ચર્ચાપત્રનું શીર્ષક વાંચીને આપ સૌ વાચકોને આંચકો લાગ્યો હશે! મને પણ આવો જ આઘાત લાગ્યો. હું તારીખ 23- 3- 2022 ના રોજ સવારે એમ. આઈ. એસ. ના કામ માટે નવયુગ પોસ્ટ ઓફિસે ગયો ત્યારે થયો. પોસ્ટ ઓફિસના કાઉન્ટરનું શટર ખોલી એક ભાઈ પહેલા ક્રમે ગોઠવાઈ ગયા. ગોઠવાઈ ગયેલા ભાઈના હાથમાં ઘણાં બધાં ફોર્મ્સ અને પાસબુકસ હતી. સમજી શકાય કે એજન્ટ મહોદય જ હોય! બાકી મહિલાઓ કે સિનિયર સિટિઝન્શની તો શી તાકાત! સરકાર દ્વારા મહિલાઓ અને સિનિયર્સને અગવડ ન પડે તે માટે સતત સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે, ત્યારે અહીં તો બન્નેએ યાતના જ ભોગવવાની! મેં એજન્ટ મહોદયને કહ્યું, “ સિનિયર્સનો તો વિચાર કરો, ૧૪ મિનિટ પછી પણ બીજા ક્રમે ઊભેલા ગ્રાહકનો નંબર ન આવે એટલું કામ લઈને ઊભા રહી જાવ છો, તમે એજન્ટ છો તો અમો પોસ્ટનાં ગ્રાહકો છીએ.
“ ત્યારે એ મહોદયે તુમાખીભર્યા શબ્દોમાં કહ્યું, “ પોષ્ટ ઓફિસ એજન્ટોથી જ તો ચાલે છે!” ઈટ હેપન્સ ઓન્લી ઈન ઈંડિયા, ખરું ને? સૌથી મોટી કમનસીબી એ હતી કે કોઈ એજન્ટોનો વિરોધ કરવા તૈયાર ન હતું. “ ભાઈ શું કામ બોલો છો? કંઈ ઉપજતું નથી. થાકી ગયાં છીએ “ જેવા હારેલા શબ્દો ઊભેલા ગ્રાહકોએ ઉચ્ચાર્યા તે સિવાય કંઈ નહિ.પણ ત્રીજા ક્રમે હાથમાં થપ્પી લઈને ઊભેલાં ભાઈ ( બીજા એજન્ટ)મારા મજબૂત વિરોધને કારણે, “ જેમને મોડું થતું હોય તે આગળ આવી જાય “નું ગીત ગાવા લાગ્યા. કયાં સુધી આવી શરણાગતિ સ્વીકારતાં રહીશું? સાચે જ દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા જ સમાજ અને રાષ્ટ્ર માટે હાનિકારક છે. એજન્ટોથી જ પોસ્ટ ઓફિસ ચાલે છે તો એમના માટે કોઈ જુદી વ્યવસ્થા ગોઠવાય તો અન્ય ગ્રાહકોને તકલીફ ન પડે.
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.