાર આવી રહ્યાં હતાં. છતાં પ્રમાણમાં, સરખામણીમાં ભારતમાં સૌથી વધુ લોકો ગરીબ હોય તેવું રાજય બિહાર છે. કંગાલિયત, વૈચારિક પછાતપણું, અછત, હતાશા અને પરવશતાનું બીજું નામ બિહાર ગણાય છે. વિકાસબાબુ નીતીશ કુમારની સરકાર હોવા છતાં આ સ્થિતિ છે.

શરાબબંધીનો કોઇ ખાસ ફાયદો થયો નથી. પોલીસને થયો છે. રિપોર્ટ અનુસાર બિહારની બાવન ટકા પ્રજા ગરીબ છે. વાંશિક રીતે બિહારીઓ ખૂબ બુધ્ધિશાળી પ્રજા છે. છતાં માથાદીઠ આવક ભારતમાં સૌથી ઓછી છે. માતા અને બાળકોનાં આરોગ્ય બાબતે બિહારમાં સૌથી વધુ દુર્દશા છે તે દરભંગાની હોસ્પિટલ જોઇને સમજી શકાય. તેને જોઇને લાગે કે આ વિશાળ મકાન હમણાં જ તૂટી પડશે. આવાસ, પાણી અને સ્વચ્છતાની સ્થિતિ, શાળામાં બાળકોની હાજરી, વીજળી અને બીજાં અનેક પરિમાણોની બાબતમાં બિહાર છેલ્લી પાટલીએ છે. જ્ઞાતિઓના ભેદભાવ અને જમીનદારીની મનોભાવનાઓ હજી લોકોના માનસમાં ગંઠાયેલી છે. આટલી ફળદ્રુપ ભૂમિ હોવા છતાં સ્થાનિક પ્રજા આજે પણ દૂરનાં શહેરો, પ્રદેશોમાં મજૂરી રળવા હિજરત કરી જાય છે. લોકોને લાયકાત મુજબ કામ મળતું નથી. લાલુ યાદવે વરસો સુધી રાજ કર્યું અને વિકાસના દાવાઓની પાછળ રાજાશાહી ભ્રષ્ટાચાર કર્યો. ભ્રષ્ટાચાર સમાજ અને પ્રજાને કઇ સ્થિતિમાં મૂકે છે તેનો સચોટ દાખલો બિહારમાં જોવા મળે. નવાઇની વાત એ છે કે બિહારનો આર્થિક વિકાસ દર છેલ્લા એક દશકથી, ડબલ ડિજિટમાં, અર્થાત્ દસ ટકાથી વધુ દર્શાવાયો છે, છતાં આટલી ગરીબી શા માટે? લોકોની સ્થિતિ વીસ વરસ અગાઉ હતી તેવી જ આજે છે. તો વિકાસ કયાં ખોવાઇ ગયો?

આજે અચાનક પૂર આવે છે. પાકનો સત્યાનાશ જાય. પાણી સૂકાઇ જાય એટલે દુકાળ પડે. કોઇ આધુનિક વ્યવસ્થા નહીં જેમાં જળનો સંચય થાય. બિહારનાં લોકો પંજાબ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને આંદામાન સુધી મજૂરી કરવા જાય. બીજી તરફ વરસ ૨૦૧૯-૨૦ માં બિહારનો આર્થિક વિકાસ દર સાડા દસ ટકાનો રહ્યો હતો. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે. એક સમયે બિહારની ગાડી પાટે ચડી રહી હોય તેવું જણાતું હતું. પરંતુ ૨૦૧૫ અને ૨૦૧૬ ના વરસમાં વિકાસ દર ઘટીને સાડા સાત ટકાથી થોડો વધુ રહ્યો હતો. ૨૦૧૨ થી ૧૯ સુધીનાં સાત વરસમાં જિલ્લા કક્ષાએ માત્ર એક જ હોસ્પિટલ બાંધવામાં આવી હતી. આથી ઘણા આંકડાઓ અને વાસ્તવિક સ્થિતિઓ સાથે મેળ બેસતો નથી. વિશ્વ બેન્કના મતે બિહાર ઝડપથી વિકસી રહેલું એક લો-ઇન્કમ સ્ટેટ છે – જયાં પૂરતી માળખાકીય સગવડો નથી. ૨૦૧૪ વખતે નરેન્દ્ર મોદી સાથે તકરારમાં ઊતર્યા ત્યારે નીતીશકુમારનું કહેવું હતું કે ગુજરાતને સમુદ્રનાં બંદરોનો લાભ મળે છે, જે બિહારને નથી. ગડકરીએ બિહારમાં ગંગા નદી પર બંદર બાંધવાની યોજના ઘડી હતી પણ સાકાર થઇ નથી.

વિશ્વ બેન્કને બિહારમાં દલિત સમુદાયમાં પણ ગરીબીનું પ્રમાણ વિશેષ જણાયું છે. સરકારનું વહીવટીતંત્ર નબળું અને કૃષિ ઉત્પાદન પણ અસંતોષકારક જણાયું છે. જો કે ભારતનાં ઘણાં રાજયોમાં ચાર ટકાની આસપાસ જ કૃષિવિકાસનો દર રહે છે. બિહારની તકલીફ એ છે કે તેમાં કોઇ નવા યુગના ઉદ્યોગો ખાસ નથી. હાથ કટ્ટાઓ, ચપ્પુ અને બનાવટી રાઇફલો, સુપારી અને અપહરણો બિનસંગઠિત ક્ષેત્રનો એક સંગઠિત ધંધો છે જે રાજયને વધુ બિમાર બનાવે છે. બિહારના ટોચના પોલીસ વડાએ સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પ્રકરણમાં અજુગતી દખલ કરીને અનપ્રોફેશનલિઝમનું, સરકારની ખુશામતખોરીનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડયું હતું. આમ વહીવટ, સરકાર અને રાજકીય પક્ષો, નેતાઓને છૂટા ન પાડી શકાય એટલી હદે વણાઇ ગયા છે. બિહારની એ હાલત છે કે જે ગરીબ ન હોય તે જ રહી શકે. ગરીબો પાસે લૂંટાવા માટે માત્ર ઇજજત હોય છે.

વચ્ચે એક દૌર એવો આવ્યો, જેમાં સિનેમા ઉદ્યોગ, શહેરોની હોટેલોની વાનગીઓ, સંગીત, લેખન, સરકારી ઉચ્ચ અમલદારો તરીકે ભરતી, આઇએએસ વગેરેમાં બિહારીઓ આગળ આવવા માંડયા હતા. છઠ પૂજાનું માહાત્મ્ય દેશભરમાં ફેલાયું. સોશ્યલ મીડિયાના યુગમાં આ બધાનું મહત્ત્વ ઓર વધ્યું છે. પણ આ એક બોલકો પ્રદર્શનકારી સમાજ નાનો છે છતાં મોટો દેખાય છે. બાકી લાખો ઝૂંપડામાં નગ્ન બાળકો શ્વાન, સુવરો સાથે રમે છે અને માતાઓની છાતીઓમાં ધાવણ નથી આવતું. આ બે પ્રકારનો સમાજ ઊડીને આંખે એવો છે તેથી સંસ્થાઓના આંકડાઓ પણ વિરોધાભાસી છે.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top