SURAT

આ ‘ઠગ ઓફ સુરત’ કોણ છે?, ઠેરઠેર બેનર લગાવી લોકો તેની તસવીર પર મારી રહ્યાં છે જૂતાં..

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં ગઈકાલે તા. 2 મેની રાત્રિએ ઠેરઠેર બેનર, પોસ્ટર ચોંટાડી રહ્યાં હતાં. આ બેનર પર બે વ્યક્તિના ફોટા હતા, જેની પર લોકો જૂતા મારી રહ્યાં હતાં. આ બેનર પર ઠગ ઓફ સુરત લખવામાં આવ્યું હતું. આ ઠગ ઓફ સુરત કોણ છે અને લોકો તેની પર કેમ ગુસ્સે ભરાયા છે…

ઠગ ઓફ સુરત એ બીજું કોઈ નહીં પરંતુ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડસાળા છે. જે રીતે આ બંને ઉમેદવારોના ફોર્મ રદ થયા અને ત્યાર બાદથી તેઓ ગાયબ થયા છે તે જોતાં બંને ઉમેદવારોએ ગદ્દારી કરી હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સુરતના મતદારો માની રહ્યાં છે, તેથી જ કોંગ્રેસના સમર્થકો ઠેરઠેર બેનર, પોસ્ટર ચોંટાડી નિલેશ કુંભાણી અને સુરેશ પડસાળા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું કે, નિલેશ કુંભાણી જેટલાં જ ડમી ઉમેદવાર સુરેશ પડસાળા પણ જવાબદાર છે. પડસાળાએ આ સમગ્ર કાવતરામાં કુંભાણીનો સાથ આપ્યો છે. તે ભૂંડી ભૂમિકા ભજવનાર મુખ્ય વ્યક્તિ છે. ડમી ઉમેદવાર તરીકે તેનું ફોર્મ સ્વીકાર્યું નહીં તેની પાછળ તે જ જવાબદાર છે. આ બંનેએ કોંગ્રેસ અને સુરત લોકસભા બેઠકના મતદારો સાથે ગદ્દારી કરી છે.

કોંગ્રેસ યુવા સંગઠનના નેતા મેહુલ દેસાઈએ કહ્યું કે, લોકશાહીના આ ઉત્સવમાંથી સુરત અને સુરત લોકસભા બેઠકના મતદારોને અધિકાર છીનવી લેનારા આ બંને મહાઠગોનો અમે વિરોધ કરી રહ્યા છે. આ બંને ગદ્દારોએ શહેરીજનો સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેઓ દોષિત છે. સુરતની પ્રજા આ ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. લોકશાહીના આરોપીઓ નિલેશ કુંભાણી અને સુરેશ પડસાળાના બેનરો લગાવીને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ

Most Popular

To Top