National

વંદનાએ સર્જ્યો ઇતિહાસ: હેટ્રિક મેળવનાર પ્રથમ મહિલા, 37 વર્ષ બાદ ભારતીય દ્વારા ત્રણ ગોલ

ભારતીય મહિલા હોકી ટીમ (Indian women hockey team)ની ખેલાડી વંદના કટારિયા (Vandna katariya)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઇતિહાસ (History) રચ્યો છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તેણે ત્રણ ગોલ (3 goals) કર્યા અને ટીમની જીત (Victory)માં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આ સાથે, વંદના હોકીમાં હેટ્રિક (Hat trick) ફટકારનાર ઓલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. 

1984 પછી ઓલિમ્પિકમાં કોઈ ભારતીયએ હેટ્રિક ફટકારી ન હતી. વંદનાની શાનદાર રમત સાથે ભારતીય ટીમ તેમની છેલ્લી ગ્રુપ A મેચ જીતવામાં સફળ રહી અને ક્વાર્ટર ફાઇનલની આશાઓને જીવંત રાખી છે. મેચની વાત કરીએ તો ભારતીય મહિલા હોકી ટીમે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય મહિલા ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો બીજો વિજય મેળવ્યો અને ગ્રુપમાં ચોથા સ્થાને છે. આ મેચમાં ભારતે સારી શરૂઆત કરી હતી. તેણે ચોથી મિનિટમાં જ ગોલ કર્યો હતો. અને વંદના કટારિયાએ આ ગોલ કર્યો છે. જોકે, ભારતની આ લીડ લાંબો સમય ટકી ન હતી અને પહેલા ક્વાર્ટરના અંત પહેલા જ દક્ષિણ આફ્રિકાની ગ્લાસ્બી ક્રિસ્ટીએ ગોલ ફટકારીને સ્કોરલાઈનને 1-1 પર લાવી દીધી હતી.

આ પછી, ભારતીય ટીમે ફરીથી દક્ષિણ આફ્રિકા પર આગેવાની લીધી. તેણે બીજા ક્વાર્ટરમાં મેચનો બીજો ગોલ કર્યો હતો. 17 મી મિનિટમાં વંદના કટારિયાએ પેનલ્ટી કોર્નર કન્વર્ટ કર્યું. આ ગોલ સાથે ભારતે દક્ષિણ આફ્રિકા પર 2-1ની લીડ મેળવી લીધી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ફરી એક વખત દક્ષિણ આફ્રિકાને વાપસી કરવાની તક આપી. આ વખતે પણ હન્ટરે ડિફ્લેક્શન સાથે ગોલ કર્યો. ભારતે ફરી એક વખત પોતાની લીડ ગુમાવી દીધી. દક્ષિણ આફ્રિકાએ 30 મી મિનિટમાં આ ગોલ કર્યો હતો. બીજા ક્વાર્ટર બાદ સ્કોર 2-2ની બરાબરી પર હતો.  બીજા ક્વાર્ટરમાં 2-2થી બરાબરી પર રહ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ગોલ કર્યો હતો. નેહાએ 32 મી મિનિટે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા થયો હતો. જોકે તેની સાઉથ આફ્રિકાએ ફરી એકવાર વાપસી કરી હતી. 

મેરિઝેન મરાઇસે 37 મી મિનિટે ગોલ કરીને સ્કોર 3-3 કરી દીધો હતો. મરાઇસે 37 મી મિનિટમાં આ ગોલ કર્યો હતો જેથી ત્રીજો ક્વાર્ટર 3-3થી ડ્રોમાં સમાપ્ત થયો. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ફરી એક વખત આગેવાની લીધી હતી. ભારત તરફથી વંદના કટારિયાએ ચોથો ગોલ કર્યો હતો. વંદનાએ 49 મી મિનિટે ગોલ કર્યો હતો. આ મેચમાં તેનો ત્રીજો ગોલ હતો. હકીકતમાં, હવે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પર નિર્ભર રહેવું પડશે. નિયમો મુજબ દરેક ગ્રુપમાંથી ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, પરંતુ અત્યારે ભારતીય ટીમ પોતાની તમામ મેચ રમ્યા બાદ ગ્રુપ A માં ચોથા સ્થાને છે. જ્યારે ગ્રેટ બ્રિટન ચાર મેચ રમ્યા બાદ ત્રીજા અને આયર્લેન્ડ એટલી જ મેચ રમ્યા બાદ પાંચમા સ્થાને છે.

હવે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની ટીમો ગ્રુપની છેલ્લી મેચ રમશે અને એકબીજા સામે ટકરાશે. આમાં જો બ્રિટનની ટીમ જીતશે અથવા મેચ ડ્રોમાં રમશે તો આવી સ્થિતિમાં ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો આયર્લેન્ડ જીતશે તો ભારત ઓલિમ્પિકમાંથી બહાર થઈ જશે. 

Most Popular

To Top