હાલમાં બ્રિટનની રાજધાની લંડનમાં બે વૈભવશાળી બિલ્ડિંગોની વચ્ચે એક સ્વીમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. તેની વિશેષતા એ છે કે તે જમીનથી ૧૧પ ફૂટ ઊંચે છે અને તેનું તળિયું પારદર્શક છે અને આ પુલમાં તરતા તરતા નીચેનાં દ્રશ્યો જોઇ શકાય છે. બંને બિલ્ડિંગોના દસમા માળે આ પુલ બેસાડવામાં આવ્યો છે. તેમાં ૮પ ફૂટ ઊંચાઇનું સ્ફટિક જેવું ૪૦૦ મીટર પાણી ભરવામાં આવે છે. એમ્બેસી ગાર્ડનની લેગસી બિલ્ડિંગો વચ્ચે બનાવવામાં આવેલ આ પુલ કેટલીક જગ્યાએ ૧૦ ફૂટ જેટલો ઊંચો છે. આ પુલનો ઉપયોગ કરવાની પરવાનગી ફક્ત બિલ્ડિંગનાં ધનવાનોને જ છે અને ભાડુઆતોને તેનો ઉપયોગ કરવાની છૂટ નથી! તેમાં તરતા તરતા બ્રિટિશ સંસદ સહિત લંડનનાં અનેક સ્થળો જોઇ શકાય છે.
કોઇ પણ વિચારશીલ વ્યક્તિને એ પ્રશ્ન થાય કે આખી દુનિયા જ્યારે કોવિડના રોગચાળાથી એક યા બીજી રીતે પરેશાન છે, અનેક લોકો રોજગારી ગુમાવી બેઠા છે ત્યારે આવાં બાંધકામોના ધખારાની શી જરૂર છે? પણ મોટા ભાગના અતિધનવાનોને દુનિયાની દુ:ખી વસ્તીની કંઇ પડી નથી. તેમણે તો બસ આનંદપ્રમોદ કરવો છે.અને આ લંડનનો સ્વીમિંગ પુલ એ કંઇ એક માત્ર ઉદાહરણ નથી. ધરાયેલા ધનાઢ્યોના આવા તો બીજા પણ અનેક ધખારાના અહેવાલો છે. હાલમાં કોઇ પશ્ચિમી ધનવાન યુગલે રોલ્સ રોયસને ખાસ ઓર્ડર આપીને એક અતિ મોંઘી દાટ કાર તૈયાર કરાવી.
ખાસ થીમ પર તૈયાર કરવામાં આવેલી આ કારને બોટ ટેઇલ કાર એવું નામ આપવામાં આવ્યું છે અને તેની પાછળના ડેકમાં પિકનિક અને મોજ મઝા માટેનો અચંબિત કરી દે તેવો સરંજામ ગોઠવવામાં આવ્યો છે. આ કારની કિંમત ૨૮૦ લાખ ડૉલર થઇ છે. ભારતીય ચલણમાં તેની કિંમત બે અબજ રૂપિયા કરતાં પણ વધારે થાય! એક બાજુ રોગચાળાથી મોતનો માતમ છે, બેરોજગારીનો કકળાટ છે, દુનિયાના ઘણાં બધાં લોકો વધુ કારમી ગરીબીમાં ધકેલાઇ ગયાં છે ત્યારે ધનવાન શોખીનોને આવા વૈભવ, વિલાસના ધખારા થાય છે. ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’ એવું કવિ કહી ગયા છે અને એ ક્યારેક ભયંકર રીતે સાચું પડી શકે છે તે આવાં લોકો સમજે તો સારું.