ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. 9થી ૧ર જાન્યુઆરી, 2026 દરમિયાન સવારે 10થી સાંજે 7 કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
- હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્ય બનશે
સીટમે એકઝીબીશનમાં સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન પર માયા જરદોશી ડિવાઇસ સાથે લાઇવ ડેમો રજૂ કરવામાં આવશે. આ ડેમો ભારતભરમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં રજૂ કરાશે. આ ટેકનોલોજી દ્વારા હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્ય બનશે. ખાસ વાત એ છે કે, આ ડિવાઇસ ડિઝાઇનની જરૂરિયાત મુજબ 4 મીમીથી 11 મીમી સુધી જરદોશીનું ઓટો કટિંગ કરે છે, જે સંપૂર્ણપણે ઓટોમેટીક છે. આ નવીન ટેકનોલોજી ભારતભરમાં કોઇ જ સ્થળે નથી, જે સુરતમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં બાયર્સને જોવા મળશે.
અમ્બ્રોઈડરી અને જેકાર્ડ ફેબ્રિક પર પોઝિશન એમ્બ્રોઈડરી કરવા માટે ભારતભરમાં અત્યાર સુધી કોઇ સ્થળે એડવાન્સ ટેકનોલોજી સાથેની પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ થઇ નથી, સુરતમાં સીટમે એક્ષ્પોમાં પ્રથમ વખત આ મશીનરીને લોન્ચ કરવામાં આવશે. આ મશીનરીથી હેન્ડ વર્ક અને ખાટલી વર્કનું કામ શક્ય બનશે, જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેગમેન્ટો જેવા કે પોઝીશન પ્રિન્ટીંગ, એમ્બ્રોઇડરી, જેકાર્ડ અને શિફલી સેગમેન્ટના ડેવલપમેન્ટ માટે મહત્વની ભૂમિકા ભજવશે.
એમ્બોઇડરી બીડ્સ મશીનરી માટે બીડ્સ નાયલોન તાર લોન્ચ કરાશે
એમ્બોઇડરી બીડ્સ મશીનરી માટે ખાસ બનાવવામાં આવેલા બીડ્સ નાયલોન તારને ભારતભરમાં સુરત ખાતે સીટમે એકઝીબીશનમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. બીડ્સ નાયલોન તાર એમ્બ્રોઇડરી બીટ્સ મશીનરીમાં ઉપયોગમાં લઇ શકાશે.
આ નાયલોન તારમાં 85000 મીટરની લેન્થમાં સિંગલ નોટ આવતી નથી અને આ તાર મશીનરી પર લગાવ્યા બાદ બે મહિના સુધી કોનને ઉતારવાની જરૂર પડતી નથી. એ સિવાયના કોનમાં બે મહિને પાંચેક વખત ગાંઠ પડતી હોવાને કારણે તેને પાંચેક વખત બદલવાની જરૂર પડે છે. જ્યારે 85000 મીટરની લેન્થવાળા નાયલોન તારમાં ગાંઠ પડતી ન હોવાથી એમ્બ્રોઇડરી મશીનરી પર વધુમાં વધુ પ્રોડકશન લઇ શકાશે.
એક્ઝીબિશનમાં 37 શહેરોમાંથી 12 હજાર બાયર્સ આવશે
આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.
દેશભરમાંથી અત્યાર સુધીમાં 12 હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ચાર દિવસમાં એકઝીબીશનમાં રપ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.
ઉદ્યોગકારો શું કહે છે?
ચેમ્બર પ્રમુખ નિખીલ મદ્રાસી કહે છે કે, એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. એમ્બ્રોઇડરી મશીન દ્વારા સુરતના ફેબ્રિકને વેલ્યુ એડીશન કરી સારુ માર્જીન પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ મનોહર ટેકચંદાની અને જોઇન્ટ સેક્રેટરી સંજય ઝાએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરીએ છીએ.