પોસ્ટમોર્ટમ… ‘દિલ આજ શાયર હૈ સ્ટેન્ટ તું નગમા’

નાની ઉંમરે અકારણ, આકસ્મિક કે સંદિગ્ધ સંજોગોમાં મૃત્યુ થાય તો તે માટે પોસ્ટમોર્ટમ જરૂરી હોય છે. આ પોસ્ટમોર્ટમ કાચિંડાની જેમ જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રંગ બદલતું રહે છે. પ્રિન્ટ મીડિયામાં જેતે પત્રકારની બુદ્ધિમત્તા અને તંત્રીની હિંમત ઉપર આધારિત હોય છે. જેતે ઘટનાનો ચિતાર તે સવારના છાપામાં આંખે દેખ્યા અહેવાલને તેમની કલ્પનાની પાંખો ઊડ્યો અહેવાલ તરીકે છપાવે છે. આ પોસ્ટમૉર્ટમ સોશ્યલ મીડિયામાં ‘ટ્રોલ’ થતું હોય ત્યારે તે વાઈરલની સ્પીડે ‘રોલ’ થાય છે, કયારેક તે વોટ્સ એપ ઉપર મિત્રમંડળના બ્રેકીંગ ન્યૂઝ બની જાય છે, TV ન્યૂઝ ચેનલો ઉપર તે “મુકાબલા’ના નામે બૂમબરાડા પડાવે છે અથવા ‘નેશન વોન્ટસ ટુ નો’ના નામે એન્કરજન્ય ઘાંટાઘાંટ કરે છે. આવી ઘટનાચર્યા રૂબરૂમાં મળતા મિત્રો કે સગાંસબંધીઓમાં તેમના માટે પીઠ પાછળનું ગોસીપ કે પંચાતનું પડીકું બની જાય છે.

આવી જજમેન્ટલ બનતી દરેક વ્યક્તિ ‘જજ’ના રાજાપાઠમાં આવી પોતાનાં સલાહસૂચન ‘ફ્રી’ એપની જેમ સામેવાળાના મગજમાં એકતરફી ડાઉનલોડ કરતા રહેતા હોય છે. હૃદયહુમલા પછીની આરામની પળોમાં મગજમાં ઉત્પન્ન થતાં વિચારવમળો પણ એક જાતનું સ્વયંભૂ પોસ્ટમોર્ટમ જ છે. મિત્રો અને સગાંસંબંધીઓ માટે તો આ ટોપિક, કોને થયું? ક્યારે થયું? શું થયું? કેટલું થયું? અને કેમ થયું? જેવા સવાલિયા વિચારો થાય તે સ્વાભાવિક છે. મારી વિચારમાળાની સીરિયલ તો મને પહેલી વાર એન્જાઈના ચેસ્ટ પેઈન થયું ત્યારથી જ શરૂ થઈ ગયેલી. મેં ઘણા હૃદયરોગના દર્દીઓને મેનેજ કરેલા છે એટલે હું સ્ટેપ વાઈઝ એપ્રોચ જાણતો હતો. સ્વયમને થયું એટલે ચોક્કસ એકસ્ટ્રા કૉન્શ્યસ થઇ ગયો.

હવે પોસ્ટમોર્ટમ જોઈએ તો કોને થયું? તો મને થયું. અમારા કુટુંબના અને નજીકના મિત્રોના હિસાબે હું સહુથી ફીટ ગણાતો હતો. મેં છેલ્લાં દસ વરસમાં તે વારંવાર પુરવાર પણ કરેલું હતું. મેં 60 વરસ પછી થતી સીનિયર સીટીઝન સ્વીમીંગ સ્પર્ધામાં ગોલ્ડમેડલો મેળવેલા છે, મેં 62મા વરસે મકાઉ ટાવર ઉપર 1000 ફૂટની ઊંચાઈએ સ્કાય વોકિંગ, ૬૪મા વરસે સાઉથ આફ્રિકામાં 600 ફૂટની ઊંચાઈએથી બંજી જમ્પિંગ, ૬પમા વરસે ન્યૂઝીલેન્ડમાં 15૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડતા વિમાનમાંથી સ્કાય ડાઈવીંગ, 66 વરસની ઉંમરે શ્રીલંકામાં 15 કિલોમીટરનું ફોરેસ્ટ ટ્રેકિંગ, 68મા વરસે વિયેટનામમાં અન્ડરગ્રાઉન્ડ 15 બાય 15 ઇંચના ઢાંકણામાંથી ગોરિલા ટનલમાં જઈને પાછો આવ્યો છું. આ ઉપરાંત હું નિયમિત સ્વીમીંગ અથવા સાઈકલીંગ રોજ કરતો હતો. મારી ખાવાપીવાની આદતો પણ એક સમતોલ આહારની શૈલીની હતી. મારા ફેમિલી અને મેડિકલ બેકગ્રાઉન્ડના લીધે તમાકુ, દારૂ કે સિગરેટ જેવાં કોઈ વ્યસનો ‘ન ભૂતો ન ભવિષ્યતો’ની જેમ ક્યારેય નહોતા.

