Gujarat

રાજકોટ ભાજપમાં પોસ્ટર વોર: સી.આર. પાટીલના પ્રવાસ વખતે જ આંતરિક જૂથવાદ સપાટી પર આવી

રાજકોટ: ગુજરાતનાં ભાજપ (Gujarat BJP) પ્રમુખ સી.આર.પાટીલના (CR Patil) આગમન થયાની સાથે જ ભાજપનાં નેતાઓ વચ્ચે ચાલી રહેલો વિખવાદ નજરે ચડયો છે. રાજકોટનાં ઘણાં વિસ્તારોમાં ભાજપના નેતા અને સાંસદ સભ્ય રામ મોકરિયા (MP Ram Mokaria) અને કશ્યપ શુક્લ દ્વારા લગાડાયેલાં પોસ્ટરથી વિવાદ (Poster War) વધ્યો છે. ભાજપ સાંસદ અને પૂર્વ કોર્પોરેટરના (Ex Corporators) જ બેનરો લાગતા અનેક વિવાદો સર્જાયા છે. રામ મોકરિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) ભરતીકાંડનો મામલો તથાં ભાજપનાં સ્નેહમિલનના આયોજન જેવી અગત્યની જવાબદારી રાતોરાત સોંપવામાં આવી રહી છે.

2 દિવસ અગાઉ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને MLA ગોવિંદ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ અંગે પાટીલે નિવેદન આપતાં કહ્યું હતું કે ભાજપ સંગઠનમાં કોઇપણ જગ્યાએ જૂથવાદ નથી. જે કઈ પણ ગેરસમજણ છે, તે જે તે નેતાઓના વ્યક્તિગત મુદ્દા છે. કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક સ્થાનિક નેતાઓની બાદબાકી કરાતા રાજકારણ ગરમાયું છે. જ્યારે બીજી તરફ રાજકોટની ગલીઓમા ભાજપ સાંસદ અને પૂર્વ કોર્પોરેટરના જ બેનરો લાગતા ભાજપના નેતાઓ વચ્ચે ચાલી રહેલી હોર્ડિંગવૉર સામે આવી છે.

સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજીને પાટીલે જણાવ્યું હતું કે તેઓ રાજકોટમા ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12.30 વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે, 3 વાગ્યે ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિટિંગ કરશે અને 4 વાગ્યે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે. રાજકોટમાં ભાજપ-પ્રમુખ પાટીલનો 20મીનો કાર્યક્રમ અગાઉથી જાહેર થઇ ગયો હતો અને તેમની હાજરીમાં જ 20મીએ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ 15મી તારીખે ભાજપે સ્નેહમિલન યોજયું હતું અને તેમાં જે રીતે નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ અને તેના બીજા જ દિવસે પાટીલની હાજરીમાં યોજાનાર સ્નેહમિલન રદ કરવાની જાહેરાત થઇ હતી. સ્નેહમિલનની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી બાદબાકી થઈ હતી. 15નવેમ્બરના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા સહિતના મોટા નેતાના નામ જોવા નહીં મળતા વિવાદ સર્જાયો હતો. 15 નવેમ્બરે ભાજપના સ્નેહમિલનમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી.

Most Popular

To Top