સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા અર્થશાસ્ત્રી ડો.બકુલ ઢોલકિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌથી મહત્ત્વનું બજેટ કહી શકાય છે. ગત દસ વર્ષ અને આગામી દસ વર્ષને ધ્યાનમાં લઇએ તો આ સૌથી મહત્ત્વ ધરાવતું બજેટ છે. વિશ્વમાં ભાગ્યે જ કોઇ દેશ હશે, જેણે મંદી જોઇ ન હશે. પણ ભારતે છેલ્લાં 40 વર્ષમાં મંદી જોઇ ન હતી. વેસ્ટર્ન કન્ટ્રીમાં ગરીબીનું પ્રમાણ વધારે નથી. મંદીમાં સરકાર સપોર્ટ આપે છે એટલે તેમને મુશ્કેલી નડતી નથી.
પરંતુ ભારતમાં કોરોનાને કારણે ગરીબ લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (INDUSTRIAL PRODUCTION) બંધ થઇ ગયું હતું અને બધી સર્વિસિસ બંધ હતી. આ બધા પડકારોની વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા બધાનો સૂર એક જ હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરવાની જોગવાઇ કરાઇ છે. નવી બેડ બેંકના આઇડિયાને અમલમાં મુકાશે તો રૂપિયા ર.ર૦ લાખ કરોડનો એનપીએ ટેકઓવર કરી લેશે. આથી બે વર્ષમાં બેંકોની બેલેન્સશીટ ક્લીયર થઇ જશે. ઈન્સ્યુરન્સ સેક્ટરમાં એફડીઆઇને 49 ટકાથી વધારી 74 ટકા કરવામાં આવી છે.
આ બાબત ગેમ ચેઇન્જર સાબિત થશે. આની હેલ્થ, ઓટો મોબાઇલ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પોઝિટિવ અસર પડશે. જેના કારણે દેશના અર્થતંત્રનો વિકાસ (DEVELOPMENT OF ECONOMY) તો થશે જ પણ ટકશે પણ ખરો. તેમણે કહ્યું કે, કોવિડ–19ની વર્તમાન પરિસ્થિતિમાં બજેટમાં શું મળ્યું અને શું ન મળ્યું? એ જોવાને બદલે દેશના અર્થતંત્રના વિકાસની દૃષ્ટિએ બજેટને જોવાની જરૂર છે. દેશ માટે બજેટ સર્વાંગી રીતે ઘણું સારું છે.
ચેમ્બરના પ્રમુખ (PRESIDENT) દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વર્ષ-ર૦રપ સુધીમાં દેશની ઇકોનોમી પ ટ્રિલિયન યુએસ ડોલર કરવાનું આહ્વાન કર્યું છે. માર્ચ-2020માં ભારતના અર્થતંત્રનું કદ રૂ.203લાખ કરોડ હતું અને પછી કોવિડ-૧૯ની મહામારીમાં ભારતના અર્થતંત્રને ફટકો છે. જેના કારણે આર્થિક વિકાસ દર નેગેટિવ રહ્યો છે.
—કોરોનાને લીધે જે લોકો બેરોજગાર થયા તેઓ માટે બજેટમાં જોગવાઈ હોત તો સામાન્ય વર્ગ પણ સચવાઈ ગયો હોત: ડો.જયનારાયણ વ્યાસ
—-બજેટને કારણે મોટા ઉદ્યોગોનો વિકાસ થશે અને તેની સાથે સાથે નાના ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે
ડો.જયનારાયણ વ્યાસે જુદી–જુદી સંસ્થાઓ દ્વારા કરાયેલા સરવેના રિપોર્ટ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બધાને એવો ડર હતો કે બજેટમાં કોરોના સેસ નાંખવામાં આવશે તો મુશ્કેલી ઊભી થઇ જશે. પરંતુ બજેટમાં એવું કશું નાંખવામાં આવ્યું નથી. એટલે રાહત થઇ છે. પરંતુ એગ્રી સેસ (AGRI SASE)ને કારણે મોંઘવારી વધવાની શક્યતા રહેલી છે. કેન્દ્રીય બજેટમાં નાણાંમંત્રીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જોગવાઇ કરવાની જરૂર હતી. કરદાતાઓને પણ આવક મર્યાદા વધશે તેવી અપેક્ષા હતી. લોકડાઉનમાં જે લોકો બેરોજગાર થયા તેઓના માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી હોત તો સામાન્ય વર્ગ પણ સચવાઇ ગયો હોત. તેમણે કહ્યું હતું કે, બજેટને કારણે મોટા ઉદ્યોગોનો વિકાસ થશે અને તેની સાથે સાથે નાના ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે. ટૂંકમાં બજેટને કારણે દેશની અર્થ વ્યવસ્થામાં સુધારો થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.