Charchapatra

વસ્તી નિયંત્રણ અને વાસ્તવિકતા

આજકાલ આપણે સૌ જોઇએ છીએ કે અમુક રાજ્ય સરકારો વઘતી જતી વસ્તી અંગે  ચિંતિત છે અને વસ્તી નિયંત્રણ અંગે કાયદો લાવવા વિચાર કરી રહી છે.  ઉત્તરપ્રદેશ સરકાર આ બાબતે અગ્રેસર રહી વસ્તી નિયંત્રણ અંગે કડક નીતિ–નિયમો અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા વિવિધ પ્રલોભનો જાહેર કરી રહી છે  અને સરકારની આ નીતિને ન અનુસરનાર  લોકો માટે શિક્ષાત્મક જોગવાઇઓ કરવા માટે પણ પ્રતિબધ્ધતા દાખવી રહી છે જેને અનુસરીને ગુજરાત તથા કર્ણાટકની રાજ્ય સરકારો ઉત્તરપ્રદેશના કાયદાનો અભ્યાસ કરી એ બાબતે આગળ વધવાનો વિચાર કરી રહી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ફેમીલી પ્લાનીંગ શબ્દ ભૂલાઇ ગયેલ જે અંગે રાજ્ય સરકારો સક્રિયતા દાખવી રહી હોય એવું લાગી રહ્યું છે.

સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિને સરકારની આ પોલિસી આવકારદાયક લાગે પરંતુ ‘‘સુપ્રિમ કોર્ટમાં દેશના એક લોકપ્રતિનિધિ દ્વારા  વસ્તી નિયંત્રણ સંદર્ભે વધુમાં વધુ બે સંતાન અંગે કાયદાકીય જોગવાઇ કરવાની  એક યાચિકા (પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન–PIL) દાખલ કરાઇ છે જેની સામે, જેના જવાબ રૂપે કેન્દ્ર સરકાર તરફે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જે સોગંદનામું (એફીડેવીટ) રજૂ કરાયેલ એમાં ભારપૂર્વક રજૂઆત થઇ છે કે આપણા દેશની વસ્તી નિયંત્રણ (કુટુંબ નિયોજન) અંગેની નીતિ કોઇ પણ પ્રકારે બળજબરીપૂર્વક  કુટુંબ દીઠ વ્યક્તિઓની સંખ્યા ઘટાડવાની વિરુધ્ધ છે.

વધુમાં આ સોગંદનામા (એફીડેવીટ) માં જણાવાયું છે કે   દેશમાં કુલ જન્મદર  સતત ઘટી રહ્યો છે.   સને ૨૦૦૦ માં નેશનલ પોપ્યુલેશન પોલીસી (NPP) અપનાવાઇ/અમલી બનાવાઇ  ત્યારે જન્મદર (TFR) ૩.૨ હતો એ જન્મદર સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ ઘટીને ૨૦૧૮ માં ૨.૨ થયેલ. વધુમાં હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જણાવાયું છે કે  દરેક કુટુંબમાં ચોક્કસ સંખ્યા કરતાં વધુ બાળકો ન હોવા બાબતે આંતરરાષ્ટ્રીય અનુભવ બતાવે છે કે આ બાબતે  કોઇ પણ પ્રકારની કાયદાકીય મર્યાદા બિનઉત્પાદક (કાઉન્ટર પ્રોડક્ટીવ) છે અને દેશને વસ્તીવિષયક અસંતુલન (ડેમોગ્રાફીક ઇમ્બેલન્સ) તરફ ધકેલી શકે છે.’’ 

જન્મ દર અંગે આપણે વધમ વિગત જોઇએ તો ૧૯૫૭ થી ૧૯૬૫ દરમિયાન TFR  ૫.૭ હતો જે  ૧૯૯૨ માં ઘટીને ૩.૯ થયો, ૨૦૦૨ માં ૨.૯ થયો અને ૨૦૧૮ માં ૨.૨ થયો. શક્ય છે કે ૧૯૯૨ થી લોકોમાં આવેલ જાગ્રૃતિને કારણે વસ્તીમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. કુટુંબ નિયોજન એ રાજ્યનો વિષય છે પરંતુ  જન્મ દર અંગેની હકીકત/વાસ્તવિકતા અને કેન્દ્ર સરકારની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સુપ્રિમ કોર્ટમાં જે રજૂઆત/ચોખવટ થઇ છે એવા સંજોગોમાં ઉત્તરપ્રદેશ અને અન્ય સરકારોની વસ્તી નિયંત્રણ અંગેની નીતિ કડકાઇપૂર્વક લાગુ કરવા પાછળનો ઉદ્દેશ શું છે એ સમજી શકાતું નથી.

સુરત     – હિતેન્દ્ર ભટ્ટ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top