મારું વજન પણ માપસર હોઈ ઉંમર સહજ અને લાઈફસ્ટાઈલ આધારિત થતા હાઈ BP, ડાયાબિટીસ કે મેદવૃદ્ધિ જેવા આજીવન રોગો નથી. ક્યારે થયું? સીત્તેર વરસ પૂરાં કર્યાના બે જ મહિનામાં થયું. રાત્રે નવ વાગે કારમાં પેટ્રોલ પુરાવીને ઘરે પાછો જ આવતો હતો, કારમાં ફૂલ ACમાં પણ પરસેવો અનુભવ્યો. ઘરે આવીને છાતીમાં ભાર લાગ્યો. શું થયું? મને હૃદયરોગની ડોરબેલ સંભળાઈ. એકદમ એન્જાઈના પેન થયું, ગ્લીસરીલ ટ્રાઈનાઈટ્રેટની ગોળી જીભ નીચે મૂક્તા દુખાવામાં ત્વરિત રાહત થઇ. પહેલો ECG નોર્મલ આવ્યો. આઠ કલાકના અંતરે કરાવેલા બીજા બેઉ ECG પણ નોર્મલ આવ્યા. ઇકોકાર્ડિયોગ્રાફ નોર્મલ આવ્યો. ફક્ત ટ્રોપોનીન ટેસ્ટ પોઝિટિવ હોવાથી એન્જીયો ચેક કરાવ્યું તો કોરોનરી નળીઓમાં એકમાં 95% અને બીજીમાં 50% બ્લોકનું નિદાન થયું. શીઘ્ર એન્જીઓપ્લાસ્ટી કરાવી અને બે સ્ટેન્ટ મુકાવ્યા. કેટલું નુકસાન થયું? આમ તો આ પરિસ્થિતિને પ્રી હાર્ટએટેક કહી શકાય. સ્ટેન્ટ મુકાવાથી નળી ખૂલી ગઈ હતી. બે દિવસના ICCU અને અઠવાડિયાના ઘરે આરામ પછી લાઈફ રાબેતા મુજબ ચાલવા માંડી.

લોહી પાતળું રાખવાની અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓનું આજીવન સેવન એ નુકસાન. હવે મને એડવેન્ચર ટુરીઝમની ખોટ પડશે. કેમ થયું? મને હૃદથશૂળ થયું તો મારા ઘણા ઓળખીતાપારખીતા હલબલી ગયા. હું અને મારું ‘દર્દે દિલ’ તેમને માટે ચર્ચાનો સબ્જેક્ટ બની ગયો. મોટાભાગના મિત્રો ECG, બોડી પ્રોફાઈલ, બ્લડ ટેસ્ટ્સ, ટ્રેડમિલ, ઈકો કાર્ડીઓગ્રાફી અને CT એન્જીઓ જેવા ટેસ્ટ્સ કરાવવા દોડી ગયા. હૃદયરોગનાં કારણો જોઈએ તો જુદાં જુદાં સ્થાયી અને અસ્થાયી પરિબળો છે. સ્થાયી પરિબળોમાં વધતી ઉંમર એટલે કે એજીંગ પ્રોસેસ મુખ્ય કહી શકાય. અસ્થાયી પરિબળોમાં માનસિક તણાવ, અનકન્ટ્રોલ હાઈ BP, ઘટતું જાતીય હોર્મોન્સનું પ્રમાણ, ડાયાબિટીસ, જાડાપણું, દારૂ, તમાકુ અને બીડી-સિગારેટ જેવાં વ્યસનો અને બેઠાડી લાઈફ સ્ટાઈલ એ મુખ્ય છે. જયારે મારી હેલ્થથી પ્રભાવિત મિત્રોને હજુ આશ્ચર્ય થાય છે કે આવી સ્વસ્થ લાઈફસ્ટાઈલમાં પણ આવું થાય એ હજુ તેમના માન્યામાં નથી આવતું.

 હું હસતાં હસતાં એક જ જવાબ આપું છું કે આ તો સીનિયર સિટિઝનના રસ્તે આવતા માઈલ સ્ટોન છે. તે દરેકે વહેલામોડા પસાર કરવાના છે. મારા કેસમાં એવું બન્યું હોય કે કસરતની નિયમિતતા અને સમતોલ આહારવાળી મારી ઇટીંગ હેબીટસના લીધે મારા હૃદયની કોલેટરલ આર્ટરીસ વધુ વિકસિત બની હોય અને મારા વધતા બ્લોક્સનું ભારણ તે નળીઓએ ઉપાડી લીધું હોય. મને કારણ કરતાં ‘વોટ નેકસ્ટ?” માં રસ હતો. મને ઠોકર વાગીને પડવાનું દુ:ખ નહોતું. મારો ઉત્સાહ હંમેશાં એવો હોય છે કે કેટલો જલ્દી હું તે પડેલી અવસ્થામાંથી ઊભો થઇને આગળ ચાલવા માંડું છું. મારી ‘એન્જોય પ્લાસ્ટી’ સીરિઝ પતે છે. મને લખવામાં મજા આવી. તમને પણ વાંચવામાં મજા આવી હશે. બી એન્ડ સ્ટે પોઝિટિવ. મારી હવે પછીની લાઈફ એન્થમ “દિલ આજ શાયર, તું (સ્ટેન્ટ) આજ નગમા જ રહેશે.

Most Popular

To Top