Vadodara

શહેરના દંતેશ્વર વિસ્તારમાં કાંસ ઉપર સંભવત:18 મીટરના રોડ મામલે મેયર મુલાકાત લેશે

વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ કાંસને અડીને અનેકવિધ સાઈટો ઉભી કરવામાં આવી રહી છે જેમાં કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા કાંસ ઉપર 18 મીટરનો રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે મેયર નિલેશ રાઠોડ દ્વારા નકશા મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેની તપાસ અર્થે બે દિવસમાં સ્થળ મુલાકાતે પણ જવાના હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં આડેધડ ઊંચી ઊંચી ઇમારતો ઉભી થઇ રહી છે. એક તરફ વિકાસની વાતો થઇ રહી છે તો બીજી તરફ કેટલાક બિલ્ડરો મળેલ પરવાનગીનુ પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. કેટલાક બિલ્ડરો તો વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ કાંસમાં પણ પુરાણ કરી દેતા હોય છે ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલ કાંસને અડીને જ એક મોટી બિલ્ડીંગ ઉભી થઇ રહી છે. બિલ્ડર દ્વારા અહીં વૈભવી ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહયું છે.

સ્કાય લાઈન નામની આ બિલ્ડીંગ વરસાદી કાંસને અડીને આવેલ છે. એટલું જ નહિ આ કાંસના કિનારે દર્શનમની પાછળના ભાગે પણ અનેકવિધ સાઈટો ઉભી કરવામાં આવી રહી છે. શહેરના દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ કાંસના કિનારે બની રહેલ અનેક સાઇટોને ફાયદો કરાવવા માટે પાલિકાએ કાંસ ઉપર 18 મીટરનો રોડ મંજુર કર્યો હોવાનું અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળ્યું છે. બિલ્ડરોને એપ્રોચ રોડ મળી રહે તે માટે આ આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. તો જાણવા મળ્યા મુજબ અહીં પાલિકાની અંડર ગ્રાઉન્ડ લાઈન પણ નાંખી દેવામાં આવી છે જેનું પણ અનેકવાર ખોદકામ દરમિયાન કાંસમાં પુરાણ થઇ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ અંગે પાલિકા હવે એક્શનમાં આવે તેવી સંભાવનાઓ છે.

કાંસ ઉપરના રોડની મંજૂરી અંગે બે-ત્રણ દિવસમાં સ્થળ મુલાકાત કરીશું
અમારી પાસે આ મામલો આવતા મેં સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે. તેમાં અમારી પણ લાઈન જઈ રહી છે અને તે અંગેની જાત તપાસ કરવા બે – ત્રણ દિવસમાં સ્થળ મુલાકાત કરીશું. અધિકારીઓ પણ સાથે હશે. કાંસ ઉપરના રોડ અંગેની પણ મંજૂરી છે તે અંગેની પણ સ્થળ મુલાકાત કરી તપાસ હાથ ધરીશુ. – નિલેશ રાઠોડ, મેયર

Most Popular

To Top