સુરત: હાલ ચોમાસાની (Monsoon) સિઝન ચાલી રહી છે. વરસાદ (Rain) પણ ધીમી ગતિએ આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત (Surat) શહેરમાં રસ્તા ધોવાઇ જતાં ઠેર ઠેર ખાડા પડ્યા છે. ત્યારે પૂર્વ વિપક્ષી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ (Ex Corporator Dinesh Kachdiya) ખાડા (Potholes) સાથેના રસ્તાનો વિડીયો વાયરલ કરી શહેરમાં નાના-મોટા 10,000 કરતાં વધારે ખાડા પડ્યા છે. જેના કારણે વાહનચાલકોની કમર તૂટી રહી હોવાનો અને તંત્ર ઊંઘી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
- ‘મેડમ કમિશનર તમે એક વખત મોપેડ પર નીકળી જાત અનુભવ કરો’
- સોશિયલ મીડિયામાં ખાડાવાળા રસ્તાનો વિડીયો વાયરલ કરી પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ તંત્રનો કાન આમળ્યો
કટાક્ષ કરતાં એવું પણ કહ્યું છે કે, અમને તો ખાડા દેખાય છે. પરંતુ અધિકારીઓ રોડ ઉપર ગાડી લઈને નીકળતા નથી. એ તમામ લોકો હેલિકોપ્ટરમાં આખો દિવસ ફરતા હોય છે. આથી તેમને આ નાના-મોટા ખાડા દેખાતા નથી. શહેરમાં ખાડા કઈ રીતે પૂરવા તેનું કોઈ આયોજન જ નથી. ખાડા દેખાય એટલે કપચાવાળો ખુલ્લો માલ નાંખી દેવામાં આવે છે, તે ધીમે ધીમે ગાડીઓ ચાલવાથી આખા રોડ ઉપર પ્રસરી જાય છે. તેના કારણે નાના ટુ-વ્હીલર વાહનો ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.
કાછડિયાએ ઉમેર્યુ હતું કે, આ શહેરમાં કેટલી મહિલાઓ અને સિનિયર સિટિઝન મોપેડ લઈને ફરે છે. આવા ખાડામાં એક વ્હીલ ઓચિંતું પડી જાય છે ત્યારે એ વ્યક્તિને લાંબી-ટૂંકી શરીરમાં ઇજા થતી હોય છે. કમરના દુખાવો પણ વધી જાય છે. આથી સ્પેશિયલ એક વીક માત્ર ને માત્ર આપના થકી ખાડા ઝુંબેશ ચાલુ થાય તેવી અપીલ પણ કરી છે.
તેમજ ઉમેર્યુ હતું કે, એક બાજુ આખા ગુજરાતમાં પોલીસની ડ્રાઇવ ચાલે છે. તેવી જ રીતે સુરત મહાનગરપાલિકામાં એક વીક માટે રોડ રિપેરિંગ માટેની ડ્રાઇવ ચલાવો. કમિશનરને તેમણે મોપેડ લઈ એક રાઉન્ડ મારી લોકોની તકલીફનો અહેસાસ કરવા પણ સલાહ આપી છે.