Vadodara

ડૉ.મનીષા વકીલને જોઈ લેવા મતદારોનું પોસ્ટર યુદ્ધ

વડોદરા: વડોદરા શહેરમાં પાંચ ડિસેમ્બર આજરોજ વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે તે પૂર્વે શહેરના એક ઉમેદવારના મતવિસ્તારમાં વિવાદિત બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો હતો આ બેનર કોઈના કહેવાથી લગાવ્યા કે ખરેખર મતદારોમાં રોષ ફેલાયો છે તેવા પણ સવાલો ઉઠ્યા હતા. ગુજરાત વિધાનસભા 2022 ની પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી.જ્યારે બીજા તબક્કાની ચૂંટણી પાંચ ડિસેમ્બર એટલે કે આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે તે પૂર્વે વડોદરા શહેરની એક વિધાનસભા બેઠક પર ઉમેદવારના મતવિસ્તારમાં ઉમેદવારનો જ બહિષ્કાર કરતા હોવાના બેનરો લાગતા આ વિધાનસભા બેઠક પર રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો.

મહત્વની બાબતો એ છે કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અને ઉમેદવારોનું નામ જાહેર થતાં વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓ નહીં મળવાના કારણે બેનરો પોસ્ટરો લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે સિલસિલો આજે અંતિમ દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો. વડોદરાની 10 વિધાનસભા બેઠકો પૈકીની શહેરવાડી વિધાનસભા બેઠકના ઉમેદવારના બહિષ્કાર કરતા બેનરો તેમના મતવિસ્તારમાં લાગેલા જોવા મળ્યા હતા.

આ બેનરમાં જણાવ્યું છે કે નહીં ચાલે નહીં ચાલે મંત્રી મનીષાબેન નહીં ચાલે, દસ વર્ષમાં એક પણ વખત દેખાયા નથી, જનતાના મતની કદર નથી તેવા ધારાસભ્યને મત નથી જ આપવો, કોરોના સમયે જનતા મોતના મુખમાં અને ધારાસભ્ય ઘરમાં , નથી જોઈતા આવા નેતા. આ પ્રકારે કોઈએ પોતાનો રોષ બેનરના માધ્યમથી ઉમેદવાર પર ઉતાર્યો છે. આ બેનરો લાગતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા. સૂત્રો દ્વારા એમ પણ જણાવાયું હતું કે મોવડી મંડળ દ્વારા આ ઉમેદવારની જાહેરાત થતા અંદરો અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી પણ વ્યાપી હતી.

પરંતુ પોતાની પક્ષ પ્રત્યેની ફરજ નિષ્ઠા હોવાથી શિસ્ત જળવાયો છે.પણ બની શકે કે કોઈને હાથો બનાવી આ પ્રકારની પ્રવૃત્તિ કરાઈ હોય તે પણ એક સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખો જાહેર ન હતી થઈ તે પહેલા પણ મંત્રી ડો. મનિષાબેન વકીલ ગુમ થયા હોવાના પોસ્ટરોએ ચર્ચા જગાવી હતી.શહેરના એક જાગૃત નાગરિકે આ પોસ્ટર લગાવ્યા હતા.જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આજ દિન સુધી મનિષાબેન વકીલ આવ્યા નથી,ફરકયાં નથી,તેમજ આજદિન સુધી વિસ્તારમાં કોઈ વિકાસ કર્યો નથી.

Most Popular

To Top